વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાએ પણ રાજકોટ આવી ડીસીપી ઝોન 2 તરીકે ચાર્જ સંભાળી તપાસ શરૂ કરી
સીપી ઝાએ જે જે પરિજનોના ડીએનએ સેમ્પલ નથી આવ્યા તેમને સાંત્વના આપી જેટલું બને એટલું ઝડપથી રિપોર્ટ આવે તે માટે કામ થઈ રહ્યું હોવાની જાણ કરી

ચાર્જ સંભાળતા જ સીપી કામગીરીમાં લાગી ગયા, ગાંધીનગર VC કરી, સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી : સિવિલમાં સ્વજનોને મળ્યા ,
ટીઆરપી આગ દુર્ઘટના બાદ બદલી પામી રાજકોટ મુકાયેલા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ગત સાંજે બદલીનો ઓર્ડર થયા પછી તુરંત જ રાજકોટ આવી પહોંચ્યા હતા. તેઓએ તુરંત જ રાજકોટ પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળી લીધો હતો. ચાર્જ સંભાળતા જ તેઓ કામગીરીમાં લાગી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, સવારમાં જ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સ્થિતિની સમીક્ષા કરી સાથે ગાંધીનગર ખાતે ડીજીપી સહિતના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હાલ શું ચિત્ર છે અને આગળ શું શું કામગીરી હાથ ધરવાની છે તે માહિતી આપી પોતે ચાર્જ સંભાળી લીધો હોવાની જાણ કરી હતી.
આ પછી તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલમાં સ્વજનોને મળ્યા પહોંચ્યા હતા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા પડ્યા બાદ સરકારે સસ્પેન્ડ અને બદલીના ધડાધડ નિર્ણય લીધા છે. સવારે રાજકોટ તાલુકા પોલીસના તત્કાલીન પીઆઈ અને હાલ રીડર શાખાના પીઆઈ વી.આર. પટેલ અને તત્કાલીન લાયસન્સ શાખાના પીઆઈ અને હાલ યુનિવર્સિટી પીઆઈ એન. આઈ. રાઠોડને સસ્પેન્ડ કરી દેવાઈ.
ગઈકાલે સાંજે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈની બદલી કરી દેવાઈ હતી. ત્રણેયને પોસ્ટિંગની રાહમાં મૂકી દેવાયા હતા. આ સાથે જ અમદાવાદ શહેર સેક્ટર 2ના સ્પેશ્યલ સીપી બ્રજેશકુમાર ઝાને રાજકોટ પોલીસ કમિશનર તરીકે મૂકી દેવાયા, કચ્છ ભુજના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બગરીયાને રાજકોટ શહેર અધિક પોલીસ કમિશનર અને વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાને રાજકોટ શહેર ડીસીપી ઝોન – 2 તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આજે ચાર્જ સંભાળતા જ પોલીસ કમિશનર ઝા સવારે પોતાની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેઓ પ્રથમ પત્રકારોને મળ્યા હતા. પણ હાલ કોઈ પ્રશ્નોત્તરી થઈ નહોતી. તેઓ ડિસીપી ઝોન 1 સજનસિંહ પરમાર, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલને મળ્યા હતા. કેસની અને તપાસની સ્થિતિ જાણી હતી. ક્રાઈમ બ્રાંચ એસીપી પીઆઈને મળ્યા હતા. જાણકારી મેળવી હતી. આ તરફ સિવિલ હોસ્પિટલમાં સ્વજનોનો રોષ આસમાને છે.
કેટલાંય મૃતદેહના ડીએનએ રિપોર્ટ આવ્યા નથી તેના સ્વજનો આક્રોશ કરી રહ્યા છે. અહીં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ અધિકારીઓએ સ્વજનોને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બેસવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી. આ પછી સીપી ઝા, કલેકટર પ્રભવ જોશી, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી, ડીસીપી ઝોન 2 જગદીશ બંગરવા સ્વજનોને મળ્યા હતા. સાંત્વના આપી હતી. 27માંથી 17 ડીએનએ ટેસ્ટના રિપોર્ટ આવી ગયા છે. બાકીના પણ ઝડપથી આવી જશે તેમ જાણકારી સ્વજનોને આપી હતી. સ્વજનોની વેદના સાંભળી હતી. ઝડપથી મૃતદેહ સોંપવા કામગીરી થાય તેવા પોલીસ પ્રયત્નો કરી રહી હોવાની જાણ સ્વજનોને કરાઈ હતી.
રાજકોટ શહેરના નવ નિયુકત પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા તાબડતોબ મોડીરાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા અને વહેલી સવારમાં જ સીપી કચેરીએ ચાર્જ સંભાળી લીધો હતો. ઉપરાંત ડીસીપી જગદીશ બાંગરવાએ પણ પોતાનો ચાર્જ વહેલી સવારે જ સંભાળી લીધા બાદ ટીઆરપી ગેમઝોન આગકાંડની તપાસ હાથ પર લીધી હતી.