મતદાન બાદ મોદી સરકારને ઉલળી ઉલળીને 400 સુધી બેઠક આપનારાના ફિકસીંગ જેવા સર્વે ઉઘાડા પડયા ,
એકઝિટપોલની ‘પોલ’ ખોલી નાખતા મતદારો : ‘ચાણકયો’ નાપાસ
દેશમાં લોકસભાની યોજાયેલી ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે પરંતુ આટલા વર્ષોના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિણામના એકઝીટ પોલ ઉંધા માથે પડયા છે. એક પણ ન્યુઝ ચેનલ કે એજન્સીના સર્વે સચોટ સાબિત થયા નથી. તેના પરથી દેશની જનતા અને મતદારોનો અસલી મિજાજ પારખવા માટે આ એજન્સીઓ કયા પ્રભાવ હેઠળ આવી જતી હશે તે પણ સવાલ ઉઠયો છે.
જુદી જુદી એજન્સીએ એનડીએ સરકારને તો 400 સીટ પણ આપી દીધી હતી તો વિરોધ પક્ષ કોંગ્રેસ સહિતના ‘ઇન્ડિયા’ ગઠબંધનને કોઇએ પોણા બસ્સો બેઠક પણ આપી ન હતી. વિપક્ષની બેઠકો પણ અઢીસો નજીક પહોંચી જતા આવા સર્વે પરની વિશ્વસનીયતા ડગી ગઇ છે. ચૂંટણીના ચાણકયો મોઢુ દેખાડવા જેવા રહ્યા નથી.
તા.1ના રોજ લોકસભાની ચૂંટણીમાં છેલ્લા તબકકાનું મતદાન થયું હતું. આ બાદ સાંજે 6.30 વાગ્યાથી જુદી જુદી ચેનલો અને એજન્સીઓએ દેશમાં તોતીંગ બહુમતી સાથે ફરી મોદી સરકાર બેસશે તેવી આગાહી આંકડા સાથે શરૂ કરી દીધી હતી.
આ વખતે એનડીએ બેઠકનો રેકોર્ડ તોડશે તેવું પણ બરાડા પાડીને ટીવીમાં કહેવા લાગ્યા હતા. ભાજપ સરકારના પ્રભાવમાં આ એજન્સીઓ ડૂબી ગઇ હોય તેવું લોકોને લાગતુ હતું અને અમુક વખતે તો ભાજપનું સુત્ર ‘400 કે પાર’ બોલતા હોય તેવું લાગતું હતું.
એજન્સીઓએ કરેલી આગાહી પર નજર કરીએ તો ઇન્ડિયા ટુડે અને એકસીસ માય ઇન્ડિયાએ એનડીએને 401 સુધી અને ઇન્ડિયા ગઠબંધનને 166 સુધી બેઠક આપી હતી. ઇન્ડિયા ન્યુઝ અને ડી ડાયનેમીકસે એનડીએને 371 અને ઇન્ડિયાને માત્ર 125 બેઠકની આગાહી કરી હતી. ન્યુઝ 24 અને ટુડેસ ચાણકયએ મોદીને પૂરેપૂરી ભાજપના સુત્રો જેટલી 400 બેઠક આપી દીધી હતી. તો ઇન્ડિયાને 107 પર રોકી દીધી હતી.
જન કી બાત દ્વારા એનડીએને 39ર સુધી અને ઇન્ડિયાને 161 સુધી બેઠકો આપવામાં આવી હતી. ન્યુઝ નેશને એનડીએને 378, ઇન્ડિયાને 169, રીપબ્લીક ભારત અને મેટ્રીઝે અનુક્રમે 368 અને ઇન્ડિયાને 133 સુધી બેઠક આપી હતી. અલગ અલગ એજન્સીએ અન્ય પક્ષોને 8 થી 48 સુધીનો ફીગર આપ્યો હતો. પરંતુ એક પણ એજન્સીનો કોઇ અંદાજ સચોટ સાબિત થયો નથી.
ચૂંટણી જેવા પ્રસંગોએ ટીવી ચેનલો અને એજન્સીઓ કઇ રીતે સર્વે કરતી હશે તેનો ખ્યાલ આવ્યો છે કારણ કે ઇતિહાસમાં પહેલી વખત સૌપ્રથમ વખત તમામના અંદાજ ખોટા ઠર્યા છે. એક એજન્સી દૈનિક ભાસ્કરે એનડીએને 281થી 350 અને ઇન્ડિયાને 145 થી 201 બેઠક આપી હતી. જોકે તેમાં પણ મોટો ગેપ દેખાયો હતો.
જયાં લાખોની સંખ્યામાં મતદારોએ વોટ આપ્યા હોય ત્યાં પાંચ-દસ હજારનો સર્વે કરીને, બાદમાં ઓફિસમાં બેસીને આંકડાને રંગરૂપ આપી દેવાતા હોવાનું જાણકારોને લાગ્યું છે. એકંદરે મતદારોથી ઉપર કોઇ નથી તેવું આગાહીકારોને પણ લાગી ગયું છે!



