દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં શનિવારે ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યુ
રોષે ભરાયેલા લોકોએ વાહનોની તોડફોડ કરી હતી. બળાત્કારની ઘટના બહાર આવતા લોકો આરોપીના ઘરની બહાર એકઠા થવા હતા.
દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં શનિવારે ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા વાતાવરણ તંગ બન્યુ છે. રોષે ભરાયેલા લોકોએ વાહનોની તોડફોડ કરી હતી. બળાત્કારની ઘટના બહાર આવતા લોકો આરોપીના ઘરની બહાર એકઠા થવા હતા. લોકોએ આરોપીના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આરોપીના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ હાથ ધરી છે તેમજ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે આ વિસ્તારમાં લોકો એકઠા થતા પરિસ્થિતિ તંગ બનવા લાગી હતી જેને લઇ પોલીસનો મોટો કાફલો વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યો છે.
દિલ્હીમાં રેપની ઘટના આવ્યા બાદ અફવાનું બજાર પણ રવિવારે ગરમ રહ્યુ હતું. ત્યારેક બાળકીના મોતના તો ક્યારેક આરોપીને છોડી દેવાયાની ચર્ચા જોવા મળી હતી. લોકોમાં આ ઘટના બાદ ઘણો આક્રોશ જોવા મળ્યો હતો. અર્ધ લશ્કરી દળોને અહી ઉતારી દેવાયા છે તેમ છતાં રવિવારે મોડી સાંજ સુધી ઘટના સ્થળે તંગદિલીનો માહોલ રહ્યો હતો. થોડી થોડી વારે એકઠી થતી ભીડ દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવતુ હતું. બીજી તરફ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ વારંવાર લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
રોષે ભરાયેલા ટોળાએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને ત્યાંથી પસાર થતા બે વાહનોને તોડ્યા હતા. ટોળાએ આરોપીના ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. લોકોએ માંગ કરી હતી કે મહિલા શિક્ષકના પતિની પણ ધરપકડ કરવામાં આવે. આ પછી પોલીસે સુરક્ષાના કારણોસર આરોપીના પરિવારજનોને કસ્ટડીમાં લીધા અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
એકઠા થયેલા લોકોની સાથે રાજકિય પક્ષોના કાર્યકર્તા પણ જોડાયા હતા અને તેમણે રેપ પિડિત છોકરીને ન્યાય માટે માગ કરી હતી. અને પોલીસ સ્ટેશનના ઘેરાવાની ચિંમકી ઉચ્ચારી હતી. પાંડવ નગર ઘટના બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. રવિવારે સાંજે પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પાર્ટીના ધારાસભ્ય કુલદીપ કુમાર અને પ્રવક્તા રીના ગુપ્તાએ કહ્યું હતું કે આ ઘટના ચોંકાવનારી છે. દિલ્હીમાં મહિલાઓ પર સતત ગુનાહિત ઘટનાઓ બની રહી છે, પરંતુ પોલીસ તેને રોકવામાં નિષ્ફળ રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના કાર્યાલયને સીલ કરવા અને ધારાસભ્યો પર નજર રાખવા માટે પોલીસ તૈનાત કરી છે. કુલદીપ કુમારે કહ્યું કે હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ક્યાંય વિરોધ ન કરી શકે તે માટે દિલ્હી પોલીસ તૈનાત કરવામાં આવી છે.



