વડોદરામાં સીટીંગ સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ આપતા શહેરના પૂર્વ મેયર ડો. જયોતિબેન પંડ્યાએ વિરોધનો બુંગીયો ફુકતા તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
પૂર્વ મહિલા મેયર બાદ હવે જિલ્લાના મહિલા અગ્રણીએ પ્રમુખ ઉપર આક્ષેપો કર્યા

વડોદરામાં સીટીંગ સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ આપતા શહેરના પૂર્વ મેયર ડો. જયોતિબેન પંડ્યાએ વિરોધનો બુંગીયો ફુકતા તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જો કે તેઓ હજુ પણ આક્રમક મુડમાં છે. તે સમયે વડોદરા જિલ્લા ભાજપના અગ્રણી ભારતીબેન ભાણવડીયાએ પત્રકાર પરિષદ બોલાવી બરોડા સેન્ટ્રલ કો-ઓપ. બેંકમાં પૈસા લઇને ભરતી કરવામાં આવે છે તેવો ખુલ્લા આક્ષેપ કર્યો હતો અને કહ્યું કે, આ માટે જિલ્લા પ્રમુખે માળખુ પણ બદલી નાખ્યું.
તેમણે જણાવ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલએ મારા પર આક્ષેપો કર્યા કે બેંકનો વહીવટ ચેરમેન નહીં ભારતીબેન ચલાવે છે. મને જીલ્લા ભાજપમાં બદનામ કરી મુકી છે. પ્રદેશ કક્ષાએ રજુઆત કરીને માળખુ બદલી નાખ્યું અને લાખો રુપિયા લઇને ભરતી કરી છે. તેઓએ કહ્યું કે વડોદરામાં કોઇ મહિલા ભાજપ માટે કામ કરવા આતુર નથી.
ડો. જ્યોતિબેન પંડ્યા કહે છે કે હું હજુ અડગ વડોદરા ભાજપમાં બળવો કરનાર ડો. જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે ચૂંટણી લડવી મારો ધ્યેય નથી પરંતુ લોકોને સાચીવાત કહેવી જોઇએ અને તેથી જ હું અડગ છું.
તેઓ ‘આપ’માં જોડાશે તેવી ચર્ચા અંગે કહ્યું કે મારું મન કેસરીયા જ છે અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો આદર્શ માનું છું. મને શહેર ભાજપમાંથી અભિનંદનના ફોન આવ્યા રહ્યા છે. આખું શહેર પસંદ કરતું નથી તેવાને તમો ટીકીટ આપી રહ્યા છો. પણ પક્ષને સહન કરવું પડશે.