મોદી સરકાર દ્વારા વિપક્ષો સામે કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ: દેશમાં લોકશાહી તરફી અને વાસ્તવિકતા વચ્ચેનો ગેપ વધી રહ્યો છે
કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવા સહિતના મુદાઓનો ઉલ્લેખ: રાજકીય સ્વતંત્રતા જાળવી રાખવી એ ભારતના વિકાસ અને સમૃદ્ધિ માટે આવશ્યક
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામેના આકરા પગલામાં વિપક્ષો મુખ્ય નિશાન બની રહ્યા છે અને ખાસ કરીને હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જે રીતે શરાબકાંડમાં જેલમાં મોકલવામાં આવ્યા તેની સામે અમેરિકા, જર્મની અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ ચિંતા દર્શાવાઈ હતી તે સમયે વિશ્વના ટોચના અખબાર ફાઈનાન્સીયલ ટાઈમ્સે તેના તંત્રીલેખમાં ભારતને લોકશાહીના જનક તરીકે ઓળખાવાની સાથે જણાવ્યું હતું કે આ દેશમાં લોકતંત્ર યોગ્ય સ્થિતિમાં નથી. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષી નેતાઓ સામે જે પગલા લેવાઈ રહ્યા છે તેનો ઉલ્લેખ આ તંત્રીલેખમાં કરવામાં આવ્યો છે અને તેની અસર અંગે પણ ચિંતા દર્શાવાઈ છે.
ફાઈનાન્સીયલ ટાઈમ્સે તેના તંત્રીલેખમાં ‘ધ મધર ઓફ ડેમોક્રેસી ઈઝ નોટ ઈન એ ગુડ સેઈપ’માં લખ્યું છે ભારતમાં લોકશાહી તરફી અને જે વાસ્તવિકતા છે તે વચ્ચેનો ભેદ વધી રહ્યો છે. આ બ્રિટીશ અખબારે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પક્ષના શાસનમાં વિચારોની મુક્ત અભિવ્યક્તિ અને વિપક્ષો દબાણ હેઠળ છે. ખાસ કરીને 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ સ્થિતિ વધી છે.
એન્ફોર્સમેન્ટ ડાયરેકટર દ્વારા કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અને કેજરીવાલની ધરપકડ સહિતના મુદાઓ આ તંત્રીલેખમાં ઉઠાવાયા છે. જેમાં જણાવાયું છે કે કાનૂની અથવા ટેકસ ઓથોરિટી દ્વારા સતત સતામણી એ સરકારના ટીકાકારો માટે કાયમનું થઈ ગયું છે.
આ ઉપરાંત સ્વતંત્ર મીડીયા બૌદ્ધિકો અને સામાજીક થીંક ટેન્ક પર પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને ભાજપના તાકાતવાન હિન્દુ રાષ્ટ્રવાદથી દેશની ધર્મનિરપેક્ષ લોકશાહીને ઘસારો લાગ્યો છે. ખાસ કરીને વિપક્ષો સામે તપાસ એજન્સીનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું જણાવાયુ છે અને તેથી જ વિપક્ષો ભાજપને વોશિંગ મશીન તરીકે ઓળખાવે છે.
આ અખબારે તા.31 માર્ચના વિપક્ષોના લોકતંત્ર બચાવો, રામલીલા રેલીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું છે કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી વધુ ધબકતુ અર્થતંત્ર બન્યુ છે ત્યારે તેણે પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને લોકતંત્રને મજબૂત કરવું જોઈએ. જેમાં તેણે અમેરિકાના ડિપ્લોમેટ દ્વારા પણ કરાયેલ ટિપ્પણી સામેલ કરી હતી.



