2009માં ભાજપના કડવા પાટીદારની ‘હાર’ માટે લેઉવા ફેકટર પણ કામ કરી ગયું હતું હવે રાજકોટ બેઠકનું ‘ટ્રમ્પ કાર્ડ’ નરેશ પટેલના હાથમાં
જામનગરમાં લેઉવા પટેલને ટિકીટ આપવા બદલ કોંગ્રેસનો આભાર માનનાર નરેશ પટેલનું રાજકોટ બેઠક પર પણ એ જ વલણ હશે!
ગુજરાતભરમાં સૌનું ધ્યાન ખેચનારી બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા એક તરફ કડવા પાટીદાર પરસોતમ રૂપાલા અને બીજી તરફ લેઉવા પાટીદાર પરેશ ધાનાણી વચ્ચેની ટકકર નિશ્ચિત બની છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજના વિવાદમાં હવે આ વિશાળ સમુદાયના મતો ભાજપ વિરુદ્ધ અને ક્ષત્રિય સમાજે કોંગ્રેસનું નામ લીધા વગર જ ભાજપ બાદના સૌથી નજીકના ઉમેદવાર જેની જીતની શકયતા વધુ હોય તેને ‘મત’ આપવાનો સંકેત આપ્યો છે. મતલબ કે આ સમુદાય મોટાભાગની બેઠક પર કોંગ્રેસના અને બે બેઠકો જયાં આમ આદમી પાર્ટી ચુંટણી લડી રહ્યા છે ત્યાં ‘આપ’ના ઉમેદવારને મત આપશે.
આ સમયે હવે રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું વલણ મહત્વનું બની જશે. હાલમાં તેઓએ જામનગરની મુલાકાત સમયે જે રીતે કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયા જેઓ લેઉવા પટેલ સમાજના છે તેમને ટિકીટ આપી તે બદલ કોંગ્રેસનો ‘આભાર’ માન્યો હતો અને તેનાથી જામનગર ક્ષેત્રમાં લેઉવા પટેલ હવે કોંગ્રેસને ‘મત’ આપશે તેવું માનવામાં આવે છે પણ રાજકોટમાં જયાં બે પાટીદાર કડવા-લેઉવાનો જંગ છે ત્યાં નરેશ પટેલનું વલણ અપનાવશે તેના પર નજર છે.
અગાઉ 2009માં જયારે ભાજપે કડવા પાટીદાર કિરણ ભાલોડીયા (પટેલ)ને ટિકીટ આપી તે સમયે આ લેઉવા પટેલ સમુદાયનું વજન કોંગ્રેસના કોળી સમુદાયના કુવરજીભાઈ બાવળીયાની તરફેણમાં મુકયું હતું અને કુંવરજીભાઈ વિજેતા પણ બન્યા હતા હવે તેઓ લેઉવા પાટીદાર ઉમેદવારની સાથે જવાનું પસંદ કરશે તે રસપ્રદ રીતે પુછાઈ રહ્યો છે અને ભાજપનું ધ્યાન પણ તેના પર જ છે.
પહેલા રૂપાલા પણ હવે પક્ષને ચિંતા કરવી પડે છે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિધાનોનો વિવાદ સર્જાયો હતો તેમાં ભાજપે અંતર જાળવવાની કોશિશ કરી રૂપાલા આ વિવાદ ઉકેલી લેશે તેવું વલણ અપનાવ્યું હતું પણ લોકલ લેવલે તે હેન્ડલ થઈ શકયો નહી અને હવે રૂપાલા ઉપરાંત પુરા ગુજરાત ભાજપ સામે ક્ષત્રિય સમાજે મોરચો માંડયો છે અને ભાજપ તેમાં બહું કંઈ કરી શકે તેમ પણ નથી પણ હવે ભાજપમાં પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે પહેલાથી જ આ સ્થિતિને કેમ ગંભીરતાથી લેવાઈ નહી! કોણે તેમાં લોકલ-લોકલ કર્યુ. જો વહેલુ કંઈક મોવડીઓએ કર્યુ હોત તો સંભવ છે. ક્ષત્રિય સમાજનો હાથ ઠંડો પાડી શકાયો હોત તેવું માનનારા ભાજપમાં ઓછા નથી. હવે તેને પોપટ કોન્ફીડન્સ ગણવો કે પછી સમાજની નાડ પારખવામાં થાપ ખાઈ જવી તે ગમે તે હોય પણ નુકશાન તો ભાજપને જ થશે તેવો અફસોસ દર્શાવાઈ રહ્યો છે.



