ગોધરામાં NEETની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ ઝડપાયું: રૂા.10-10 લાખ લઇને 6 વિદ્યાર્થીને પેપર લખાવાયા હતા ,
શાળા સંચાલક ઉપરાંત પરીક્ષા સેન્ટરના નાયબ સંચાલક અને વડોદરાના એક વ્યકિતની ભૂમિકા ખુલ્લી રવિવારે લેવાયેલી પરીક્ષા વિવાદમાં

ગત રવિવારે દેશભરમાં લેવાયેલી તબીબી પ્રવેશ માટેની નીટ ગ્રેજ્યુએશનની પરીક્ષામાં બિહારમાં પેપર ફુટવાની ઘટનાની તપાસ થઇ રહી છે તે વચ્ચે ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં આ પરીક્ષામાં ચોરી કરાવાનું એક મોટું કૌભાંડ ઝડપાઇ ગયું છે.
ગોધરાની જલારામ સ્કૂલમાં નીટના પરીક્ષા સેન્ટરના ડેપ્યુટી સંચાલક સહિત ત્રણ લોકોએ 6 વિદ્યાર્થીઓ પાસેથી રૂા.10-10 લાખ લઇને પરીક્ષામાં ચોરી કરવાની સુવિધા આપવામાં આવી હતી. તે અંગે જિલ્લા કલેક્ટરની સજાગતાથી સમગ્ર કૌભાંડ ખુલ્લું થઇ ગયું છે.
જેમાં વડોદરાની રોસ રોયલ કંપનીના માલિક તેમજ શાળાના સંચાલક વિશાલ ભટ્ટ અને અન્ય એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ પરીક્ષામાં ડેપ્યુટી સંચાલકે ચોરી માટે ખાસ વ્યવસ્થા કરવાની ખાત્રી આપી હતી અને તેમાં સ્થાનિક શાળાના સંચાલક અને એક અન્ય વ્યકિતનો સાથ લેવામાં આવ્યો હતો.
તેમની પાસેથી અને વિદ્યાર્થી પાસેથી રૂા.10-10 લાખ લઇને ચોરી કરવાની સુવિધા આપવામાં આવી હતી. સંચાલકની કારમાંથી રૂા.7 લાખ મળી આવતા સમગ્ર કૌભાંડ ખુલ્લું થયું હતું. ચૂંટણી સમયે ચેકીંગ દરમ્યાન આ રોકડ રકમ મળતા તેની તપાસ થતાં તેમાં હવે નીટના સંચાલકો સહિતને જાણ કરવામાં આવી છે.