પ્રથમ વખત શ્રીનગરમાં ફોર્મ્યુલા-4 કાર રેસ યોજવામાં આવી હતી , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કાર્યક્રમને વધાવ્યો હતો.
સ્પોર્ટસ કાર-બાઇક ચાલકોએ લલિતછાટથી નહેરૂ પાર્ક સુધી અદ્ભૂત સ્ટંટ પણ કર્યા: સહેલાણીઓ સહિત સેંકડો લોકો ‘દંગ’

ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરને ત્રાસવાદથી મુક્ત કરવાના કેન્દ્ર સરકારના શ્રેણીબધ્ધ એકશન સાથે પ્રવાસન રાજ્યમાં હાલતમાં મોટો સુધારો થયો જ છે. પ્રથમ વખત શ્રીનગરમાં ફોર્મ્યુલા-4 કાર રેસ યોજવામાં આવી હતી તે તેની સાબીતી છે. ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કાર્યક્રમને વધાવ્યો હતો.
કાશ્મીરના શ્રીનગરમાં વિખ્યાત દાલ લેકના કિનારાના રસ્તે પ્રથમ વખત ફોર્મ્યુલા-4 કાર રેસ ઇવેન્ટ યોજવામાં આવી હતી. અમુક કાર ચાલકોએ રસ્તા પર અદભૂત સ્ટંટ પણ કર્યા હતા. દાલ લોકમાં ‘શિકારા’નું પરિવહન યથાવત રહેવા વચ્ચે કિનારે કાર રેસનો અભૂતપૂર્વ સમન્વય થયો હતો.
ફોર્મ્યુલા કાર સહિતની સ્પોર્ટસ કાર તથા સ્પોર્ટસ બાઇકના સ્ટંટ વચ્ચે લલિત ઘાટથી નહેરૂ પાર્ક સુધીના 1.7 કિ.મી. લાંબા રોડ પર રેસ નિહાળવા માટે સમગ્ર માર્ગ પર સહેલાણીઓ સહિત સેંકડો લોકો લાઇનબંધ ઉભા રહી ગયા હતાં.
કાશ્મીરનાં પ્રવાસન વિભાગ તથા ભારતીય રેસીંગ લીગ ફોર્મ્યુલા-4 દ્વારા સંયુક્ત રીતે આયોજીત આ ઇવેન્ટ બાદ કાશ્મીરના ડીવીઝનલ કમીશ્ર્નર વી.કે. બીધુરીએ કહ્યું કે બદલાતા કાશ્મીરનો આ પુરાવો છે. કાશ્મીર પણ દુનિયાના અન્ય ક્ષેત્રોની જેમ આ પ્રકારની ઇવેન્ટ યોજવામાં પાછળ નથી. પ્રવાસનને વધુ વેગ આપવાનો પણ ઉદેશ હતો.
કાર રેસને ધ્યાને રાખીને સમગ્ર માર્ગ પર બેરીકેડ ઉભા કરવા ઉપરાંત મેડીકલ સુરક્ષા ટીમો સહિત વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસન વિભાગના ડાયરેક્ટર રાજા ફારૂકે કહ્યું કે ફોર્મ્યુલા-4 ઇવેન્ટ હજાુ તો શરૂઆત છે. કાશ્મીર ‘એડવેન્ચર ડેસ્ટીનેશન’ બની જ રહ્યું છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રવાસનમાં મોટો વધારો થયો છે. પ્રવાસીઓ માટે નવો ક્ષેત્રો ખોલવા વિવિધ કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. એડવેન્ચર સ્પોર્ટસ પર પણ ફોક્સ વધારવામાં આવ્યું છે. ગુલમર્ગમાં ગોંડોલા (કેબલ કાર-રોપવે) હાઉસફુલ જઇ રહ્યો હોવાથી વધુ એકનું નિર્માણ કરાશે.
શ્રીનગરમાં પ્રથમવાર યોજાયેલી ફોર્મ્યુલા-4 કાર રેસ પર દેશભરના નાગરિકોનું ધ્યાન ખેંચાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ વખાણ કર્યા હતાં. સોશ્યલ મીડીયા પરની ટવિટનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે ‘ઇવેન્ટ હૃદય સ્પર્શી’ રહી છે.
તેનાથી જમ્મુ-કાશ્મીરની સુંદરતા વધુ ખીલશે. મોટર સ્પોર્ટસ માટે ભારતમાં મોટી તક છે અને શ્રીનગર તેમાં સર્વોચ્ચ મુકામ પર છે જ્યાં તે થઇ શકે. ફોર્મ્યુલા-4ની તસ્વીરો પોસ્ટ કરીને એક યુઝરે ટવિટમાં એમ લખ્યું કે ‘મેરા કાશ્મીર બદલ રહા હૈ-વડાપ્રધાને કાશ્મીરને બદલી નાખ્યું છે.’ હાલ લેકના કિનારે પ્રથમ વખત કાર શો યોજાયો હતો.
અન્ય એક યુઝરે એમ કહ્યું કે, ‘કાશ્મીરનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે’ અન્ય એકે પોસ્ટમાં કહ્યું કે ‘જમ્મૂ-કાશ્મીરમાં મોટર સ્પોર્ટસની તક ઉતેજના સર્જનારી છે. શ્રીનગરની પર્વતીય સુંદરતાનો અદ્ભૂત સમન્વય જોવા મળે છે.’
પ્રવાસન માટે વિખ્યાત કાશ્મીરના શ્રીનગરમાં પ્રથમ વખત યોજાયેલી ફોર્મ્યુલા-4 મોટર રેસમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઇવેન્ટ સ્થળ તથા આસપાસ વધારાના સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા જ હતા. સાથોસાથ ડ્રોન મારફત પણ વોચ રાખવામાં આવી હતી.
ફોર્મ્યુલા-4 કાર રેસ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ લેકના કિનારે ડેમોન્સ્ટ્રેશન વખતે બે કાર બેરીકેડ સાથે ટકરાઇ હતી. દર્શકોની સુરક્ષા માટે બેરીકેડ ઉભા કરાયા હતા. જો કે, આ દુર્ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી.