વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાન માટે આગમન પૂર્વે જ સુરક્ષા એજન્સી માટે પડકાર કાલના મતદાન પૂર્વે જ અમદાવાદની આઠ સ્કૂલોમાં બોમ્બની ધમકી
દિલ્હી માફક રશિયન સર્વરમાંથી મોકલાયેલા ઇ-મેઇલમાં સ્કૂલ ઇમારતને ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી મળતાં પોલીસ એલર્ટ: બોમ્બ સ્કવોડ્ દોડી ગઇ: શાળાઓમાં વેકેશન હોવાથી થોડી રાહત
ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે તે પૂર્વે જ દિલ્હી મોડેલથી અમદાવાદમાં એક બાદ એક આઠ જેટલી સ્કૂલોને તેમની ઇમારતમાં બોમ્બ મુકાયા હોવાની ધમકી મળતા જ અમદાવાદ પોલીસની ટૂકડીઓ આ સ્કૂલોમાં દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી છે.
ગત સપ્તાહે જ દિલ્હીમાં લગભગ 80 જેટલી સ્કૂલોમાં બોમ્બની ધમકી મળી હતી અને તેમાં દિલ્હી પોલીસે કરેલી તપાસમાં કોઇ બોમ્બ કે વાંધાજનક ચીજો મળી ન હતી પણ આજે સવારે અમદાવાદમાં દિલ્હીની માફક જ મહાનગરની પાંચ સ્કૂલોને અને ગ્રામ્ય વિસ્તારની કેટલીક સ્કૂલોને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા અને તેમાં સ્કૂલો પાસેથી પૈસા પણ માંગવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદમાં જે સ્કૂલોને આ ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યાં છે તેમાં ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, વસ્ત્રાપુરની એશિયા ઇંગ્લીશ સ્કૂલ, ઘાટલોડીયાની અમૃતા વિદ્યાલય અને આ જ વિસ્તારની કેલોરેક્સ સ્કૂલ તેમજ શાહીબાગના આર્મી કેન્ટોનમેન્ટની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સ્કૂલોને અને થરતેજની આનંદ નિકેતન ઉપરાંત બોપાલ દિલ્હી પબ્લીક સ્કુલને પણ ધમકી ભર્યા ઇમેઇલ મળ્યા છે.
અમદાવાદ પોલીસની બોમ્બ સ્કવોડ સહિતની ટૂકડીઓએ તપાસ શરુ કરી છે. દિલ્હીની જેમ જ આ ઇ-મેઇલ પણ રશિયન સર્વરમાંથી મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને તમામ ઇ-મેઇલ એક સરખા હોવાનું પણ ખુલ્યું છે. અને હવે તેના પર તપાસ શરૂ કરવામાં આવી છે.
આવતીકાલે અમદાવાદ સહિત ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાણીપની એક સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચવાના છે તે સમયે સ્કૂલોને નિશાન બનાવતા ધમકીભર્યા ઇમેઇલથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઇ ગઇ છે.



