લોકસભા ચૂંટણીનું મતદાન ખત્મ થવાની સાથે જ સાંજથી નવો ‘સહકારી રાજકારણ’નો મોરચો ખુલવાના એંધાણ છે. ગુરૂવારે ઈફકોની ચૂંટણી છે અને ગુજરાતની એક બેઠકમાં ત્રિપાંખીયો જંગ છે.
ભાજપના મેન્ડેટની સામે પડીને જયેશ રાદડીયા તથા પંકજ પટેલે ફોર્મ ભર્યા હોવાથી ઉતેજના છે. ભાજપમાં જ સહકારી ક્ષેત્રે બળાબળના પારખા થવાના ચિત્ર વચ્ચે સહકારી નેતા દિલીપ સંઘાણી પણ ખુલ્લેઆમ રાદડીયાના સમર્થનમાં આવ્યા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું કૃત્ય કિન્નાખોરી ભર્યુ ગણાવ્યુ છે.
લોકસભા ચૂંટણીનું મતદાન ખત્મ થવાની સાથે જ સાંજથી નવો ‘સહકારી રાજકારણ’નો મોરચો ખુલવાના એંધાણ છે. ગુરૂવારે ઈફકોની ચૂંટણી છે અને ગુજરાતની એક બેઠકમાં ત્રિપાંખીયો જંગ છે. ભાજપના મેન્ડેટની સામે પડીને જયેશ રાદડીયા તથા પંકજ પટેલે ફોર્મ ભર્યા હોવાથી ઉતેજના છે. ભાજપમાં જ સહકારી ક્ષેત્રે બળાબળના પારખા થવાના ચિત્ર વચ્ચે સહકારી નેતા દિલીપ સંઘાણી પણ ખુલ્લેઆમ રાદડીયાના સમર્થનમાં આવ્યા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું કૃત્ય કિન્નાખોરી ભર્યુ ગણાવ્યુ છે.
દેશના ટોચના સહકારી સંગઠન એવા ઈફકોમાં તા.9 મે ને ગુરુવારે ચુંટણી થવાની છે. ઈફકોનુ બોર્ડ 21 ડાયરેકટરો છે તે ત્રણ વિભાગોમાં વિભાજીત છે. 8 બેઠકો રાજયકક્ષાની, 8 બેઠકો ગ્રામ્ય મંડળીઓ તથા બાકીની મહિલા વિભાગની છે. રાજયકક્ષામાં ગુજરાતમાંથી પોતાની ઉમેદવારી છે. ગ્રામ્ય મંડળી વિભાગની એક બેઠક છે
તેમાં ભાજપના જ ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ગુજરાતમાં સહકારી ચૂંટણી પણ ભાજપ પક્ષીય ધોરણે લડતુ હોય છે અને તેના આધારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સહી સાથે બીપીનભાઈ પટેલ (ગોતા)ના નામનો મેન્ડેટ ઈસ્યુ કરાયો હતો. ભાજપના નિર્ણય વચ્ચે પણ જયેશ રાદડીયા તથા પંકજ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ પાછા ખેંચ્યા ન હતા. બન્નેએ લડી લેવાનો મિજાજ દાખવતા ભાજપના જ સહકારી નેતાઓ વચ્ચે બળાબળના પારખા થવાનુ ચિત્ર સર્જાયુ છે.
ભાજપની આંતરિક લડાઈ વચ્ચે ઈફકોના ચેરમેન અને ભાજપના નેતા- પુર્વ સાંસદ દિલીપ સંઘાણીએ પણ ભાજપની નીતિરીતિ સામે નારાજગી દર્શાવી છે અને જયેશ રાદડીયાની ખુલ્લી તરફેણ કરી છે. તેઓએ કહ્યું કે 21 બેઠકોમાંથી માત્ર એક બેઠક પર ભાજપે વ્હીપ ઈસ્યુ કર્યો તે કિન્નાખોરીની શંકા ઉપજાવે છે. આ કેટલુ વ્યાજબી કહેવાય? હું પોતે પણ ગુજરાતની બેઠક પરથી લડયો છું. મહિલા બેઠક પણ છે છતાં માત્ર એક સીટ માટે વ્હીપ ઈસ્યુ કરાયો છે તે ભેદભાવ જ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વ્હીપ ઈસ્યુ કર્યો છે. તેઓએ ત્રણેય સીટ પર આપવાની જરૂર હતી. જયેશ રાદડીયાનું રાજકારણ ખત્મ કરી નાખવાનો પ્રયાસ હોઈ શકે છે. બીપીન ગોતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નજીક છે. આ નિર્ણય પર પાટીલે જવાબ આપવો જોઈએ.તેઓએ એમ કહ્યું કે બળાબળના પારખામાં જીત જયેશ રાદડીયાની જ થાય તેમ છે.
દરમ્યાન ઈફકોમાં આંતરિક લડાઈ નકકી થઈ ગઈ હોવાથી ત્રણેય ઉમેદવારો દ્વારા કાવાદાવા શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના 40થી વધુ મતદારોને આજે સાંજે જ દિલ્હી રવાના કરી દેવામાં આવે તેવી ચર્ચા છે. સૌરાષ્ટ્રના અન્ય મતદારોને પણ દિલ્હીમાં ‘સુરક્ષિત’ સ્થળે રાખવાનો વ્યુહ છે અને સાંજે લોકસભા ચૂંટણીનું મતદાન ખત્મ થયા બાદ સહકારી આગેવાનો સહકારીના ચોકઠા ગોઠવવા લાગશે તેવા નિર્દેશ છે. વ્યુહબાજી ઘડવામાં હાલનો એક જ દિવસ મળવાનો છે છતાં ‘પહોંચી વળવાની’ તૈયારી રાખવામાં આવી છે. ભાજપ દ્વારા વ્હીપ ઈસ્યુ થયો હોવાથી મતદારોને ‘પાર્ટી સ્ટેન્ડ’ સંદેશા પણ નવેસરથી આપવાનું શરૂ થયુ છે.
મતદારો પાર્ટીલાઈન મુજબ આગળ વધશે કે ‘પોતાના નેતા’નુ સમર્થન કરશે તેના પર માત્ર સહકારી ક્ષેત્રની જ નહીં પરંતુ ભાજપ નેતાગીરીની નજર પણ રહી શકે છે. ઈફકોમાં ચુંટણી ગુરૂવારે થવાની છે તે પુર્વે ભાજપ દ્વારા કોઈ સ્ટેન્ડ બદલાવાય છે કે કેમ તેના પર પણ નજર રહેશે. જો કે, જાણકારોના કહેવા પ્રમાણે હવે મોડુ થઈ ગયુ છે ત્યારે નેતાગીરી ‘અફર’ રહી શકે છે.



