ઈકોનોમી

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દૌર જારી સેન્સેકસ 400 પોઇન્ટ ઉંચકાયો : બેંક, ઓટોમોબાઇલ, એનર્જી સહિતના ક્ષેત્રોના શેરોમાં ઉછાળો

માર્ચ-2014માં માર્કેટ કેપ પ્રથમ વખત 100 લાખ કરોડ થયું હતું, એક દાયકામાં ચાર ગણુ વધી ગયું

રેકોર્ડબ્રેક તેજીમાં રહેલું ભારતીય શેરબજાર નવા નવા ઇતિહાસ સર્જી જ રહ્યું છે. આજે સેન્સેકસ તથા નિફટી વધુ એક વખત ઓલટાઇમ હાઇ થયા હતા. આ સિવાય માર્કેટ કેપમાં પણ નવો રેકોર્ડ સર્જાયો હતો અને તે 400 લાખ કરોડને પાર થઇ ગયું હતું.

ભારતીય શેરબજારમાં આજે નવા સપ્તાહના પ્રારંભે તેજીનો દૌર જારી રહ્યો હતો. વિશ્વ બજારના પોઝીટીવ ટ્રેન્ડ તથા ભારતીય અર્થતંત્ર વિશે પ્રોત્સાહક રીપોર્ટને પગલે શરૂઆત જ ગેપઅપ રહી હતી. હેવીવેઇટથી માંડી રોકડાના શેરોમાં ધુમ લેવાલીથી મોટા ભાગના શેરો સતત તેજીના માર્ગે આગળ દોડતા રહ્યા હતા. નાણાં સંસ્થાઓની એકધારી  ધુમ લેવાલીની પણ અસર રહી હતી.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટમાં પ્રિ-ઇલેકશન રેલી હોવાની છાપ રહી છે. આગામી લોકસભા ચૂંટણીમાં ફરી વખત મોદી સરકાર જ સત્તારૂઢ થવાના સર્વે રીપોર્ટના આધારે માનસ તેજીનું છે. નવી સરકાર આર્થિક સહિતના મોરચે ક્રાંતિકારી પગલા લેશે અને અર્થતંત્રને નવી ઉંચાઇએ લઇ જશે તેવી આશાવાદથી માર્કેટ જોરદાર તેજીમાં રહ્યું છે.

શેરબજારમાં આજે મોટા ભાગના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. મહિન્દ્ર, આઇસર મોટર, મારૂતિ, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, પાવરગ્રીડ, સનફાર્મા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એકસીસ બેંક, બજાજ ફિન્સ સર્વિસ સહિતના શેરો ઉંચકાયા હતા.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 397 પોઇન્ટના ઉછાળાથી 74645 સાંપડયો હતો. જે ઉંચામાં 74673 તથા નીચામાં 74410 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 113 પોઇન્ટના ઉછાળાથી 22627 હતો જે ઉંચામાં 22630 તથા નીચામાં 22350 હતો.

દરમ્યાન શેરબજારે આજે વધુ એક સિધ્ધિ હાંસલ કરી હોય તેમ માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર થઇ ગયું હતું.  આજે કામકાજના પ્રારંભિક તબકકામાં જ બીએસઇનું માર્કેટ કેપ 401.24 લાખ કરોડ પર પહોંચી ગયું હતું. પ્રથમ વખત માર્કેટ કેપે આ ઉંચાઇ હાંસલ કરી છે. ભારતીય શેરબજારમાં સૌપ્રથમ માર્ચ-2014માં 100 લાખ કરોડનું માર્કેટ કેપ થયું હતું હવે એપ્રિલ-2024માં તે 400 લાખ કરોડને વટાવી ગયું છે તે જોતા 10 વર્ષમાં ચારગણુ થયું છે.

છેલ્લા એક વર્ષમાં માર્કેટ કેપમાં 57 ટકાનો અભુતપૂર્વક વધારો નોંધાયો છે. એક વર્ષમાં સેન્સેકસમાં 28.6 ટકાનો વધારો થયો છે જયારે મીડકેપ ઇન્ડેક્ષ 60 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્ષ 63 ટકા વધી ગયા છે. રીયલ એસ્ટેટ, ટીએસયુ બેંક, ઓટો મોબાઇલ, એનર્જી, ઇન્ફ્રા તથા ફાર્મા ક્ષેત્રમાં આ દરમ્યાન સારી એવી તેજી થઇ છે. જાણકારોના કહેવા પ્રમાણે રાજકીય સ્થિરતા અને અર્થતંત્રની જબરદસ્ત છલાંગને કારણે શેરબજાર સતત તેજીમાં આગળ ધપી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button