વિવાદો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતાની કમીટીએ ( જ્ઞાનેશકુમાર, સુખબીર સંધુ ) બે નામોની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી
લોકસભા ચૂંટણીની જાહેરાતોના કલાકો પુર્વે જ ચુંટણીપંચમાં ઉચ્ચપદ પર નિયુક્તિની પ્રથમ ઘટના ,
દેશમાં હવે ગમે તે સમયે જાહેર થઈ શકતી લોકસભા ચૂંટણી પુર્વેના કલાકોમાંજ આજે બે નવા ચુંટણી કમિશ્ર્નરની નિયુક્તિની ભલામણ થઈ છે અને હવે રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુ તેમાં મંજુરીની મહોર મારશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ સભ્યોની કમીટીએ 1988 બેચના આઈએએસ અધિકારી તથા ગૃહ તથા સહકારીતા સહિત વિભાગોમાં કામ કરી ચૂકેલા પુર્વ અધિકારી જ્ઞાનેશકુમાર તથા પંજાબ કેડરના અધિકારી અને ઉતરાખંડના પુર્વ મુખ્ય સચીવ સુખબીરસંધુની નિયુક્તિની ભલામણ કરી છે.
વિવાદી બની રહેલી અને બની રહેલી આ નિયુક્તિમાં આજે વિપક્ષના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા શ્રી અધિર રંજન ચૌધરીએ પ્રક્રિયાનો વિરોધ કરતા કહ્યું હતું કે ગઈકાલે મને 212 નામોની યાદી આપવામાં આવી હતી અને આજે સવારે બેઠકમાં છ નામો રજુ થયા હતા પણ આટલા સમયમાં તમામની પ્રોફાઈલ ચેક કરવી ખૂબજ અશકય હતું.
તેઓએ આક્ષેપ કર્યો કે મોદી સરકારે આ પસંદગીની પ્રક્રિયાને મજાક બનાવી દીધી હતી અને પહેલાથી જ નામો નિશ્ચિત હતા. આજે પસંદ થયેલા જ્ઞાનેશકુમાર ગૃહમંત્રી શ્રી અમીત શાહના વિભાગ સહકારીતા મંત્રાલયમાં ફરજ બજાવી ગયા છે અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદીના નિર્ણય સમયે તેઓ ગૃહમંત્રાલયમાં હતા તો શ્રી સુખબીર સંધુ ઉતરાખંડના પુર્વ મુખ્ય સચીવ તરીકે ફરજ બજાવી ગયા છે અને તેમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ચેરમેન પણ રહી ચૂકયા છે.
હવે રાષ્ટ્રપતિની મંજુરી સાથે જ બન્ને પોતાના હોદા સંભાળી લેશે. અગાઉ ચૂંટણી કમિશ્ર્નર અરુણ ગોયલના રાજીનામા અને અગાઉ અનુપ પાંડે 15 ફેબ્રુ.ના નિવૃત થતા બે સ્થાને ખાલી પડયા હતા અને ચુંટણીમાં ગમે તે ઘડીએ યોજાવાની હોવાથી સરકારને ઝડપથી બે નવી નિયુક્તિની ફરજ પડી હતી.



