ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે
જિલ્લા મથકો પર કલેકટર, પોલીસ કમિશ્ર્નર, જીલ્લા વિકાસ અધિકારી શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ છે જેના પગલે રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઈ જવા પામેલ છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવેલ હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લા મથકો પર કલેકટર, પોલીસ કમિશ્ર્નર, જીલ્લા વિકાસ અધિકારી શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં રાજકોટમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને શિક્ષણાધિકારી રાણીપાએ રૈયારોડ પરની ન્યુએરા સ્કુલના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવી વેલકમ કર્યું હતું.
રાજકોટ શહેર-જિલ્લામાં 80510 સહિત રાજયના 15.38 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા છે. જેમાં સૌરાષ્ટ્રના 3.67 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.10ના 9.17 લાખ, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.32 લાખ અને સામાન્ય પ્રવાહના 4.89 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. રાજયમાં 5378 બિલ્ડીંગો અને 54294 બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટની મધ્યસ્થ જેલના કેન્દ્ર પરથી ધો.10ના 16 અને ધો.12ના 7 કેદી પરીક્ષા આપી રહ્યા છે જયારે રાજયની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ કુલ આ ચાર જેલના કેન્દ્ર પરથી ધો.10ના 73 અને ધો.12ના 57 કેદી પરીક્ષા આપી રહ્યા છે.
પરીક્ષાના આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.10નું ગુજરાતી અને ધો.12 સામાન્ય પ્રવાહનું સહકાર પંચાયતનું પેપર લેવામાં આવી રહ્યું છે. જયારે બપોરના સેશનમાં ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે. બોર્ડની આ પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં 144મી કલમ લાગુ કરી જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર વિશેષ જાપ્તો રાખવામાં આવેલ છે.
બોર્ડની પરીક્ષા સંદર્ભે ગઈકાલથી રાજકોટની કરણસિંહજી હાઈસ્કુલ સહિત રાજયના તમામ જિલ્લા મથકો પર ક્ધટ્રોલરૂમ ધમધમતા કરી દેવામાં આવેલ છે. બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ ફલાઈંગ સ્કવોર્ડોએ એકશન મોડમાં આવી પરીક્ષા કેન્દ્રોની રાઉન્ડ ધ કલોક તપાસણી શરૂ કરી દીધી છે.
આ વખતે લોકસભાની ચુંટણીને લઈને ધો.10 અને ધો.12ની આ પરીક્ષાનું આ પરિણામ પણ વહેલાસર એટલે કે સંભવત આગામી એપ્રિલ માસમાં જ જાહેર કરવા માટે શિક્ષણબોર્ડ દ્વારા તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે શિક્ષણબોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા પરીક્ષાર્થી ઉમેદવારો માટે શિક્ષાનું કોષ્ટક અગાઉથી જ જાહેર કરી દેવામાં આવેલ હતું. જે અંતર્ગત પરીક્ષામાં ડીઝીટલ ઘડીયાળ, હથિયાર સાથે રાખનાર કે ઉતરવહીમાં ચલણીનોટ મૂકનારા ઉતરવહીમાં નિશાની કરે કે અન્ય કલરની પેનનો ઉપયોગ કરે તો આવા પરીક્ષાર્થીઓના પરિણામ રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બોર્ડની આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિને ડામવા માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે.



