પૂરા શહેરમાં ચેકીંગ શરૂ ફાયર NOC-BU વગરના બિલ્ડીંગ સીલ કરવા કમિશ્નરનો હુકમ ,
તમામ 18 વોર્ડ માટે અધિકારીઓની ટીમ બનાવી દેતા મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇ મંજૂરી અને પ્રમાણપત્ર વગરના સ્થળોએ વીજ કનેકશન પણ કાપી નાખવા સૂચના

રાજકોટના નાના મવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં ર8 જિંદગી ભસ્મ થઇ ગઇ છે. આ ઘટના બાદ અન્ય અધિકારીઓ સાથે મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની પણ બદલી થતા તેમની જગ્યાએ ગઇકાલે ચાર્જ સંભાળી લેનારા નવનિયુકત કમિશ્નર દેવાંગ દેસાઇએ ગત સાંજે જ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ બાદ આજે તમામ અધિકારીઓની બેઠક કરી પૂરા રાજકોટની કોમર્શિયલ મિલ્કતો, જાહેર સ્થળો, જયાં વધુ લોકો એકત્ર થતા હોય તેવી જગ્યાઓ (એસેમ્બલી)ના સ્થળે આજથી જ ફાયર સેફટી ચેકીંગ શરૂ કરાવી દીધું છે.
આજે કમિશ્નરે કહ્યું હતું કે તમામ 18 વોર્ડમાં લાગુ વિભાગના અધિકારીઓની કમીટી બનાવવામાં આવી છે. 10 દિવસ સુધી પૂરા રાજકોટમાં ફાયર સેફટી અંગેનું ચેકીંગ ચાલશે. તે બાદ સર્વગ્રાહી પગલા જાહેર કરવામાં આવશે. જે જગ્યાએ નિયમ મુજબ એનઓસી કે બિલ્ડીંગ યુઝ પરમીશન ન હોય તે બિલ્ડીંગ સીલ કરીને વીજ જોડાણ પણ કાપી નાંખવામાં આવશે તેવું જાહેર કર્યુ છે. હાલ વેકેશનનો સમય હોય, ફરવાના સ્થળે ભીડ રહે છે. આવા જાહેર સ્થળો, થીયેટર, મોલ જેવી જગ્યાએ પહેલા ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં મોટી સંખ્યામાં જનતા એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે.
મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, ઝૂંબેશના રૂપમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કુલ કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન.ઓ.સી. અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે.
આ કામગીરી ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ-2013 અને તે હેઠળ નિયમો-2014 તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-2023 તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ-1976 મુજબ કરવામાં આવનાર છે. નિયમ પ્રમાણેની ફાયર એનઓસી અને બીયુ પરમીશન ના ધરાવતી બિલ્ડીંગોની વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવામાં આવશે.
આજે મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વોર્ડ કમિટીના સભ્યોની બેઠકમાં નાયબ કમિશનરો સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી અને હર્ષદ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, તમામ વોર્ડ ઓફિસર, આસી. એન્જિનિયર, એ.એ.ઈ., ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કમિશ્નરે વધુમાં ઉમેર્યું હતું કે, હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે .કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ
થાય છે.