WHO અનુસાર 2003થી H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે, અત્યાર સુધીમાં 887 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 462 લોકોના મોત
ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ,
ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતોએ બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, આ નવો રોગ કોરોના મહામારી કરતા 100 ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ફ્લૂના કારણે અડધાથી વધુ લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે. તેમણે ભય વ્યક્ત કર્યો છે કે, વાયરસના ચેપનું સ્તર ગંભીર બની શકે છે જે વૈશ્વિક રોગચાળા તરફ દોરી શકે છે. પિટ્સબર્ગમાં બર્ડ ફ્લૂના અગ્રણી સંશોધક ડૉ.સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે, H5N1રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. આ એટલા માટે છે કારણ કે તે મનુષ્યો તેમજ ઘણા સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટ અને કેનેડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોનિયાગ્રાના સ્થાપક જ્હોન ફુલ્ટન પણ આ ચિંતાઓનો પડઘો પાડે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, જો H5N1 મહામારીનું રૂપ ધારણ કરે છે તો તે ખૂબ જ ગંભીર હશે. તે કોવિડ-19 કરતાં વધુ ઘાતક હોઈ શકે છે. ફુલ્ટને કહ્યું કે, તે COVID કરતા 100 ગણું ખરાબ લાગે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર 2003થી H5N1 બર્ડ ફ્લૂથી સંક્રમિત દર 100 દર્દીઓમાંથી 52 મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 887 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 462 લોકોના મોત થયા છે. કોવિડ-19 થી સંક્રમિત દર્દીઓનો મૃત્યુ દર 0.1 ટકા કરતા ઓછો છે. જો કે, રોગચાળાની શરૂઆતમાં તે લગભગ 20 ટકા હતો.
એક અહેવાલ મુજબ H5N1 એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર છે. આ બર્ડ ફ્લૂ વાયરસનું જૂથ છે. તે અત્યંત રોગકારક માનવામાં આવે છે કારણ કે તે મરઘાંમાં ગંભીર અને ઘણીવાર જીવલેણ રોગનું કારણ બને છે. તે મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે. H5N1 મનુષ્યો સહિત જંગલી પક્ષીઓ અને ક્યારેક સસ્તન પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. આ રોગ મનુષ્યો અને પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. H5N1 વાયરસ પ્રથમ વખત 1996માં ચીનમાં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ પછી હોંગકોંગમાં ફાટી નીકળ્યો.



