ઇરાનના કટ્ટરવાદી રાષ્ટ્રપતિ રઇસીએ બાળકો સહિત હજારો જેટલા રાજનીતિક વિરોધીઓને ફાંસી આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા: તેણે જબરદસ્તીથી લાદેલા હિજાબ કાનૂન સામે મહિલાઓએ જોરદાર વિરોધ કરેલો: અમેરિકાએ રઇસી પર લાદયો હતો બાન
ઇબ્રાહિમ રઇસીના મોતથી ભારત-ઇરાન સંબંધોનું શું થશે
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે ત્યારે ભારત અને ઇરાન વચ્ચેના સંબંધો વિશે અનેકવિધ સવાલો ઉભા થવા લાગ્યા છે. છેલ્લા કેટલાક વખતથી બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો સર્જાયા હતા. અને પખવાડિયા પૂર્વે જ ઇરાનનું ચબાહાર બંદરનું સંચાલન ભારતને સોંપવામાં આવ્યું હતું. હવે બંને દેશો વચ્ચેના સંબંધો પર કેવી અસર થાય છે તેના પર નજર રહેવાનું સ્વાભાવિક છે. ભારત સાથે ગાઢ મિત્રતા વચ્ચે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઇરાનના આ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને ‘તહેરાનના કસાઇ’ તરીકે ઓળખવામાં આવતા હતા. તેણે હજારોની સંખ્યામાં વિરોધીઓને ફાંસી અપાવી મોતને ઘાટ ઉતાર્યા હતાં.
તેમણે 2021માં એક ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું તેના રાષ્ટ્રપતિ બનવા સામે પૂરા દેશમાં વિરોધ થયો હતો. કારણ કે તેમને રૂઢિવાદી માનસિકતાના પક્ષકાર માનવામાં આવતા હતા અને રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો થયા હતા. જો કે અંતે તો રઇસીને જ વિજયી માનવામાં આવ્યા હતા. જેમાં માત્ર 62 ટકા વોટ જ નાખવામાં આવ્યા હતા. આ ઇરાનમાં ચાર દાયકાનું ઓછામાં ઓછું મતદાન હતું.
રઇસીને ઇરાનના સર્વોચ્ચ નેતા અને સૌથી શક્તિશાળી ધાર્મિક ગુરુ અલી ખોમૈનીનો રાજનીતિક સહયોગી અને તેનો સંભવિત ઉતરાધિકારી માનવામાં આવતો હતો. રઇસીએ ઇરાનના પ્રભાવને વિસ્તારવાનું કામ કર્યું હતું. આ કારણે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે જંગની હાલત ઉભી થઇ ગઇ હતી. બન્ને દેશો તરફથી મિસાઇલો પણ છોડાઇ હતી.
રઇસીના શાસનમાં હિજાબના કાયદાનો જબરદસ્તીથી અમલ કરાતા તેની સામે ઇરાનની મહિલાઓએ જોરદાર વિરોધ કર્યો હતો. જેને લઇને મહિલાઓ મહસા અભિની અને અર્મિતા ગેરાવદના મોત થયા હતા. હિજાબ કાનૂન સામે વાળ કપાવીને મહિલાઓએ વિરોધ કર્યો હતો. અમેરિકાના ટ્રેઝરી વિભાગે પણ વર્ષ 2019માં બાન મૂક્યો હતો. ખરેખર તો ઇરાનમાં રઇસીના કાર્યકાળમાં જ બાળકોને ફાંસી, મુખ્ય માનવ અધિકાર વકીલોને જેલમાં પુરી દેતાં જેને લઇને અમેરિકાએ રઇસી પર બના મુકી દીધો હતો.
વર્ષ 1988માં રાજનીતિક વિરોધીઓને ખતમ કરવા માટે ઇરાનમાં ચાર સભ્યોની કમિટિની રચના કરાઇ હતી. જેમાં રઇસી પણ સામેલ હતો. આ કમિટીને ‘ડેથ કમિટી’ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. આ સમયગાળામાં રાજનીતિક કેદીઓને ફાંસી આપવાનો સિલસિલો રહ્યો હતો. જેમાં અંદાજે 3000 જેટલા રાજનીતિક કેદીઓને ફાંસી આપવામાં આવી હતી. આ કારણે રઇસીને ‘તહેરાનનો કસાઇ’ કહેવામાં આવતો હતો. 63 વર્ષીય રઇસી ધાર્મિક વિદ્વાન હતો, તેણે ઇરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ સરકારમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. રઇસીએ ત્યારે દેશની રાજાશાહીને ઉખાડીને શરિયા કાનૂન આધારિત એક નવી રાજનીતિ વ્યવસ્થા સ્થાપિત કરી હતી.



