રશિયન વિદેશ વિભાગના પ્રવકતાએ અમેરિકી રિપોર્ટમાં પાયાવિહોણા આક્ષેપથી ભારતની આંતરિક અને રાજકીય બાબતોમાં ખલેલ પહોંચાડવાના બાઈડન તંત્રના પ્રયાસો હોવાનું જણાવ્યું
ચુંટણી સમયે જ અમેરિકાની સંસ્થાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે પ્રગટ કરેલા રિપોર્ટ વિવાદમાં

ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણી અંગે એક મોટુ નિવેદન કરતા રશિયાએ આરોપ મુકયો છે કે, ભારતમાં અસ્થિરતા પેદા કરવા માટે અમેરિકા કોશિશ કરી રહ્યું છે અને ભારતની ચુંટણીમાં પણ દખલ કરી રહ્યું છે.
રશિયાના વિદેશ વિભાગના પ્રવકતા મારીયા જાખારોવાનું નિવેદન એ સમયે આવ્યું છે કે, જયારે અમેરિકાના એક પંચ દ્વારા ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રશિયાએ આ રિપોર્ટને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો અમેરિકા પર આરોપ મુકયો હતો અને કહ્યું કે ભારતમાં જયારે ચુંટણીઓ યોજાઈ રહી છે તે સમયે અમેરિકા ભારતમાં અસ્થિરતા પેદા કરવા માંગે છે. તેઓ ભારતીયની માનસીકતા અને તેના ઈતિહાસને સમજી શકયુ નથી. પરંતુ અમેરિકાને તેમ કરવાનો કોઈ હકક નથી. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે, અમેરિકી રિપોર્ટમાં ગેરવ્યાજબી રીતે પ્રશ્ન ઉઠાવાયા છે અને ભારતને એક દેશ તરીકે પણ અપમાન કરવામાં આવ્યું છે.
ભારતની આંતરિક રાજનીતિમાં પણ અમેરિકા દખલ કરવા માંગે છે. અમેરિકી આયોગે એ પણ રિપોર્ટ આપ્યો છે કે, ભારતને ચિંતાજનક દેશની યાદીમાં સામેલ કરવામાં આવે. આ રિપોર્ટમાં ભારતના સતાધારી શાસક ભાજપ પર ભેદભાવપૂર્ણ નીતિ લાગુ કરવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે અને તેમાં સીએએ ગૌહત્યા કાનૂન અને વિદેશી ભંડોળને નિયંત્રીત કરતા કાનૂન તેમજ આતંકવાદ સામેના યુએપીએ કાયદાની સામે પ્રશ્ન ઉઠાવાયા છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને લોકોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને અન્યનું મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ સરકારે વિદેશી ન્યુઝ ચેનલો સહિતના માટે જે નિયમ બનાવ્યા તે ઉપરાંત ભારતની સમાચાર સંસ્થાઓનું પણ મોનેટરીંગ કરવામાં આવી રહ્યું હોય તેવા અહેવાલ બાદ અમેરિકી રિપોર્ટમાં આ મુદા ઉઠાવાયા છે. અમેરિકામાં ખાલીસ્તાની આતંકી ગુરપતસિંહ પન્નુની હત્યાના પ્રયાસમાં ભારતીયની સંડોવણી અને ખાસ કરીને ભારતની જાસૂસી એજન્સી દ્વારા કેનેડામાં પણ ખાલીસ્તાની આતંકી નિજજરની હત્યામાં ભૂમિકા અંગે પ્રશ્ન ઉઠાવાયા બાદ હવે રશિયા ભારતની મદદે આવ્યું છે.
રશિયન પ્રવકતાએ દાવો કર્યો કે, અમેરિકા ભારત પર ખોટા આરોપો લગાવી રહ્યું છે. વાસ્તવમાં તેની પાસે ભારતીય નાગરિકની સંડોવણી અંગે કોઈ વિશ્વસનીય પુરાવા જ નથી અને તેના અભાવમાં અટકળો કરી રહ્યું છે. પન્નુની હત્યાના પ્રયાસમાં અમેરિકી ન્યાયિક વિભાગે ભારતની સંડોવણી અંગે જે રીતે ટિપ્પણી કરી તેને ભારતે ફગાવી દીધી છે. જો કે પન્નુ અને નિજજરની હત્યા મુદે અમેરિકા અને કેનેડા ભારત પર આક્રમક રહ્યા છે.