ગુજરાતની પ્રથમ લોકસભા બેઠક ભાજપના ખાતામાં જાય તેવા સંકેત સુરત બિનહરીફ જીતશે ભાજપ! મોદીને ‘ભેટ’ આપવા તૈયારી
કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી તથા તેના ડમી બન્નેના ફોર્મ રદ થતા હવે ભાજપ સામે બસપા સહિત આઠ ઉમેદવારોને પણ ‘મેનેજ’ કરી લેવા શનિવારે જ ઓપરેશન શરૂ થયું હતું: બપોર સુધીમાં તમામ હરીફ ફોર્મ પાછા ખેંચાય તેવા સંકેત

ગુજરાતમાં ભાજપના આંતરિક અસંતોષ અને ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ વિધ્નો કર્યા તેનાથી અને ‘કોંગ્રેસ-આપ’ના જોડાણ તથા અનેક બેઠકો પર સ્પર્ધાત્મક સ્થિતિ બની શકે તેવા સંકેતથી ભીસમાં આવી ગયેલા ભાજપે ઉમેદવારીના તબકકે જ કોંગ્રેસ પર વળતા ઘા માં ઓછામાં ઓછી 18 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ તથા સોગંદનામા સહિતના મુદ્દે ઉઠાવેલા વાંધામાં સુરતએ ભાજપનો માસ્ટર સ્ટોક બની ગયો છે.
હવે લોકસભા ચૂંટણીમાં ‘અબ કી બાર 400 કે પાર’ ના નારા સાથે આગળ વધીને હવે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ નહી રહેતા ભાજપે આ બેઠક બિનહરીફ કરીને વિજેતા બનવા અને દેશમાં પ્રથમ બેઠક ગુજરાતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભેટ’ ધરવા તૈયારી કરી છે. શનિવારથી શરૂ થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણી અને તેના ડમી સુરેશ પડવાળાની ઉમેદવારીને અમાન્ય ઠરાવીને જીલ્લા કલેકટર સૌરભ પારઘી એ જે જાહેરનામુ બહાર પાડયું તેથી હવે કોંગ્રેસ આ બેઠક પરની લડાઈમાંથી ‘આઉટ’ થઈ ગઈ છે તે નિશ્ચિત છે.
કાનુની જંગ છેડે તો પણ જયારે ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય પછી સુપ્રીમ કોર્ટના ‘પાવર’ પણ મર્યાદીત બની જાય છે અને તેથી કોંગ્રેસ પક્ષને હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટમાં પણ ભાગ્યે જ કોઈ રાહત મળી શકે છે તે વચ્ચે હવે આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે બસપાના એક સહિત આઠ ઉમેદવારો જેમના ફોર્મ માન્ય રહ્યા છે તેઓ સ્પર્ધામાં છે પણ ગઈકાલે જીલ્લા કલેકટરના આખરી આદેશ પુર્વે જ ભાજપે ‘ઓપરેશન-સુરત’ શરૂ કરી દીધુ હતું અને તેથી જ ફકત નિલેષ કુંભાણી જ નહી તેના ડમી જેને કોંગ્રેસનું સતાવાર ચુંટણી પ્રતિક મળી શકે તેની ઉમેદવારી પણ રદ થાય તે નિશ્ચિત કર્યુ હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં છે.
જો કે કોંગ્રેસના અનેક નેતાઓ એ પણ સ્વીકારે છે કે ખુદ કુંભાણીએજ ભાજપને આડકતરી સહાય કરી છે પણ તે મુદો હજું સ્પષ્ટ નથી તે વચ્ચે ભાજપે હવે આજે તમામ આઠ ઉમેદવાર તેમના ફોર્મ પાછા ખેંચી લે તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે અને આજે બપોરે 3 વાગ્યે ફોર્મ પરત ખેચવાની જે અંતિમ તારીખ છે તે સમયે એક માત્ર ભાજપના જ ઉમેદવાર મુકેશ દલાલ જ સ્પર્ધામાં રહે તે નિશ્ર્ચિત કરે એટલે આપોઆપ તેવો બિનહરીફ વિજેતા જાહેર થતા દેશભરમાં પ્રથમ બેઠક ભાજપના ખાતામાં અને તે પણ એક પણ મત પડયા વગર જ જાય તે નિશ્ચિત કરવાના પ્રયાસો કર્યા છે.
જે રીતે સમગ્ર કુંભાણી ઓપરેશન પાર પાડવામાં આવ્યું પછી અપક્ષો અને બસપાના ઉમેદવારને ખસેડવાનું સરળ બની જશે તેવા સંકેત છે જે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેઓ બાજુની જ નવસારી બેઠક લડી રહ્યા છે તેઓની વધુ એક રાજકીય સિદ્ધિ હશે તેવા સંકેત છે.