આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન, અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી ,
આજે અખાત્રીજનાં દિવસે રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસું વહેલું અને સારૂ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આજે અખાત્રીજ એટલે દરેક શુભકામ માટે વણ જોયું મુર્હત. આજનાં દિવસે ખેડૂતો તેમનાં ખેતીનાં ઓજારોની પૂજા કરે છે. અને બળદને હળ સાથે જોડી ખેતર ખેડવાની શરૂઆત કરે છે. આજે અખાત્રીજનાં દિવસે રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નૈઋત્યનાં પવનોને લઈ વરાદ અંગે આગાહી કરી છે. ત્યારે 8 જૂનથી સમુદ્રનાં પ્રવાહોમાં બદલાવ જોવા મળશે. તેમજ આંધી વંટોળ સાથે વરસાદની શરૂઆત થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં અનેક ભાગોમાં 106 ટકા વરસાદ જોવા મળશે. તેમજ ગુજરાતમાં સરેરાશ 700 મિલી મીટર કરતા વધારે વરસાદ થશે. મે ના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ બંગાળના ઉપસાગરમાં 16 મે થી હલચલ જોવા મળશે. તેમજ 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે.
અખાત્રીજને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કૃષિભાઈઓ જે છે તે અખાત્રીજનાં દિવસે ખેતરમાં પોતાની જમીનમાં મુર્હત જોતા હોય છે. તેમજ ખેડૂતો જમીન માતા તેમજ પશુઓની પૂજા કરતા હોય છે. ત્યારે હવે આ તમામ બાબતો વિસરાઈ ગઈ છે. આમ છતાં અખાત્રીજનાં દિવસે પવન જોવાની પરંપરા છે. આ વખતે અખાત્રીજનાં પવનમાં નૈઋત્યનાં પવન મળ્યા છે. જેથી ચોમાસુ વહેલુ આવવાની શક્યતા છે. અને રોહિણી નક્ષત્રમાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.