ભાજપ તથા કોંગ્રેસ+આપ વચ્ચેના મતનું અંતર માત્ર 73000 કુછ ભી હો શકતા હૈ રાજકોટની બેઠકમાં વિધાનસભાના ધોરણે મત પડે તો શું થાય? રૂપાલા વિવાદથી રસપ્રદ રાજકીય સમીકરણો
ક્ષત્રિય સમાજ સંપૂર્ણ ભાજપની વિરૂધ્ધમાં જાય અને કડવા-લેઉવાનો થોડોઘણો ‘વાદ’ સર્જાય તો મોટો પ્રત્યાઘાત પડી શકે

ચૂંટણી પૂર્વે જ ક્ષત્રિય સમાજ સાથેના વિવાદમાં સપડાયેલા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા જ ચૂંટણી જંગમાં હોવાનું નિશ્ર્ચિત થઇ ગયું છે ત્યારે હવે રાજકોટની બેઠકના રાજકીય સમીકરણો, સ્થિતિ અને સંભવિત પરિણામો વિશે ચર્ચા-અટકળો જોર પકડવા લાગી છે. સામાન્ય ગણિત પણ મુકાવા લાગ્યા છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.
વિધાનસભાની ચૂંટણીના મતના આંકડા મુજબ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના (આપ)ના મત ઉમેરીને ભાજપના મતની સરખામણી કરવામાં આવે તો રાજકોટની સંસદીય બેઠક પર ભાજપની લીડનો આંકડો માત્ર 73000 આસપાસનો રહી શકે છે. ક્ષત્રિય તથા લેઉવા-પાટીદાર ફેક્ટરની કોઇ અસર પડે તો કેવા સમીકરણો ઉભા થાય? તેવી અટકળો જોર પકડવા લાગી છે.
ક્ષત્રિય સમાજ સામેના વિવાદાસ્પદ વિધાનોે મામલે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે મોરચો ખોલવામાં આવ્યો હતો. ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા ઉમેદવાર બદલાવવામાં આવ્યા નથી ત્યારે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-ટુનું એલન કરી દીધું છે. રાજ્યભરમાં ભાજપ વિરોધી મતદાન તથા આંદોલનની ઘોષણા કરવામાં આવી છે. ક્ષત્રિયોના આંદોલનની સંભવિત અસર પર ભાજપની વોચ રહેવાનું સ્પષ્ટ છે. કેવીક અસર રહે છે તે તો પરિણામ પછી જ સ્પષ્ટ થશે પરંતુ અત્યારે વિવિધ અટકળોનો દોર ચાલુ થયો છે.
રાજકીય વિશ્ર્લેષકો માત્ર રૂપાલા વિવાદને જ ફેક્ટર નથી ગણતા પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણી પછીના બદલાયેલા રાજકીય સમીકરણોને પણ લક્ષ્યમાં લેવા માંડ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો. રાજકોટ જીલ્લાની તમામ સાત બેઠક પર ભાજપે જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું હતું એટલે ભાજપ-કોંગ્રેસના હજારો મત કપાયા હતા. આ વખતે કોંગ્રેસ-આપનું જોડાણ છે.
ભાજપ સામે સીધો જંગ છે. એટલે ‘આપ’ના મત ક્યા પક્ષના ફાળે જાય છે તે પરિબળ મહત્વપૂર્ણ બની જાય તેમ છે. એક સામાન્ય માન્યતા એવી હતી કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ‘આપ’ને મળેલા મત મોટાભાગે કોંગ્રેસના જ હતા. ભાજપની વોટબેંક અકબંધ હતી. આ તારણ ગણિત સાચા હોય તો આગામી લોકસભામાં કોંગ્રેસ-આપના મતનો સરવાળો થાય અને ભાજપના મત સરખાવવા પડે. આ સંજોગોમાં ભાજપની લીડ માત્ર 73000 આસપાસની જ થાય છે.
રાજ્ય સંસદીય મત ક્ષેત્રમાં રાજકોટ જીલ્લાની સાત વિધાનસભા બેઠકો આવી જાય છે. રાજકોટ પૂર્વ રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય ઉપરાંત ટંકારા, જસદણ અને વાંકાનેર બેઠકો આવી જાય છે. આ સાત બેઠકોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ 6,74,069 હતા. આમ માત્ર 73000 જેટલા મતોનો તફાવત રહે છે.
રસપ્રદ વાત એ છે કે રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ર્ચિમ તથા રાજકોટ ગ્રામ્યને બાદ કરતા બાકીની ચાર વિધાનસભા બેઠકોના કુલ મતમાં ભાજપને ખાદ્ય રહે છે. ભાજપ કરતાં કોંગ્રેસ-આપના સંયુક્ત મત વધુ હતા.
દરેક ચૂંટણીમાં રાજકીય સમીકરણો, મુદ્ા વગેરે અલગ હોય છે તે હકીકત હોવા છતાં આંકડાઓ મહત્વના બની જ જાય છે. વિધાનસભાના મત સિવાયના સમીકરણો ચકાસવામાં આવે તો ક્ષત્રિય સમાજનું મોટું ફેક્ટર છે. રાજકોટ જીલ્લામાં ક્ષત્રિયોના 70 થી 80 હજાર મત છે. આ સિવાય પાટીદારોમાં કડવા-લેઉવા ‘વાદ’ ચાલતો જ હોય છે. ભલે બન્ને પાટીદાર સમાજ ભાજપની પડખે જ છે અને ભાજપમાં જ રહેવાનું માની શકાય છે છતાં ભાજપના રૂપાલા કડવા પાટીદાર છે.
કોંગ્રેસના પરેશ ધાનાણી લેઉવા-પાટીદાર છે. થોડા અંશે પણ ‘વાદ’ ચાલે તો પણ ચૂંટણીમાં અસર થઇ જ શકે છે. રાજકીય ચર્ચા એવી છે કે ભાજપે પાંચ લાખની લીડથી જીતવાનો ભલે ટારગેટ રાખ્યો હોય પરંતુ વિવિધ સમીકરણો-વર્તમાન સ્થાનિક રાજકીય ચિત્રને લક્ષ્યમાં લેવામાં આવે તો ટારગેટ પડકારજનક છે એટલું જ નહીં, 2019માં ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા 3.68 લાખની સરસાઇથી જીત્યા હતા તે લીડને આંબી શક્ાય છે કે કેમ તે પણ જોવાનું રહે છે.
જાણકારોના કહેવા પ્રમાણે રૂપાલા વિવાદને કારણે માત્ર રાજકોટ જ નહીં, સમગ્ર ગુજરાતની તમામ 26 બેઠકોની ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. રાજકોટની બેઠક તો હોટ સીટ બની જ છે પરંતુ સાથોસાથ ક્ષત્રિયોની મોટી-સારી એવી વસતી ધરાવતી ભાવનગર, સુરેન્દ્રનગર, આણંદ સહિતની અર્ધો ડઝનથી વધુ બેઠકોમાં પણ જંગ રસપ્રદ બની જાય તેમ છે કારણે કે અત્યાર સુધીમાં ક્ષત્રિયોનો વિરોધ માત્ર રૂપાલા સામે હતો તે હવે ‘ભાજપ સામે વિરોધ’ જાહેર કરવામાં આવ્યો છે.
તમામ 26 બેઠકોમાં ભાજપને હરાવવાના પ્રયાસો કરવાની ઘોષણા કરવામાં આવી છે. ભાજપ માટેનો સૌથી મોટો પલ્સ પોઇન્ટ ‘મોદી ચહેરો’ છે. ઉપરાંત સંસદીય મત ક્ષેત્રમાં આવતી તમામ સાત વિધાનસભા બેઠકો ભાજપના કબ્જામાં છે એટલે તેનો લાભ મળી શકે છતાં અન્ય કેટલીક બાબતો પડકારરૂપ પણ છે. ચૂંટણી મતદાનને હજુ 17 દિવસ બાકી છે. પ્રચાર તથા અન્ય પરિબળો નિર્ણાયક બનશે.
રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. નરેન્દ્ર મોદી, વજુભાઈ વાળા, વિજય રૂપાણી સહિતના મોટા નેતાઓની રાજકીય યાત્રા રાજકોટથી જ શરૂ થઈ હતી. લોકસભા બેઠકને લાગેવળગે છે ત્યાં સુધી માત્ર 2009માં ભાજપે આ બેઠક ગુમાવી હતી. ભાજપના કિરણ પટેલ હાર્યા હતા અને તેમની સામે કોંગ્રેસના કુંવરજી બાવળીયા વિજેતા બન્યા હતા. હવે જો કે, કુંવરજી બાવળીયા ભાજપમાં છે. કોળી સમાજમાં વર્ચસ્વ હોવાથી ભાજપને લાભ મળવાનુ સ્પષ્ટ છે.
રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં સાત વિધાનસભા બેઠકો આવે છે. 2022ની ધારાસભા ચૂંટણીમાં આ સાત બેઠકોમાં આમ આદમી પાર્ટીને 2.74 લાખ મત મળ્યા હતા. વાંકાનેરમાં વિક્રમ સોરાણીને 53485, ટંકારામાં સંજય ભરાસણાને 17814, રાજકોટ પુર્વમાં રાહુલ ભુવાને 35446, રાજકોટ પશ્ર્ચીમમાં દિનેશ જોશીને 26319, રાજકોટ દક્ષિણમાં શિવલાલ બારસીયાને 22870, રાજકોટ ગ્રામ્યમાં વશરામ સાગઠીયાને 71201 તથા જસદણમાં તેજસ ગાજીપરાને 47636 મત મળ્યા હતા.
રાજકોટની લોકસભા બેઠક પર 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ 3,68,407 મતોની લીડથી જીત મેળવી હતી. તેઓને કુલ 7.55 લાખ મળ્યા હતા. કોંગ્રેસમાંથી ઉભેલા લલિત કગથરાને 3.88 લાખ મત મળ્યા હતા.