દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડનો માર્ગ હજુ ખુલ્લો રહ્યો ED ના સમન્સ સામે કેજરીવાલ હાઈકોર્ટમાં ,
ધરપકડ સામે સ્ટે અંગે કોઈ પ્રતિભાવ ન આપ્યો: તા.22 સુધીમાં ઈડીને જવાબ રજુ કરવા જણાવ્યું
લોકસભા ચૂંટણી સમયે દિલ્હીના શરાબકાંડ સહિતની તપાસમાં એન્ફોર્સમેન્ટ વિભાગના એક બાદ એક સમન્સનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સમન્સ સામે દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજીમાં પણ તાત્કાલિક કોઈ રાહત મળી નથી અને તેમના પર ધરપકડની તલવાર લટકતી રહી છે.
બીજી તરફ હાઈકોર્ટે કેજરીવાલને મોકલાતા સમન્સ અંગે તા.22 એપ્રિલ સુધીમાં રજુ કરવા જણાવ્યું છે. કેજરીવાલને શરાબકાંડમાં નવ જેટલા સમન્સ મળી ચૂકયા છે અને એકપણમાં હાજર થયા નથી.
તો બીજી તરફ જલબોર્ડ તપાસમાં તેમને એક સમન્સ ઈશ્યુ કરાયુ હતું. ચુંટણી સમયે જ આ પ્રકારના સમન્સ મારફત ઈડી તેમની ધરપકડ કરશે તેવો ભય લાગતા કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજીમાં તેને પ્રશ્નો પૂછીને હાઈકોર્ટે ધરપકડ કે અન્ય રીતે તેમની અટકાયત સામે કોઈ સ્ટે આપ્યો ન હતો.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ કેજરીવાલને પ્રશ્ન પૂછયો કે તમે હાજર જ થતા નથી તો તમને શુકામ બોલાવવામાં આવે છે તે કેમ ખબર પડશે. કેજરીવાલ વતી રજુ થયેલા સીનીયર ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે હાજર થવામાં વાંધો નથી પણ અમારે પ્રોટેકશન (ધરપકડ) સામે સ્ટે જોઈએ છે.
જો કે હાઈકોર્ટે તે મુદે કોઈ તાત્કાલીક રાહત આપી ન હતી અને જણાવ્યું કે તમે પણ ભારતના નાગરિક છો અને એન્ફોર્સમેન્ટ વિભાગ જયારે સમન્સ મોકલતુ હોય તો તમારે તેને માન આપવુ જોઈએ.



