દિલ્હીમાં આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રીની હાજરી વગરની સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવા સંકેત છે.
ચૂંટાયેલી સરકારને બરતરફ કરવાનું ગેરબંધારણીય પગલું લેવા કેન્દ્ર સરકાર ભૂમિકા બનાવી રહી છે: લાંબા સમયથી અધિકારીઓનું પોસ્ટીંગ અટકાવાયું: એલજી વારંવાર કેન્દ્રને પત્ર લખે છે
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને તેમનો જેલવાસ લાંબો સમય ચાલે તેવા સંકેતો વચ્ચે હવે રાજ્યમાં મુખ્યમંત્રીની હાજરી વગરની સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવા સંકેત છે. અને આમ આદમી પાર્ટીના પ્રવકતા તથા કેબીનેટ મંત્રી આતિશીએ પણ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દિલ્હીમાં સરકાર ન ચાલી શકે તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીમાં આતંરીક રીતે પણ હવે વિખવાદ સર્જાયો છે અને તે વચ્ચે આતિશીએ ત્રણ સંકેત આપતા કહ્યું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના લક્ષ્ણો હું જોઇ રહી છું અને કેન્દ્ર સરકારએ દર્શાવવા પ્રયત્ન કરે છે કે દિલ્હીમાં બંધારણીય કટોકટી સર્જાઇ છે અને રાષ્ટ્રપતિ શાસન સિવાય કોઇ વિકલ્પ નથી.
તેમણે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર સામે મોટો રાજકીય ષડયંત્ર રચાયું છે. દિલ્હીમાં અધિકારીઓનું પોસ્ટીંગ થતું નથી અનેક વિભાગોમાં પદ ખાલી છે પરંતુ તેમાં અધિકારીઓની નિુયક્તિ થતી નથી અને લેફ. ગર્વનર વારંવાર કેન્દ્રીય ગૃહમંત્રાલયને પત્ર લખીને એવું કહેવા માંગે છે કે મંત્રીઓ મીટીંગમાં આવતા નથી જ્યારે દિલ્હીમાં અધિકારીઓએ પણ આચાર સંહિતાના નામે મીટીંગમાં આવવાનું બંધ કર્યું છે. અને 20 વર્ષ જુના કેસને આગળ ધરીને મુખ્યમંત્રીના અંગત સચિવને બરતરફ કરાયા છે.
તેમણે કહ્યું કે ભાજપ દિલ્હીમાં ચૂંટણી જીતી શકે તેમ નથી તેથી કેજરીવાલ સરકારનું પતન લાવવાનું ષડયંત્ર રચ્યું છે. પરંતુ જો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે તો તે ગેરબંધારણીય અને ગેર કાનુની છે. બંધારણ મુજબ કોઇપણ સરકાર બહુમતીમાં હોય તેને બરતરફ કરાવી શકાતી નથી. 2016માં જ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધો હતો અને દિલ્હીમાં પણ તે જ થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ તેમની ધરપકડને ગેરકાનુની ગણાવીને સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે અને આગામી સપ્તાહએ તેના પર સર્વોચ્ચ અદાલત વિચારશે પણ કેજરીવાલનો જો ઇડીની ધરપકડમાં છુટકારો થાય તો સીબીઆઇ તેમને કસ્ટડીમાં લેવા ટાંપીને બેઠી છે અને કેજરીવાલ સામે ધરપકડ કરવા તેમની પાસે પુરતા પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે. દિલ્હીના શરાબ કાંડમાં જ ઝડપાયેલા બીઆરએસ નેતા કે. કવિતાની રીમાન્ડની માંગણી સમયે સીબીઆઇએ કહ્યું કે અમારી પાસે વોટ્સએપ ચેટના એવા પુરાવા છે કે જેમાં કવિતા અને કેજરીવાલ બંને સામે કામ ચલાવી શકાય છે. કવિતાની પાંચ દિવસની રીમાન્ડ સીબીઆઇએ માંગી છે અને તે સમયે જણાવ્યું કે સાઉથ ગ્રુપના એક શરાબના કારોબારી અરવિંદ કેજરીવાલની મુલાકાત લેતા હતા અને તેણે શરાબના વેપાર માટે કેજરીવાલની મદદ માંગી હતી અને કેજરીવાલે તેમાં ખાતરી પણ આપી હતી અને તેમાં તેના પુરાવા અમારી પાસે છે



