વિવાદના વાવાઝોડા શમી ગયા ભાજપને વિશ્વાસ કોંગ્રેસને હજુ લાભની આશા ,
ક્ષત્રિય સમાજના તા.19ના પ્લાન-બી પર નજર અગાઉ જેટલું જ ‘જોર’ બતાવી શકશે! વધશે કે વિરોધ ઢીલો પડી જશે? મિકસ સંકેત: ભાજપ ભાગલાની ફિરાકમાં

લોકસભા ચૂંટણીમાં અચાનક જ એક આવેલા કરન્ટમાં એક તબકકે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો સામે સ્થાનિક સ્તરે વિરોધ અને વિવાદ બાદ વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોને ભાજપે બદલીને નવા ચહેરાને ચુંટણી લડાવીને રોષ શાંત પાડવા કોશીશ કરી હતી ત્યાંજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ અચાનક જ એક વિવાદનું વાવાઝોડું સર્જી દીધું.
તેઓએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનો ભારતને બુમરેંગ થશે તેવા સંકેત મળતા જ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા રૂપાલા પાસે એક નહી બે-બે વખત માફી મંગાવી છતાં પણ તેમની ઉમેદવારી રદ કરવાની અને તેમના સ્થાને નવા ચહેરાને મુકવા ક્ષત્રિય સમાજની માંગણી નહી સ્વીકારી ભાજપે તેના વિરુદ્ધ આ સમુદાય જાય તો પણ સર્જનારી રાજકીય ચેલેન્જ ઉપાડી લીધી છે તો બીજી તરફ હવે ક્ષત્રિય સમુદાયે ‘રૂપાલા-હટાવ’ માંગણી નહી સ્વીકારાતા ફકત રાજકોટ જ નહી.
રાજયભરમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ કરવાનો જે નિર્ણય કર્યો પણ હજુ સમાજનો પ્લાન ‘બી’ જાહેર નહી કરીને તા.19ની મુદત પાડી છે તે બાદ હવે આ વિવાદનું વાવાઝોડું પણ શમી ગયુ હોવાના સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા.19 બાદ ક્ષત્રિય સમાજનો વિરોધ કેટલો ઉગ્ર બની શકે છે તે પણ પ્રશ્ન છે અને એક તબકકે આ વિવાદી કોંગ્રેસ પક્ષને ચુંટણી લડવાનું ‘બળ’ મળ્યું છે ત્યાં જે સંકેત હતા તેમાં પણ કોંગ્રેસ કેટલો ફાયદો ઉઠાવી શકશે તેના પર ચર્ચા છે.
રાજકોટ લડાઈ થોડી જીવંત બની શકે
રાજકોટ લોકસભા બેઠક પર ‘રૂપાલા હટાવ’ નારાને ભાજપે ફગાવ્યો પછી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી હવે આ લડાઈને ‘સ્વાભિમાન-યુદ્ધ’માં પલટાવવા પ્રયાસ કર્યા છે અને તેઓ ક્ષત્રિય સમાજ ઉપરાંત લેઉવા પાટીદાર સમાજ જેમાં પણ જેઓ ‘રૂપાલા’ ફેકટરથી નારાજ છે. તેઓને સાથ મળી રહેશે તેવી આશા સાથે પ્રચાર કરશે. જો કે સમગ્ર ગુજરાતની જેમ જ રાજકોટ કોંગ્રેસનું સંગઠન નબળુ છે અને તે પણ વિભાજીત છે તેથી ધાનાણીને કેટલો બેકઅપ મળશે તે પણ પ્રશ્ન છે.
ચુંટણી પ્રચારના સંગઠનની નાણા અને આયોજનના મોરચે તો તેમાં ભાજપ કે પરસોતમ રૂપાલાને પહોંચી જ શકે નહી તે નિશ્ચિત છે. રૂપાલાએ અગાઉ જ વિવિધ સમાજ- વ્યાપારી સંગઠનો અને સમાજની સાથે ‘સ્નેહ-મિલન’ કરીને બાજી સુધારવાનો પ્રયાસ કર્યો છે પણ હજું આંતરિક રીતે રહેલો ક્ષત્રિય આક્રોશ કેટલો સપાટી પર આવે છે અને તે કેટલી અસર કરે છે તેના પર નજર છે. ક્ષત્રિય આંદોલનના પ્લાન-બી પર ભાજપની પણ નજર છે અને પક્ષ દ્વારા હવે આ આંદોલનમાં ભાગલા પડાવવાની કોશિશ થાય તેવી પણ શકયતા છે. ખાસ કરીને જો ક્ષત્રિય સમાજ એક રહી શકશે તો ચોકકસપણે ભાજપને ચિંતા થઈ શકે છે.