વિશ્વ

દુબઇમાં ભારે વરસાદ બાદ સ્થિતિ નોર્મલ, ફ્લાઈટના રૂટિન શિડયૂલ શરૂ ,

ત્રણેક દિવસ સુધી તમામ ફ્લાઇટ બંધ રહેતા હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

દુબઈમાં વરસાદને કારણે ભયાનક પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર શહેર અને એરપોર્ટ પર પાણી ફરી વળતાં લગભગ ત્રણ દિવસ સુધી દુબઈ જતી અને દુબઈથી આવતી તમામ ફલાઈટ રદ કરવી પડી હતી. શનિવારથી દુબઈ એરપોર્ટ પરથી પાણી ઓસરી જતાં અને સફાઈકામ પૂર્ણ થઈ જતાં ફરીથી દુબઈ એરપોર્ટ ધમધમતું થઈ ગયું છે. લગભગ તમામ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. વરસાદને કારણે દુબઇમાં અટવાયેલા તમામ મુસાફરો પોતપોતાના વતન પરત ફરી શક્યા હતા. ભારતથી પણ સંખ્યાબંધ મુસાફરો દુબઈ જઈ શક્યા છે.

દુબઈ સહિતના અખાતી દેશોમાં આખા વર્ષમાં જેટલો વરસાદ પડતો હોય છે તેના કરતાં વધારે વરસાદ દોઢ કલાકમાં જ ખાબકી ગયો. જેને પગલે દુબઈ સહિત અખાતી દેશો પાણી પાણી થઈ ગયા હતા. જ્યાં દુનિયાભરના પ્રવાસીઓ ફરવા અને વેપારીઓ બિઝનેસ માટે જતા હોય છે તે દુબઈ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું અને એરપોર્ટ પર પાણી ફરી વળતાં તમામ ફ્લાઈટ ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી.

નવી કોઈ ફ્લાઈટ ઉતરી ન શકતાં પરત ફરી હતી. વાયા દુબઈ જતી ફલાઇટ સીધી ફાઈનલ ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવી હતી. લગભગ ત્રણ દિવસ સુધી દુબઈ એક પણ ફ્લાઇટ જઈ શકી નહોતી કે ત્યાંથી એક પણ ફ્લાઈટ ટેક ઓફ કરી શકી નહોતી. દુબઈ એરપોર્ટ પર ફસાયેલા લોકો ઘરે-હોટલે પણ જઈ શકતા નહોતા કે પોતાના વતન પણ જઈ શકતા નહોતા.

ત્યારે શુક્રવારથી સ્થાનિક એરલાઈન્સની ફ્લાઈટના ટ્રાયલ શરૂ કરવાના પ્રયાસ કરાયા હતા. જોકે શનિવારે એરપોર્ટનું સફાઈ કામ થઈ જતાં લગભગ તમામ ફ્લાઈટના આવાગમન શરૂ કરી દેવામાં આવ્યા હતા. દુબઈ એરપોર્ટ ફરીથી કાર્યરત થતાં દુનિયભરથી દુબઇ જતી આવતી ફ્લાઈટ ફરીથી નિયત સમયે ઓપરેટ થવા લાગી હતી.

ફલાઈટ શરૂ થતાં દુબઈમાં ફસાયેલા મુસાફરો પોતાના વતન પહોંચી શક્યા હતા. બહારથી દુબઈ જવાવાળા મુસાફરો દુબઈ પહોંચી શક્યા હતા. દુબઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે તમામ ફ્લાઈટ નિયત સમયે ઓપરેટ થઈ રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button