ગુજરાત

કોર્પોરેટર દેવુબેન અને વજીબેન ભાજપમાંથી સસ્પેન્ડ મનપાના ઇતિહાસની પહેલી ઘટના

ઝુંપડપટ્ટીના લોકો માટે બનેલા આવાસનો ગેરકાયદે લાભ લેવાના પ્રકરણમાં ખુલાસો ફગાવી દેતી પાર્ટી હાઇકમાન્ડની સૂચના બાદ કડક નિર્ણય લેતા પ્રમુખ મુકેશ દોશી

પતિદેવોએ લીધેલા ગેરકાયદે લાભના કારણે પદ ગુમાવ્યા : કોર્પોરેટરપદેથી રાજીનામુ ન આપતા અપક્ષ તરીકે ચાલુ રહેશે

રાજકોટ, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.પના પ્રદ્યુમન પાર્કના રસ્તે વર્ષો પહેલા બનેલી ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારો માટે  જગ્યા ખાલી કરાવીને ગોકુલનગરમાં આવાસ આપવા બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ભાજપના બે મહિલા કોર્પોરેટરો દેવુબેન મનસુખભાઇ જાદવ અને વજીબેન કવાભાઇ ગોલતરે ગેરકાયદેસર રસ્તે લાભ લઇ લીધાના ગંભીર પ્રકરણમાં બંનેને શોકોઝ નોટીસ આપ્યા બાદ અંતે આજે પ્રમુખ મુકેશ દોશીએ બંને મહિલાને 6 વર્ષ માટે ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરી છે.

મહાપાલિકાના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ કોર્પોરેટરોને ચાલુ પદે પાર્ટીમાંથી કાઢી નાખવાનો બોલ્ડ નિર્ણય પ્રદેશ ભાજપના માર્ગદર્શન બાદ આજે શહેર ભાજપે લીધો છે. સાથે જ પ્રજાના પ્રતિનિધિઓએ મનપામાં બેસીને આવા કોઇ ગેરલાભ, પ્રલોભનમાં ન આવવા અને કોઇને આવવા પણ ન દેવાનો કડક સંદેશો પણ આપ્યો છે. આ નિર્ણયથી મનપામાં હલચલ મચી છે. તો બંને કોર્પોરેટરને માત્ર પાર્ટીના સભ્યપદેથી દુર કરાયા હોય, તેઓ આજની તારીખે કોઇ પક્ષ વગરના એટલે કે અપક્ષ કોર્પોરેટર તરીકે રહી ગયા છે એ પણ ઉલ્લેખનીય છે.

ભાજપના બે મહિલા કોર્પોરેટરને સંડોવતા આવાસ યોજના પ્રકરણમાં બંને નગરસેવિકાને બે દિવસ પહેલા શોકોઝ નોટીસ આપી  ખુલાસો કરવા 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા પ્રમુખે કહ્યું હતું કે કોર્પો.એ તટસ્થ તપાસ કરી શંકાસ્પદ આવાસોની ફાળવણી રદ્દ કરી છે. પ્રક્રિયા મુજબ બંને કોર્પોરેટરને જવાબની તક અપાઇ હતી. આ જવાબ બાદ પ્રદેશમાં રીપોર્ટ મોકલાયો હતો  અને  હાઇકમાન્ડે કોઇએ કંઇ ખોટું કર્યુ હોય તો કડક પગલા લેવા છુટ આપતા આજે આ નિર્ણય લેવાઇ ગયો હતો.

પ્રદ્યુમન પાર્કના રસ્તે આવેલી વર્ષો જુની સાગરનગર અને બેટ દ્વારકાની ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો માટેના ગોકુલનગર આવાસમાં ભાજપના પદાધિકારી અને કાયદા સમિતિના ચેરમેન વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઇ જાદવના પતિ  મનસુખભાઇ જાદવ દ્વારા પોતાના નામે અને નજીકના કુટુંબીજનોના નામે આવાસના લાભ લઇ લેવાના પ્રકરણમાં ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદેથી રાજીનામુ લઇ લીધુ હતું.

તો  આ પ્રકરણમાં બીજા મહિલા કોર્પોરેટર વોર્ડ નં.5ના વજીબેન કવાભાઇ ગોલતરના નામ વિવાદમાં આવ્યા હોય, તપાસ અહેવાલ બાદ અને પ્રદેશના માર્ગદર્શન હેઠળ વધુ કડક પગલા લેવા નિર્ણય લીધો હતો. સાથે જ બંને કોર્પોરેટર અને તેમના પતિદેવોને મનપામાં કે કોઇ કાર્યક્રમમાં હાજર ન રહેવા, ચૂંટણી પ્રચારમાં ન જોડાવા પણ તાકીદ કરી હતી. હવે બંને કોર્પોરેટર સત્તાવાર રીતે ભાજપમાંથી આઉટ થઇ ગયા છે.

ગોકુલનગર આવાસ યોજના કવાર્ટરમાં વોર્ડ નં.6ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઇ જાદવના પતિ મનસુખભાઇ જાદવ દ્વારા કરવામાં આવેલા કથિત કૌભાંડ અંગેની વિગતો જાણવામાં આવતા આ પદ પરથી તેમનું રાજીનામુ લઇ લેવાયું હતું. શાસક પક્ષ દ્વારા આ બંને મહિલા કોર્પોરેટરોને મહાપાલિકામાં પ્રવેશવાની મનાઇ ફરમાવી દેવાઇ હતી.

દરમ્યાન આજે પ્રમુખે જણાવ્યું હતું કે બંને કોર્પોરેટરના જવાબ આવ્યા છે જે જરા પણ સંતોષકારક નથી. બીજી તરફ વહીવટી તંત્રની તપાસમાં બંને કોર્પોરેટરે આવાસના ગેરલાભ લીધાનું દેખાયું છે. તેઓ પાસે ઘરના ઘર હોવાનું પણ સાબિત થયું છે. આથી તેઓને ભાજપમાંથી 6 વર્ષ માટે દુર કરાયા છે. તેમના પ્રાથમિક સભ્યપદ છીનવી લેવાયા છે. તેમનો બચાવ માન્ય રાખવામાં આવ્યો નથી.

કોર્પોરેટર પદેથી દુર કરવા અંગે પ્રમુખે કહ્યું હતું કે પાર્ટી દ્વારા પક્ષ કક્ષાએ આ કડકમાં કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેટર પદેથી તેઓ સ્વેચ્છાએ રાજીનામુ આપી શકે છે. પાર્ટીએ આ માટે કોઇ હુકમ કરવાનો હોતો નથી. બાકી વહીવટી કક્ષાએ તપાસની કાર્યવાહી કમિશ્નર સહિતના અધિકારીઓ કરી રહ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button