સાતના સસ્પેન્શન બાદ કોર્પોરેશન-પોલીસના વધુ સીનીયર અધિકારીઓ સામે તોળાતા પગલા ,
ગેમીંગ ઝોન સહિતના ક્ષેત્રો માટે અત્યંત કડક કાયદા સાથેનો વટહુકમ જારી થવાના પણ નિર્દેશ

રાજકોટમાં સરકારી તંત્રની બેદરકારી-લાપરવાહીને કારણે કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડથી સર્જાયેલા મોતના તાંડવે માત્ર શહેરમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યુ છે ત્યારે રાજય સરકાર હવે કોઈ મોટા અને અત્યંત ગંભીર એકશનમાં લેવાની તૈયારીમાં હોવાના નિર્દેશ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ગંભીર ચર્ચાનો દોર છે. ગેમઝોન જેવા ક્ષેત્ર માટે કડક કાયદા સાથેનો વટહુકમ બહાર પડવાની સંભાવના છે. સાત અધિકારીઓ ઉપરાંત અમુક સીનીયર અધિકારીઓ પણ ઝપટમાં ચડવાના એંધાણ છે.
આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટા એકશનના મિજાજ સાથે પાટનગર ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યા છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસવડા સાથે બેઠક કરી હતી. ઉપરાંત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પણ ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી તેમાં મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અગ્નિકાંડ મામલે બેદરકારી દાખવનારા કોર્પોરેશન, પોલીસ, ફાયરબ્રિગેડ તથા માર્ગમકાન વિભાગના સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જ છે હવે તેનાથી પણ સીનીયર અધિકારીઓ સામે એકશનની વિચારણા છે. પોલીસ તથા કોર્પોરેશન તંત્રની લાપરવાહી સાબીત થઈ રહી છે ત્યારે બન્ને વિભાગના ટોચના સીનીયર અધિકારીઓ સામે પગલા તોળાય રહ્યા છે. જો કે, તેઓ સામેના એકશન બદલીના હોઈ શકે છે.
ગાંધીનગર ખાતેથી સરકારના સીનીયર સુત્રોએ એવી પણ માહિતી આપી છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોમાં મનોરંજન-શિક્ષણના જાહેર સ્થળોએ અર્ધોડઝનથી વધુ દુર્ઘટનાઓ થઈ છે અને તેમાં 200થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે ત્યારે આ પ્રકારના સ્થળો માટે ખાસ કાયદા માટેનો વટહુકમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને સાંજ સુધીમાં જ તે જાહેર થઈ શકે છે.
રાજકોટના અગ્નિકાંડે આખી રાજય સરકારને હચમચાવી નાખી જ છે અને લોક આક્રોશ કરવા માટે નિર્ણાયક કદમ ઉઠાવવા સિવાય હવે કોઈ વિકલ્પ રહ્યો ન હોવાની ચર્ચા છે અને તેના ભાગરૂપે જ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના ગેમઝોનમાં શનિવારે લાગેલી આગમાં 27 લોકો જીવતા ભડથુ થઈ ગયા છે અને તેના મૃતદેહો પણ ઓળખી શકાય તેવી સ્થિતિમાં રહ્યા નથી. ફાયર એનઓસી સહિતના નિયમોનો ઉઘાડો ભંગ હોવાનું જાહેર થયુ છે. ઉપરાંત પેટ્રોલ સહિતના અત્યંત જવલનશીલ પદાર્થો-વસ્તુઓ હોવાનું બહાર આવ્યુ હતું. ભારે ઉહાપોહ વચ્ચે સરકારે આજે ધડાધડ 7 અધિકારીઓના સસ્પેન્શનના હુકમો જારી કર્યા હતા.