ગોંડલમાં જયરાજસિંહનું સમાધાન સંમેલન ભાજપ પ્રેરીત હતું, સમાજમાં કાંઇ લેવાદેવા નથી , રૂપાલા મામલે ક્ષત્રિય આગેવાનોમાં ભાગલા
ભલે ક્ષત્રિય સમાજે 500 ને માફી આપી હોય પણ રૂપાલાને સજા જ કરવી પડે : ઉમેદવારી રદ્દ થાય તે જ સજા, તો જ સમાધાન
રાજકોટની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુધ્ધના વિવાદિત વિધાન સામે સર્જાયેલો ભડકો ઠારવાના પ્રયાસો ખાસ સફળ થતા ન હોય તેમ સમાજમાં જ આ મામલે તડા પડયાની છાપ ઉપસવા લાગી છે. ગોંડલમાંજયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સમાધાન થયાનું જાહેર કરાયા બાદ પણ અન્ય ક્ષત્રિય આગેવાનો હજાુ આગબબુલા જ છે. જયરાજસિંહે યોજેલી બેઠક સમાજની નહીં પણ ભાજપ પ્રેરિત રાજકીય હોવાનો આરોપ મુકીને આગેવાનોએ સમાધાન અને માફી ફગાવ્યા છે. રૂપાલાને સજારૂપે ઉમેદવારી રદ થાય તો જ સમાધાન શક્ય હોવાનું સ્પષ્ટ કર્યું છે.
ગોંડલમાં ગઇરાત્રે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજી હતી. પરસોતમ રુપાલાએ માફી માંગી લીધી છે. માફી આપવાનો ક્ષત્રિયોનો ધર્મ છે તેવું જાહેર કરીને સમગ્ર વિવાદમાં સમાધાન થઇ ગયાનું જાહેર કરાયું હતું. આ સંમેલન પૂર્ણ થયાને તૂર્ત બાદ જ અન્ય ક્ષત્રિય આગેવાનો વિફર્યા હતા. માફી તથા સમાધાનની વાત ફગાવી હતી. ગોંડલનું સંમેલન સમાજનું નહતું અને રાજકીય રોટલા શેકવા ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનો જ જોડાયા હતાં.
થોડા દિવસો પૂર્વે ભાજપમાં જોડાયેલા અને કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદમીનીબા વાળાએ તીખા તમતમતા નિવેદનમાં એમ જણાવ્યું હતું કે સમગ્ર વિવાદ ક્ષત્રિય સમાજની બહેનો-દિકરીઓનો છે. ગોંડલના સંમેલનમાં માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો જ હતા. અમદાવાદના સંમેલનમાં સામેલ થયેલા 90 જેટલા સંગઠનોમાંથી કોઇને બોલાવાયા ન હતા. એટલે ગોંડલથી સમાધાનની જાહેરાત સ્વીકાર્ય નથી અને તેનાથી આ વિવાદનો અંત પણ આવતો નથી.
જયરાજસિંહ પર પણ ટકોર કરતા તેઓએ કહ્યું કે ‘તમે ક્ષત્રિયના દિકરા છો અને અમે પણ ક્ષત્રિયની દિકરીઓ છીએ વિવાદનો અહીં અંત આવતો નથી તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો’. તેમણે કહ્યું કે ક્ષમા ક્ષત્રિયોનો ધર્મ સાચો અને ભલે 500 કિસ્સાઓમાં માફી આપવામાં આવી હોય પરંતુ રૂપાલાના વિધાનો માફીને યોગ્ય નથી. સજા થવી જ જોઇએ અને સજા એ એક માત્ર તેમની ઉમેદવારી રદ્દ કરવાની છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ થાય તો જ સમાધાન શકય બનશે.
ગોંડલ સંમેલનમાં હાજર ક્ષત્રિય આગેવાનો પર નિશાન ટાંકતા તેઓએ કહ્યું કે રૂપાલા જેવું બોલ્યા તેવું કયારેય બન્યું છે ખરૂ ? તેઓએ સમાજની આબરૂ લીધી છે. તેમ છતાં સંમેલનમાં હાજર નેતોઓને સમાજને બદલે રૂપાલા કેમ વહાલા લાગે છે તે સવાલ છે. રાજકારણ જુદુ હોય અને સમાજ જુદા હોય ત્યારે સ્ટેજ પર બેઠેલા તમામને પુછુ છુ કે રૂપાલા વધુ મહત્વના છે.
પરસોતમ રૂપાલા પર પણ તેઓએ સીધુ નિશાન ટાંકયુ હતું અને એમ કહ્યું કે તમારી (ભાજપ) સત્તા છે એટલે તમે મારા ઘરે પોલીસ મોકલો છો તેના આધારે શું સાબિત કરવા માંગો છો ? તમને ટીકીટની બીક હશે પરંતુ અમારે ડરવાનું કોઇ કારણ નથી. ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરવામાં આવી તે પણ શરમજનક જ છે. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે પરસોતમ રૂપાલાની રાજકોટની ઉમેદવારી રદ્દ થાય તે જ તેમના માટે સજા ગણાશે અને તેવા જ સંજોગોમાં સમાધાન શકય બનશે.



