દિવસમાં માત્ર ચાર વાર જ ટ્રાફિક છોડાશે ભીડના કારણે યાત્રાળુઓ ફસાયા અનેક યાત્રાળુઓ યાત્રા શરૂ કરે તે પહેલા નિરાશ થઈને પાછા ફર્યા
યમુનોત્રીમાં યાત્રાળુઓનો બેકાબુ ધસારો ખાળવા પ્રશાસન દ્વારા ગેટ સિસ્ટમ લાગુ
શ્રદ્ધાળુઓની રેકર્ડબ્રેક ભીડના કારણે રવિવારથી યમુનોત્રીમાં ગેટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ઉતરકાશીના એસપી અર્પણ યદુવંશીના જણાવ્યા મુજબ પાલીગાડથી જાનકી ચટ્ટી વચ્ચે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત એક દિવસમાં માત્ર ચાર વાર ટ્રાફીક છોડવામાં આવશે. યાત્રીઓની ઉમટેલી ભીડના કારણે પેદા થયેલી અવ્યવસ્થાને કારણે પ્રશાસનને ગેટ સીસ્ટમ લાગુ કરવી પડી છે. આ પહેલી ઘટના છે કે ગેટ સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. શનિવારે રાતથી રવિવારે બપોરે બે વાગ્યા સુધી વાહનોને અનેક જગ્યાએ રોકવામાં આવતા યાત્રીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ટ્રાફિકજામના કારણે યાત્રીઓએ રાત્રી બસમાં પસાર કરવી પડી હતી.
પ્રશાસને શ્રદ્ધાળુઓને એક સાથે ન આવવા અપીલ કરી છે. સંખ્યા નિયંત્રણમાં રહેશે તો યાત્રાળુઓને દર્શન કરવામાં સુવિધા રહેશે તેમ એસપીએ જણાવ્યું હતું. ગંગોત્રી યાત્રા માર્ગ પર રવિવારે સુકકી બેન્ડથી બે કિલોમીટર પાછળ સુધી યાત્રાળુ વાહનોનો ટ્રાફીક જામ થયો હતો. લગભગ પોણા કલાક સુધી યાત્રીઓ ફસાયા હતા.
નૈનીતાલમાં ભવાલીથી કૈંસ ધામ સુધી ભીષણ ટ્રાફીક જામ: ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા રવિવારે અહીં ભીષણ જામ સર્જાયો હતો. આઠ કિલોમીટરનું અંતર કાપવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. ટ્રાફિક જામના કારણે યાત્રીઓ હરિદ્વારથી યાત્રા શરૂ કર્યા વિના નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે.



