સિમ્બોલ લોડીંગ પ્રક્રિયા પુરી થયા બાદ યુનિટ સીલ કરવાનું રહેશે વીવીપીએટીની કાપલીઓ પણ 45 દિવસ સીલબંધ કવરમાં રાખવાની રહેશે
ઉમેદવારને માઈક્રો કન્ટ્રોલર પ્રોગ્રામ મેળવવાનો અધિકાર પણ તે માટે ખર્ચ ખુદે કરવાનો રહેશે કંઈ ગડબડ હોય તો સાત દિવસમાં અપીલ કરવી જરૂરી
લોકસભા ચૂંટણીમાં ઈવીએમ મારફત મતદાનને યથાવત રાખવા સાથે સુપ્રીમકોર્ટે બેલેટપેપરથી મતદાનની માંગણી ફગાવી દીધી હતી. આ ઉપરાંત ઈવીએમમાં પડતા મતો અને તેની સાથે જોડાયેલા વીવીપીએટીના મતોનું 100 ટકા ક્રોસ વેરીફીકેશનની માંગણી પણ સર્વોચ્ચ અદાલતે ફગાવવાની સાથે ચુંટણીપંચને પણ અનેક આદેશો આપ્યા હતા.
લાંબા સમયથી ચાલી રહેલા ઈવીએમ વિવાદમાં હવે સુપ્રીમકોર્ટના આ ચૂકાદા સાથે અંત આવી ગયો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દિપાંકર દતાની ખંડપીઠે આજે બેલેટ પેપરથી દેશભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની માંગણી ફગાવી હતી. ગઈકાલે જ સર્વોચ્ચ અદાલતે આ સંકેત આપી દીધો હતો. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ સહિતની સંસ્થાઓ તથા કેટલીક વ્યક્તિગત અરજીઓ પર સર્વોચ્ચ અદાલતે આજે તેના આદેશમાં ચુંટણીપંચને પણ દિશાનિર્દેશ આપ્યા હતા.
સૌથી મહત્વનું ઈવીએમમાં જે મતો પડે છે અને તેની સાથે જોડાયેલા વોટર વેરીફીયેબલ પેપર ઓડીટ ટ્રેલ (વીવીપીએટી)ની જે કાપલીઓ હોય છે તે બંનેનું 100 ટકા વેરીફીકેશન કરવાની માંગણી ફગાવી હતી. સુપ્રીમકોર્ટે અગાઉ જ જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રક્રિયા એ દેશભરમાં અત્યંત સમય અને શક્તિ તેમજ નાણાનો વ્યય કરનાર છે. જો ઈવીએમના મતોની સાથે વીવીપીએટીની કાપલીઓના મતોની ગણતરી કરવામાં આવે તો ચુંટણી પરિણામો જાહેર કરવામાં 12 દિવસથી વધુનો સમય લાગે ત્યારપછી પણ ખરેખર વાસ્તવિક પરિણામ મળશે કે કેમ તે પ્રશ્ન છે.
સર્વોચ્ચ અદાલતે ચુંટણીપંચને ઈવીએમમાં અને વીવીપીએટીમાં સિમ્બોલ લોડીંગ પ્રક્રિયા પુરી થયા બાદ સિમ્બોલ લોડીંગ યુનિટને સીલ કરવા આદેશ આપ્યો હતો અને 45 દિવસ સુધી તે યથાવત રાખવાના રહેશે. આ ઉપરાંત વીવીપીએટીની જે કાપલીઓ હોય છે તેને પણ સીલબંધ પેક કરીને તેના પર ઉમેદવાર કે તેના પ્રતિનિધિની સહી કરાવી લેવાની રહેશે અને આ તમામ 45 દિવસ સુધી જાળવી રાખવાનું રહેશે.
સુપ્રીમકોર્ટે બીજા એક આદેશમાં જણાવ્યું કે, ચુંટણી પરિણામની જાહેરાત બાદ ઉમેદવારો પાસે એન્જીનીયરોની ટીમ મારફત તપાસ કરેલા ઈવીએમના માઈક્રો કંટ્રોલર પ્રોગ્રામ મેળવવાનો વિકલ્પ રહેશે અને તેના આધારે ઉમેદવાર ચુંટણીમાં જો કંઈ પ્રશ્ર્ન હોય તો સાત દિવસમાં તેણે અરજી કરવાની રહેશે અને આ તમામ ખર્ચ ઉમેદવારોએ ઉઠાવવાનો રહેશે.
આ અગાઉ ચુંટણીપંચે ઈવીએમ અને વીવીપીએટી અંગે જે પ્રશ્ન ઉઠયા હતા તે અંગે ચુંટણીપંચ પાસે પણ પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો અને પંચના જવાબથી સંતુષ્ટ થયા બાદ ચુકાદો મુલત્વી રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે જો શકય હોય તો વીવીપીએટીની કાપલીઓ પર એક બારકોડ મુકવામાં આવે જેના કારણે તે કાપલીઓની ગણતરી મશીન દ્વારા થઈ શકે. જો કે આ અંગે કોઈ આદેશ આપ્યો ન હતો.
લોકસભા સહિતની ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવા અથવા તો ઇવીએમના મતો અને વીવીપીએટીની કાપલીઓનું 100 ટકા ક્રોસ વેરીફીકેશનની માંગણી ફગાવીને સાથે સુપ્રિમ કોર્ટે ટકોર કરી હતી કે દરેક વ્યવસ્થા પર આંખ બંધ કરીને શંકા કરવી એ ખોટું છે. ઇવીએમની ટીકા પર પણ સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આપણે જે કાંઇ ટીપ્પણી કરીએ તેનું વજન હોવું જોઇએ પછી તે ન્યાય તંત્ર હોય કે સંસદ અંગે બોલતા હોય, સુપ્રિમ કોર્ટનું આ નિરીક્ષણ મહત્વનું છે.
તેમણે કહ્યું કે, લોકશાહીના ચાર સ્થંભો વચ્ચે સદ્ભાવ અને વિશ્ર્વાસ કાયમ રહેવો જોઇએ અને તે વધે તે માટે પ્રયત્ન કરવા જોઇએ જેથી લોકતંત્રનો અવાજ મજબૂત બને અને એ પણ જણાવ્યું કે જો તમે પહેલેથી જ એવું મન મનાવી લેતા હોય તે સર્વોચ્ચ અદાલત તમને મદદ કરવાની નથી તો અમે તમારી વિચારવાની પ્રક્રિયાને બદલી શકીએ નહીં. તેમણે આ ટકોર અરજદારો વતી રજુ થયેલા ધારાશાસ્ત્રી પ્રસાદ ભૂષણના વિધાનો પર કરી હતી.



