ગુજરાત

મુંબઇ દુર્ઘટના નો પડઘો રાજકોટમાં, હોર્ડિંગ્સ એજન્સીઓને નોટિસ અપાશે ,

ભારે પવનમાં જાગનાથ ચોકી અને રામકૃષ્ણ આશ્રમ પાસે બે બોર્ડ ઉડયા : ચાર જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા : એસ્ટેટ શાખા સર્વે કરશે

રાજકોટમાં ગઇકાલે સાંજે છાંટણા પડયા બાદ રાત્રે ભારે પવન ફુંકાયો હતો. તેમાં ડો. યાજ્ઞિક રોડ લાગુ જાગનાથ  પોલીસ ચોકી પાસે બે બોર્ડ ઉડીને પડયા હતા તો ચાર જગ્યાએ વૃક્ષો પડયાની ફરિયાદ આવી હતી. ભરઉનાળે ફુંકાયેલા ભારે પવનમાં ઉભી થયેલી ચિંતા વચ્ચે મ્યુનિ. કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ તમામ હોર્ડિંગ બોર્ડનો સર્વે કરી સલામતીની ચકાસણી કરવા નિર્ણય લીધો છે. પ્રિ-મોન્સુન પ્લાન હેઠળ હોર્ડિંગનો બીઝનેસ કરતી એજન્સીઓને સલામતી માટે નોટીસ આપવા કાર્યવાહી શરૂ કરાશે તેમ વિભાગે જણાવ્યું હતું.

રાજકોટ શહેર ઉપરાંત છેવાડે આવેલા અને રૂડાની હદમાં આવતા હોર્ડિંગ બોર્ડની સલામતી માટે પણ આવી જ કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે.  શહેરમાં ગઇકાલે રાત્રે ભારે પવન ફુંકાયો હતો. આ પવનના કારણે નાના મવા રોડ પર શાસ્ત્રીનગર બાજુમાં, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડની અંદર, જયરાજ પ્લોટ મેઇન રોડ પાસે, વર્ધમાનનગર-6માં અને આરટીઓ પાછળ આવેલા શિવનગરમાં વૃક્ષ પડવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર જઇને વૃક્ષ ખસેડવાની કામગીરી કરી હતી.

એકાએક ફુંકાયેલા પવનના કારણે જાગનાથ પોલીસ ચોકી પાસે અને યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ નજીક બે બોર્ડ પડયા હતા. એક બેંકનું મોટુ બોર્ડ ધસી પડયું હતું. અન્ય કોઇ જગ્યાએ હોર્ડિંગ કે બોર્ડ પડયાની ફરિયાદ આવી ન હતી. આમ છતાં તમામ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે એસ્ટેટ શાખાની મંજુરીવાળા રાજકોટમાં 334 હોર્ડિંગ રહેલા છે. તો મનપાની ર18 હોર્ડિંગ સાઇડસ પર કોન્ટ્રાકટ મંજુર કરવામાં આવેલા છે.

આ તમામ એજન્સીઓના સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ ચકાસવાનું શરૂ કરવામાં આવશે. જો કોઇ એજન્સીના  પ્રમાણપત્રની મુદ્દત પુરી થઇ ગઇ હશે તો નોટીસ અપાશે. જોકે સાથોસાથ મંજુરી વગરના, મંજુરથી મોટી સાઇઝના હોર્ડિંગ બોર્ડની પણ સમાંતર ચકાસણી અને તપાસ થવા જોઇએ તેવો મત છે.

આ અંગે આવતીકાલથી એસ્ટેટ શાખા સર્વે સાથે નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે. મુંબઇમાં ગઇકાલે જે રીતે તોતીંગ હોર્ડિંગ સાઇટ પડી જવાથી જીવલેણ દુર્ઘટના બની તેવો કોઇ બનાવ આગામી ચોમાસામાં પણ ન બને તે માટે જરૂરી તમામ પગલા લેવાશે તેવું સુત્રોએ કહ્યું હતું.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button