ગુજરાત

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત ,

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફ્રરન્સને સંબોધતા ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે આવતી કાલે કચ્છ અને રાજકોટથી ધર્મ રથનો પ્રારંભ થશે. કચ્છના માતાના મઢથી ધર્મ રથનો પ્રારંભ થશે. રાજકોટમાં આશાપુરા મંદિરથી ધર્મ રથનો પ્રારંભ થશે. 25 એપ્રિલે અંબાજીમાં માતાજીને ધજા  ચઢાવાશે. અંબાજીથી 1 હજાર ગાડીના કાફલા સાથે ધર્મ રથ નીકળશે. બનાસકાંઠા, પાટણના ગામડાઓમાં ધર્મ રથ ફરશે.

ક્ષત્રિય આગેવાનો ભાજપમાં જોડાયાના અહેવાલ પર તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ભાજપના જોડાવાની વાત ભ્રામક અને ખોટી છે. સંકલન સમિતિના સભ્યો ભાજપમાં જોડાશે તે ખોટી વાત છે. અમારા કોર કમિટીના સભ્યો તમામ કમિટીના માન્ય સભ્યો છે. 10-12 લોકો ભાજપ સમર્પિત હોય તેમની સમિતિ બનાવી તેમને બોલાવી જાહેરાત કરાય છે. જિલ્લા કક્ષાએ અમુક લોકોએ સમિતિ બનાવીને જાહેરાત કરી હશે તો એ એમનો પ્રશ્ન છે. સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય ભાજપમાં જોડાયા નથી.

તેમણે કહ્યું કે સાત તારીખ પછી પણ અમે બેસી રહેવાના નથી. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે. અમે તમામ સમાજના ફેડરેશન બનાવવાના છીએ. કોઈ પક્ષ પ્રેરિત લોકો આ ફેડરેશનમાં નહિ હોય. અમે કોઈ પક્ષ નથી બનાવવાના,ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી.અમારે કોઈ પક્ષ નથી બનાવવો,સંગઠન બનાવવું છે.

નોંધનીય છે કે રૂપાલાના નિવેદનને લઈ હજુ ક્ષત્રિયોમાં રોષ ઠંડો પડ્યો નથી. જેને લઈ ભાજપ ભીંસમાં મુકાયું છે.  એવામાં ક્ષત્રિય સમાજની નારાજગીને ખાળવા ભાજપે કામગીરી શરૂ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભૂજ પહોંચ્યા હતા. ભૂજની એક હોટેલમાં ભાજપના ક્ષત્રિય ધારાસભ્યો અને સમાજના આગેવાનો વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી.  અંદાજે એક કલાક ચાલેલી બેઠક બાદ ભાજપના જ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રૂપાલાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. ભૂજ બાદ હર્ષ સંઘવી ડીસા પહોંચ્યા હતા. ડીસાના એક પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button