અમરેલી, જામનગર, માણાવદરમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિની ગંભીર ફરિયાદોની નોંધ , કાછડીયા, જાડેજા, ચાવડા પર લટકતી તલવાર : રાજકોટથી પ્રસરેલા ક્ષત્રિય આંદોલનનું પણ પાર્ટી પોસ્ટમોર્ટમ કરશે
પરિણામ આવે એટલી વાર! બાગીઓને હાંકી કાઢવા ભાજપ તૈયાર ,

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન પુરૂ થઇ ગયું છે. તા.4 જુનના રોજ પુરા દેશ સાથે મત ગણતરી છે ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર ભાજપના બાગી નેતાઓએ કરેલા પક્ષ વિરોધી કામના ધગધગતા રીપોર્ટ ઉપર સુધી ગયા છે. હવે મતગણતરી થઇ જાય અને ભાજપનું જવલંત વિજય થાય એટલે 3 થી 4 જિલ્લામાં મોટા માથાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાના પગલા લેવામાં આવશે તેવું જાણકારો કહેવા લાગ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટો અસંતોષ અમરેલીમાં બહાર આવ્યો છે. આ સાથે જ જામનગર અને માણાવદરમાં પણ મોટા નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાની છાપ ઉપસી છે. આ સંજોગોમાં બગાવત કરનારા ત્રણેક નેતાઓ સાથે કડક પગલા તોળાઇ રહ્યા છે. રાજકોટમાંથી જાગેલા ક્ષત્રિય આંદોલનની આગ પુરા રાજયમાં પ્રસરી હતી. આ આંદોલનના દિવસો પણ શિસ્તભંગના પગલા સમયે ધ્યાનમાં લેવામાં આવે તેમ સમજવામાં આવે છે.
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાંથી વિરોધના સુર ઉઠી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુથવાદની પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્યારે ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાને પક્ષમાંથી હાંકી કાઢવા હાઈકમાન્ડ સમક્ષ પ્રદેશ નેતાગીરીએ રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિઓ કરનાર સૌરાષ્ટ્રના ત્રણ નેતા અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડીયા, બે પૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને જવાહર ચાવડાના નામનો સમાવેશ થાય છે. ભાજપમાં પ્રદેશ કક્ષાએ આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે. જેમાં કહેવામા આવ્યું છે કે આ ત્રણેય નેતાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે જેથી દાખલો બેસે. હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ખાતરી આપી છે કે જો ભાજપ ગુજરાતની તમામ 26 સીટો પર વિજયી થશે તો આ નેતાઓને કાઢી નાખવામાં આવશે.
અત્યારે અમરેલીમાં સૌથી વધુ જુથવાદની સ્થિતિ જોવા મળી રહી છે. અમરેલીમાં વર્તમાન સાંસદ નારણ કાછડીયા અને ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડ વોર ચાલી રહી છે. હવે આ સમગ્ર મામલે ભરત સુતરીયાએ હાઇકમાન્ડને ફરિયાદ કરી છે.
નારણ કાછડિયાએ પોતાને હરાવવા માટે પ્રયત્નો કર્યા હોવાની ફરિયાદ કરી છે. નારણ કાછડિયાએ ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પ્રદેશ નેતાગીરી તેમના પર ભડકેલી છે.
બીજી તરફ જામનગર ભાજપના જ પૂર્વ નેતા હકુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ માડમે હકુભા જાડેજા સામે હાઇકમાન્ડમાં રજૂઆત કરી છે. તેમને કહ્યું છે કે, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂધ્ધ કામ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જામનગરમાં તેમને કોંગ્રેસના ઉમેદવાર સાથે મળી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું છે. હાલ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ જોવા મળતા નથી.
માણાવદરમાં ભાજપના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી છે. જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે. તેઓ હમણાં થોડા સમયથી જાહેર કાર્યક્રમોથી પણ દૂર રહે છે.