રાજકોટની બેઠકનું કોકડુ ગુંચવાયું ચૂંટણી લડવાનો નથી પરેશ ધાનાણી ,
કોંગ્રેસના વિધાનસભા પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે રાજકોટ જ નહીં અન્ય કોઇપણ બેઠકના દાવેદાર નથી અને ચૂંટણી લડવાના નથી.
લોકસભા ચૂંટણી માટેના બાકી 18 ઉમેદવારો જાહેર કરવા કોંગ્રેસ તૈયારી કરી રહી છે. ત્યારે રાજકોટની બેઠકના ઉમેદવારનું કોકડુ ગુંચવાયું છે. સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીએ વધુ એક વખત ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
કોંગ્રેસના વિધાનસભા પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ આજે બપોરે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે રાજકોટ જ નહીં અન્ય કોઇપણ બેઠકના દાવેદાર નથી અને ચૂંટણી લડવાના નથી. એક વર્ષથી ‘સ્ટેન્ડ કલીયર’ જ છે અને પાર્ટી નેતાગીરી કરે તે બેઠક પર ઉમેદવારના ‘સારથી’ તરીકે કામ કરવાની તૈયારી છે.
પાર્ટી નેતાગીરી દ્વારા ચૂંટણી લડવા કોઇ સુચના આપવામાં આવી નથી કારણ કે નેતાગીરી પણ મને ઓળખે જ છે અને મારા કલીયર સ્ટેન્ડથી વાકેફ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની બેઠક પર ભાજપ દ્વારા કડવા પાટીદાર નેતા પુરૂષોતમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ લેઉવા પાટીદાર નેતા પરેશ ધાનાણીને ઉતારશે તેવી બે-ચાર દિવસથી અટકળો પ્રવર્તતી હતી.
ખુદ કોંગ્રેસના આગેવાનો પણ આ વાતને સમર્થન આપવા લાગ્યા હતા. સોશ્યલ મીડિયાના અમુક ગ્રુપમાં પરેશ ધાનાણીનું નામ ઉમેદવાર તરીકે જાહેર પણ કરી દેવાયું હતું. હવે પરેશ ધાનાણીના ઇન્કારથી હવે કોને જંગમાં ઉતારાય છે તેના પર મીટ છે.



