હિંમતનગર એપીએમસીમાં ઘઉંના ભાવ એક મણના રૂપિયા 480 થી 800 સુધી બોલાતા માર્કેટયાર્ડ સહિત ખેડૂતમાં હર્ષોલ્લાસ, માર્કેટયાર્ડમાં આજે 15,000 થી લઈ 20,000 બોરી ઘઉંની આવક
ખેડૂતોને ઘઉના પોષણક્ષમ ભાવ મળી રહેતા સીઝન સારી રહેવાને લીધે બે પૈસા બચત થવાની ખુશી ચહેરા પર જોવા મળી રહી હતી.

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં આજે ઘઉંની ખરીદીનો ભાવ રૂપિયા 480 થી 800 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોને ઘઉના પોષણક્ષમ ભાવ મળી રહેતા સીઝન સારી રહેવાને લીધે બે પૈસા બચત થવાની ખુશી ચહેરા પર જોવા મળી રહી હતી. વર્ષ દરમિયાન વાવાઝોડું સાથે વરસાદ અને અનિયમિત વાતાવરણના પગલે દર વર્ષ કરતા આ વર્ષે ઘઉં સહિતના પાકોમાં ઉત્પાદન ઘટ્યું હોવા છતાં રેકોર્ડ ભાવ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે તેમજ આગામી સમયમાં હજુ પણ રવિ પાકના ભાવ ઊંચકાય તેવી સંભાવનાઓ છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક તેમજ સૌથી મોટા માર્કેટ યાર્ડ ગણાતા હિંમતનગર એપીએમસીમાં આજે ઘઉંના ભાવ એક મણના રૂપિયા 480 થી 800 સુધી બોલાતા માર્કેટયાર્ડ સહિત ખેડૂત આલમમાં હર્ષોલ્લાસ સર્જાયો છે. માર્કેટયાર્ડમાં આજે 15,000 થી લઈ 20,000 બોરી ઘઉંની આવક થવાની સાથોસાથ ભાવમાં પણ ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં આજે 350 થી વધારે ટ્રેક્ટર ગઈકાલ રાત્રથી જ લાઈનમાં ખડકાયા હતા તેમજ આજે જાહેર હરાજીની શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આખી સીજનની મહેનત ઉગી નીકળી હોય તેમ તેમને ઘઉના પોષણક્ષમ ભાવ મળી રહેતા આનંદીત જોવા મળ્યા હતા. આ ઉપરાંત ખેડૂતો ચણા, મકાઈ સહિત એરંડા વેચાણ માટે એપીએમસીમાં આવ્યા હતા. જો કે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે બીજી તરફ જે ઘઉંનો પાક પલળી ગયો હતો તેનો પોષણક્ષમ ભાવ મળ્યો ન હતો. આ ઘઉનો ભાવ મણના 480 હરાજીમાં બોલાયો હતો. જેનાથી ખેડૂતોના ખર્ચ નીકળી શકે તેમ ન હોવાનું કહી રહ્યા છે.
ઘઉં 480 થી 800 મકાઈ , 450 થી 500 એરંડા 1100 થી 1150
દેશી ચણા 1025 થી 1100 , કાબુલી ચણા 1600 થી 2150