કમિશ્નર આનંદ પટેલના હુકમમાં ગંભીર બેજવાબદારીનો ઉલ્લેખ ફાયરની ટીમે કયારેય ચેકીંગ ન કર્યુ ટાઉન પ્લાનીંગ વિભાગે સ્ટ્રકચર સામે કોઇ પગલા ન લીધા
ફાયર-ટીપીના અધિકારીઓએ આંખ પર પાટા બાંધી રાખ્યા ઘોર બેદરકારી બદલ સસ્પેન્ડ ,

શહેરના નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડના પગલે હવે મુખ્ય જવાબદારી મહાપાલિકા અને પોલીસ તંત્ર પર આવી રહી છે. તેવામાં સીટની તપાસ વચ્ચે મનપાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા મનપામાં સોંપો પડી ગયો છે. આ હુકમ સાથે કમિશ્નર આનંદ પટેલે ત્રણે અધિકારીઓએ ફરજમાં ગંભીર બેદરકારી દાખવ્યાની નોંધ કરી છે.
ફાયર શાખાના અધિકારીના વિસ્તારમાં આ જોખમી મનોરંજન સ્થળ હતું તો વોર્ડ નં.10 જે અધિકારીમાં આવતો હતો તે એટીપી અને એન્જીનીયરને પણ બેજવાબદારી બદલ સજા આપવામાં આવી છે.
કમિશ્નરે કરેલા હુકમમાં જણાવ્યું છે કે મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખામાં કાલાવડ રોડ પર સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા રોહિત વિગોરાને સુપરવિઝન તથા ફાયર એનઓસી અંતર્ગત સ્થળ તપાસ અંગેની જવાબદારી સોંપવામાં આવેલ છે.
વોર્ડ નં.10માં નાના મવા રોડ પર સયાજી હોટલ પાસે આવેલ ટીઆરપી મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં તા.રપના રોજ આગ લાગતા મોટા પ્રમાણમાં જાનહાની થઇ છે. નાના મવા ગામના સર્વે નં. 49, ટીપી સ્કીમ નં. 20, પ્લોટ નં.2 માં ટીઆરપી મોલ ખાતે બનવવામાં આવેલ સ્ટ્રકચર અંગે ગેમીંગ ઝોન દ્વારા ફાયર એનઓસી લેવામાં આવ્યું નથી. લાંબા સમયથી આ સ્ટ્રકચર હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા સ્ટેશન ઓફિસરની બેદરકારી સ્પષ્ટ જણાય છે. આ પ્રકારની ગેરજવાબદારી કોઇ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. આથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે.
ટીપી શાખાના એટીપીના સસ્પેન્ડ હુકમમાં કમિશ્નરે જણાવ્યું છે કે વોર્ડ નં.10 અને 12ની જવાબદારી આસી. ટાઉન પ્લાનર ગૌતમ જોશીની છે. આ વિસ્તારમાં બનતા બાંધકામ અન્વયેની વિકાસ પરવાનગી તથા ભોગવટા પરવાનગી આપવાની અને અનઅધિકૃત બાંધકામો પર નિયંત્રણ રાખવાની કાર્યવાહી, ટીપી સ્કીમ, ગૃડા વગેરેની કામગીરી તેમના હસ્તક છે. વોર્ડ નં.10ના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ગંભીર ઘટના બની છે.
અહીં બનાવવામાં આવેલા સ્ટ્રકચરની મંજૂરી ટાઉન પ્લાનીંગ શાખામાંથી લેવામાં આવી નથી. આ સ્ટ્રકચર સામે કોઇ કાર્યવાહી થઇ નથી. આથી તેમની બેદરકારી ગણીને કમિશ્નરે એટીપીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે.
ટીપી શાખાના આસી.એન્જીનીયર જયદીપ ચૌધરીને વોર્ડ નં.10માં બનાવવામાં આવતા બાંધકામ, સ્ટ્રકચર અંતર્ગતની વિકાસ પરવાનગીઓ, ભોગવટા પરવાનગી આપવા, અનઅધિકૃત બાંધકામો પર નિયંત્રણ રાખવાની ટીપી શાખા હસ્તકની કામગીરી સોંપવામાં આવેલ છે.
આ મંજૂરી વગરના બાંધકામ અંગે ઇજનેર કક્ષાએ પણ કોઇ ચકાસણી કે પગલાની કાર્યવાહી થઇ ન હોય, સ્પષ્ટ બેદરકારી દેખાય છે. આ ગેરજવાબદારી બદલ તેઓને ફરજ પરથી તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. આમ મનપામાં શરૂ થયેલા સસ્પેન્સના હુકમોથી કર્મચારી અને અધિકારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે અને હવે કોનો વારો આવશે તેની ચર્ચા ગંભીર બની ગઇ છે.
રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાએ તકેદારીના ભાગરૂપે ફાયર સેફટી માટે પૂરા શહેરમાં જનજાગૃતિની નમુનારૂપ કામગીરી કરી છે. પરંતુ ટીઆરપી ગેમ ઝોન જેવી જગ્યાએ આવી કોઇ મોકડ્રીલ કરવામાં આવી નહીં હોવાનું બહાર આવ્યું છે. આ સહિતની બેદરકારીના કારણે પણ ફાયર શાખા પર ગાજ વરસી છે.
રાજકોટ સહિતના શહેરોમાં આગ દુર્ઘટના બાદ કોરોના સમયથી રાજય સરકાર અને હાઇકોર્ટના આદેશથી શહેરની લગભગ તમામ સોસાયટી અને વોર્ડમાં ફાયર શાખા કોઇ બ્રેક લીધા વગર નિયમિતપણે ફાયર સેફટી માટે મોકડ્રીલ કરે છે. શહેરની લગભગ તમામ હોસ્પિટલ, મોલ, સોસાયટી, નાના મોટા એપાર્ટમેન્ટમાં લોકોને અને સ્ટાફને સલામતીના પગલા માટે તાલીમ આપી છે. હવે શનિવારે જયાં આ ઘટના બની તે ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો તો હતા, બનાવના બે દિવસ પહેલા કંપનીના ફાયરના કર્મચારીઓ ફીટીંગ પણ કરતા હતા. પરંતુ મનપામાં આ ઝોન અંગે કોઇ નોંધ ન હોય, અહીં ફાયર મોકડ્રીલ કયારેય કરાઇ નથી.
વધુમાં આવા જે સ્થળો ફાયર એનઓસી લેતા નથી તે તપાસમાં બહાર આવે ત્યારે પગલા લેવામાં આવે છે. પરંતુ જયાં સર્ટીફીકેટ ઇસ્યુ થયું ન હોય ત્યાં તંત્ર કોઇ રેકોર્ડ ન હોવાથી મોકડ્રીલ માટે જતું નથી. આથી આવા ઘણા જાહેર અને જોખમી સ્થળો મોકડ્રીલમાંથી બાકાત રહી જાય છે. ફાયર શાખાએ છેલ્લા સમયમાં જુદી જુદી સોસાયટીમાં અને હોસ્પિટલ, શાળા જેવા સ્થળે બે લાખથી વધુ લોકોને ફાયર સેફટીની તાલીમ આપી છે પરંતુ આ સ્થળો શોધીને મોકડ્રીલ નહીં તો નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવાની જરૂર હોવાનો મત છે.