અગ્નિકાંડમાં નવો ખુલાસો TRP ગેમઝોનમાં 7 માસ પૂર્વે પણ ‘વેલ્ડીંગ’ને કારણે આગ ભભૂકી હતી ,
9 સપ્ટેમ્બર-2023ના રોજ વેલ્ડીંગ વખતે થર્મોકોલ શીટમાં તણખો પડતા આગ લાગી હતી: મવડી ફાયર બ્રિગેડે બુઝાવી હતી

કાલાવાડ રોડ પર કાયદાનો ઉલાળીયો કરીને ચાલતા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડમાં 27 લોકોનો ભોગ લેવાતા સર્જાયેલા ખળભળાટ વચ્ચે નવા-નવા ખુલાસા થવા લાગ્યા છે. સાત માસ પૂર્વે પણ આ ગેમઝોનમાં આગ લાગી હતી અને તે વખતે પણ વેલ્ડીંગથી જ ભડકો થયો હતો. આ ઘટનાની ફાઇલો-માહિતી સાથે તપાસનીશ પોલીસ દ્વારા ફાયરબ્રિગેડના સ્ટાફને તેડાવવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પણ નવા ઘટ્ટસ્ફોટ થવાનું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત શનિવારે 27 લોકોનો ભોગ લેનારા ભયાનક અગ્નિકાંડ પૂર્વે 4-9-2023ના રોજ પણ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી. સાત માસ પૂર્વેની આગની તપાસ વખતે પણ કારણ વેલ્ડીંગનું જ બહાર આવ્યું હતું. ગેમઝોનમાં વેલ્ડીંગ કામગીરી વખતે તણખલા ત્યાં પડેલી થર્મોકોલની શીટ પર પડ્યા હતા અને આગ ભભૂકી ઉઠી હતી. મવડી ફાયર સ્ટેશનને કોલ મળતા સ્ટાફ ધસી ગયો હતો અને આગ બુઝાવી નાખી હતી. આ ઘટનાના કાયદેસરના કાગળો પણ કરવામાં આવ્યા હતાં.
આ ઘટના વિશે પોલીસને માહિતી ધ્યાને આવી હતી અને તપાસમાં તથ્ય ખુલતા તપાસનીશ ક્રાઇમ બ્રાંચ દ્વારા મવડી ફાયર સ્ટેશનના ત્રણ કર્મચારીઓને ઘટના વખતના રેકર્ડ સાથે તેડાવવામાં આવ્યા હતાં.
મહત્વની વાત એ છે કે સાત માસ પૂર્વે ફાયરબ્રિગેડે આગ બુઝાવી હોવા છતાં તેની પાસે ફાયરના સાધનો હતા કે કેમ? તથા ફાયર એનઓસી વિશે તપાસની કોઇ તસ્દી લેવામાં આવી જ ન હતી. બધુ લોલંલોલ જ ચાલ્યું હતું. હવે ક્રાઇમ બ્રાંચે રેકર્ડ ચકાસવાનું શરૂ કર્યું છે અને તે સમગ્ર અગ્નિકાંડની ઘટનામાં મહત્વનો પુરાવો બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં ફાયરબ્રિગેડ સહિત વિવિધ સરકારી વિભાગોની બેદરકારી-લાપરવાહી ખુલી રહી છે. હવે તેના પુરાવા પણ હાથ લાગવા માંડ્યા છે.
રાજકોટના કાલાવાડ રોડ પર સ્થિત ટીઆરપી ગેમઝોનમાં ભયાનક અગ્નિકાંડ સર્જાયો હતો અને તેમાં 27 લોકો સળગીને ભડથુ થઇ જતાં સમગ્ર રાજ્યમાં જનાક્રોશ સાથે તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે હવે અગ્નિકાંડ પૂર્વેનો ગેમઝોનનો વીડીયો વાઇરલ થયો છે.
ગેમઝોનમાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યાનું અને તેની નજીકમાં જ કોરુગેટેડ બોક્સ તથા થર્મોકોલ્સની સીટ જોવા મળી રહ્યા છે. ઉપરાંત પ્રથમ માળે જવા માટેની એક માત્ર ચાર-પાંચ ફુટની લોખંડની સીડી પણ દેખાઇ રહી છે. આ સિવાય જુદી-જુદી ગેમ રમવા માટેના સ્ટ્રક્ચર પણ જોવા મળી રહ્યા છે. અગ્નિકાંડ બાદ આ આખો ગેમઝોન રાખ થઇ ગયો છે અને હવે તેના હાડપીંજર જેવો કાટમાળ પણ દુર્ઘટના સ્થળે રહ્યો નથી.
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ મામલે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે સાત માસ પૂર્વે પણ ગેમઝોનમાં આગ લાગી હતી તે ઠારવા ફાયર વિભાગ પણ ગયું હતું. ત્યાર પછી પણ કાયદા-નિયમો વિશે કોઇ ચકાસણીની દરકાર કરવામાં આવી ન હતી. સંચાલકો દ્વારા પણ તેમાંથી કોઇ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો અને સમગ્ર બનાવને તેઓએ હળવાશથી લીધી હતી. સાત માસ પૂર્વેના બનાવ વખતે જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી હોત તો સમગ્ર ગુજરાતને હચમચાવનારી દુર્ઘટના અટકી શકી હોત.
ટીઆરપી ગેમઝોનના સંચાલક કિરીટસિંહ જાડેજાને રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવ્યા ત્યારે પોલીસે જ આ ખુલાસો કર્યો હતો. એડીશ્નલ સીવીલ જજ બી.પી. ઠાકરે કિરીટસિંહ જાડેજાને આઠ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા તે અત્રે ઉલ્લેખનીય છે.
અગ્નિકાંડના તપાસનીશ અધિકારી ભરત બસીયાએ જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ દરમ્યાન ટીઆરપી ગેમઝોનમાં સપ્ટેમ્બર-2023માં પણ નાનકડી આગ લાગ્યાનું માલુમ પડ્યું હતું અને તેના આધારે તે વખતના કોલ રેકર્ડ સહિતની માહિતી મંગાવવામાં આવી છે.
અગ્નિકાંડમાં પકડાયેલા કિરીટસિંહ જાડેજા જમીનમાં ભાગીદાર છે. તેમના ભાઇ અશોકસિંહ સાથે જ ભાગીદારી છે. અશોકસિંહ ફરાર છે અને આગોતરા જામીન માટે અરજી કરી છે.
પોલીસે અદાલતને એમ પણ કહ્યું હતું કે જાડેજા અગાઉની આગ વિશે કોઇ માહિતી આપતા નથી.
આ તકે ખાસ સરકારી વકીલ તુષાર ગોકાણીએ પણ એમ કહ્યું હતું કે ગેમઝોનના આરોપીઓ તમામ જવાબદારી અને દોષના ટોપલા અન્ય ભાગીદાર પ્રકાશ હિરન પર નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ખૂદ આગમાં મોતને ભેટ્યા છે. જાડેજા તપાસમાં સહકાર આપતા નથી અને અનેક સવાલોના જવાબ અનુતર છે.
ટીઆરપી ગેમઝોનનું સંચાલન રેસ એન્ટરપ્રાઇઝ નામની પેઢી મારફત થતું હતું અને તેમાં જાડેજા ભાગીદાર હતા. ભાગીદારી કરારમાં પણ તેમની સહી છે. આ સિવાય ધવલ કોર્પોરેશન નામની પેઢી પણ સમાન સંકુલમાં સંચાલન ચલાવતી હતી. આ પેઢીના ધવલ ઠક્કરની પણ પોલીસે ધરપકડ કરી જ છે.
ગેમઝોન લાવવા માટે જરૂરી મંજુરીઓ ક્યાંથી અને કેવી રીતે મેળવી તે તપાસવાનું છે. બાંધકામ ક્યારે કરાયું અને ડેવલપમેન્ટ પ્લાન કોણે મંજુર કર્યો હતો. બાંધકામમાં કઇ સામગ્રીનો ઉપયોગ થયો હતો સહિતના મુદા તપાસવા રીમાંડ માંગવામાં આવ્યા હતાં.