મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયા એક વિવાદીત નિવેદન કરીને ચર્ચામાં આવ્યાં , બે પત્નીઓ વાળાને 2 લાખ આપીશું
આ અંતર્ગત જો અમારી સરકાર બનશે તો અમે ગરીબ પરિવારોની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપીશું અને જેમની બે પત્નીઓ છે તેમને 2 લાખ રૂપિયા મળશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ ગુરુવારે એક રેલીને સંબોધિત કરતા પાર્ટી દ્વારા પ્રસ્તાવિત ‘મહાલક્ષ્મી યોજના’ વિશે વિચિત્ર દાવો કર્યો હતો. તેમના આ દાવા પર વિવાદ ઉભો થયો હતો. ભૂરિયાએ કહ્યું કે લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે પોતાના ‘ન્યાય પત્ર’ (ઘોષણાપત્ર)માં મહાલક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો છે. આ અંતર્ગત જો અમારી સરકાર બનશે તો અમે ગરીબ પરિવારોની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપીશું અને જેમની બે પત્નીઓ છે તેમને 2 લાખ રૂપિયા મળશે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ ભૂરિયાના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું, “ભૂરિયાજીએ હમણાં જ એક શાનદાર જાહેરાત કરી છે કે બે પત્નીઓવાળા પુરુષને બમણી (1 લાખ રૂપિયાની આર્થિક સહાય) મળશે.” કોંગ્રેસના ઘોષણાપત્ર અનુસાર, મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબી રેખા (બીપીએલ) હેઠળ જીવતી મહિલાઓને આ શ્રેણીમાંથી બહાર ન આવે ત્યાં સુધી દર મહિને 8500 રૂપિયા મળશે. જે વાર્ષિક 102000 રૂપિયા છે.
કાંતિલાલ ભૂરિયા સામે વનમંત્રીની પત્ની
ભૂરિયાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આદિવાસીઓનું અપમાન કરવાનો અને સિધીમાં એક આદિવાસી પર ભાજપના નેતાએ પેશાબ કર્યો ત્યારે ચૂપ રહેવાનો આરોપ લગાવ્યો હતો. ભૂરિયાનો મુકાબલો મધ્યપ્રદેશના વનમંત્રી નગરસિંહ ચૌહાણની પત્ની અનિતા ચૌહાણ સામે છે. રતલામમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. આ દરમિયાન એમપી ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ભુરિયાના નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અપલોડ કરી ચૂંટણી પંચને ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ભાજપે ભુરિયાની તેમની “બે પત્નીઓથી ૨ લાખ રૂપિયા” ની ટિપ્પણી બદલ ટીકા કરી છે અને કોંગ્રેસ પર કોઈ ખાસ સમુદાયને ખુશ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે જીતુ પટવારી, દિગ્વિજય સિંહ અને કાંતિલાલ ભૂરિયા પર મંચ પરથી બહુમતી હિન્દુઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે ચૂંટણી પંચને અગાઉની કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારમાં આદિજાતિ બાબતોના કેન્દ્રીય પ્રધાન રહેલા કાંતિલાલ ભુરિયા (73) સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસ બહુમતી હિન્દુઓનું અપમાન કરે છે: ભાજપ
કાંતિલાલ ભૂરિયા 2009ની લોકસભા ચૂંટણીમાં રતલામ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2014માં ભાજપના દિલીપસિંહ ભૂરિયા સામે હારી ગયા હતા. 2015માં દિલીપસિંહના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને કોંગ્રેસના નેતા કાંતિલાલે ફરી એકવાર પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.



