ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય સમિતિ આજે એટલે કે ગુરુવારે One Nation One Election પર પોતાનો અહેવાલ સુપ્રત કરી શકે છે
સૂચિત અહેવાલ લોકસભા, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ મતદાર યાદી પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
લોકસભા ચૂંટણી પહેલા એક દેશ, એક ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ સહિત વિવિધ સંસ્થાઓની એકસાથે ચૂંટણી પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય સમિતિ આજે એટલે કે ગુરુવારે એક દેશ એક ચૂંટણી (One Nation One Election) પર પોતાનો અહેવાલ સુપ્રત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે One Nation One Election રિપોર્ટ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવી શકે છે.
One Nation One Election પરની કોવિંદ સમિતિ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારાની ભલામણ કરી શકે છે. સૂચિત અહેવાલ લોકસભા, રાજ્ય વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ મતદાર યાદી પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ગયા સપ્ટેમ્બરમાં રચાયેલી સમિતિને હાલના બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્યની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એક સાથે ચૂંટણીઓ યોજવા માટે શક્યતાઓ શોધવા અને ભલામણો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
મહત્વનું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનો પણ સમાવેશ થાય છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે આ સમિતિને સંપૂર્ણ કપટ ગણાવીને ના પાડી દીધી હતી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય છે. એક ખાનગી મીડિયાના અહેવાલ પ્રમાણે સમિતિના એક સભ્યએ પુષ્ટિ કરી છે કે, સમિતિ વર્ષ 2029માં એકસાથે ચૂંટણીઓ યોજવાનું સૂચન કરશે અને તેનાથી સંબંધિત પ્રક્રિયાગત અને લોજિસ્ટિકલ મુદ્દાઓ પર ચર્ચા કરશે.



