60.48 ટકા મતદાન થયાનો ચૂંટણી પંચનો રીપોર્ટ 2019 કરતા પણ ઓછુ કોને ફાયદો કોને નુકશાન ગણીત મંડાવા લાગ્યા ,
પાંચમાં તબકકામાં અત્યાર સુધીનું સૌથી ઓછુ મતદાન નેતાઓની ઉંઘહરામ ,
લોકસભા ચૂંટણીનાં પાંચમા તબકકામાં મતદાન ફરી ફસકી ગયુ હોય તેમ મધરાતના છેલ્લા આંકડા પ્રમાણે 60.09 ટકા નોંધાયુ હતું જેને પગલે રાજકીય પક્ષોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાંચમા તબકકાની ચૂંટણી ‘ગેમ ચેન્જર’ગણાતી હતી. કારણ કે તેમાં સામેલ 49 માંથી 40 બેઠકો પર ભાજપ-એનડીએનો કબ્જો હતો કોંગ્રેસ પાસે માત્ર એક સીટ હતી.
દેશના આઠ રાજય કેન્દ્ર શાસીત પ્રદેશોમાં સોમવારે 49 બેઠકો પર મતદાન યોજાયુ હતું. ચૂંટણી પંચ દ્વારા મધરાતે જારી કરેલા આંકડા મુજબ 60.09 ટકા મતદાન હતું તેમાં સૌથી વધુ 74.65 ટકા પશ્ર્ચિમ બંગાળમાં નોંધાયુ હતું. જયારે સૌથી ઓછુ 54.29 ટકા મહારાષ્ટ્રમાં હતું. આ સિવાય બિહારની પાંચ બેઠકોમાં સરેરાશ 54.85 ટકા,કાશ્મીરની એક બેઠક પર 56.73 ટકા, ઝારખંડની ત્રણ બેઠકો પર 63.07 ટકા, લદાખ સીટ પર 69.62 ટકા, ઓડીશાની પાંચ બેઠકો પર 67.59 ટકા, ઉતર પ્રદેશની 14 બેઠકો પર 17.79 ટકા સરેરાશ મતદાન હતું. મહારાષ્ટ્રમાં 13 તથા પશ્ર્ચિમ બંગાળમાં 13 બેઠકો પર ચૂંટણી થઈ હતી.
લોકસભા ચૂંટણીના પ્રથમ ચાર તબકકામાં સરેરાશ ઓછી ટકાવારી રહી હોવાને કારણે પાંચમા તબકકામાં મતદાન વધારવા માટે ભાજપ સહીતનાં રાજકીય પક્ષોએ ઘણી મહેનત કરી છતાં પ્રથમ ચાર તબકકા કરતા પણ પાંચમાં તબકકાનું મતદાન ઓછુ રહ્યું છે.પ્રથમ તબકકામાં 66.14, બીજા તબકકામાં 66.71, ત્રીજા તબકકામાં 65.68 તથા ચોથા તબકકામાં 69.16 ટકા મતદાન થયુ હતું.
હવે પાંચમા તબકકામાં સરેરાશ 60.48 ટકા મતદાન થયુ છે.2019 માં આ બેઠકો પર 62.01 ટકા મતદાન થયુ હતું. જોકે, હજુ મતદાનનાં આંકડા અપડેટ થતા રહે તેમ હોવાથી ફાઈનલ આંકડામાં વૃધ્ધિ રહી શકે છે.
પાંચમો તબકકો ભાજપ માટે ઘણો મહત્વનો હતો કારણ કે 49 માંથી 40 બેઠકો 2019 માં એનડીએ હવે જીતી હ0તી. આ બેઠકો જાળવી રાખવાનો પડકાર હતો.જયારે વિરોધ પક્ષ માટે તે ગેમ ચેન્જર બની રહેવાનું ગણવામાં આવતુ હતું. કારણ કે ભાજપનું પ્રભુત્વ તોડવા તથા ગાબડુ પાડવાનો મોકો હોવાનું ગણવામાં આવતુ હતું.
આઠ રાજય-કેન્દ્ર શાસીત પ્રદેશોમાં મતદાન હતું. મોટાભાગે તે 2019 ની સરખામણીએ ઓછુ જ હતું. એકમાત્ર કાશ્મીરનાં બારામુલ્લામાં રેકોર્ડબ્રેક અને ઐતિહાસીક મતદાન થયુ હતું.કાશ્મીરની આ બેઠક પર 69.62 ટકા મતદાનનો અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ પૂર્વે સૌથી વધુ 58.90 ટકા મતદાન 1984 માં નોંધાયુ હતું.
પાંચમા તબકકાની ચૂંટણીમાં પણ ઓછા મતદાનને કારણે રાજકીય પક્ષો તથા નિષ્ણાંતોમાં અનેકવિધ તર્ક વિતર્કો વ્યકત થવા લાગ્યા છે. ભાજપ તથા એનડીએનાં નેતાઆ મહતમ બેઠકો મળ્યાનો દાવો કરી જ રહ્યા છે. જયારે વિપક્ષો મોટુ ગાબડુ પાડવાનો નિર્દેશ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીનાં હવે માત્ર બે તબકકા બાકી રહ્યા છે અને ત્યારબાદ 4થી જુને મત ગણતરી સાથે પરીણામો જાહેર થનાર છે. રાજકીય વિશ્ર્લેષણોનાં આધારે હવે નેતાઓ બાકીનાં બે તબકકામાં પ્રચારનું કાર્પેટ બોમ્બીંગ કરી શકે છે.



