કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત-દેશની જનતાનો નતમસ્તક થઈ આભાર માનતા જણાવ્યું છે કે, ભારતીય જનતા પાટી ચૂંટણી પરિણામ પહેલાના ‘એકઝીટ’ પોલને ‘એકઝેટ’ પોલ સમજીને વર્ત્યો અને અબકી બાર 400 પાર અને પાંચ લાખની લીડના અહંકારે ભાજપને હરાવ્યો છે.
કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા- કાર્યકરોએ જાતે ખર્ચ કર્યો: ભાજપને 400 પારના અહંકારે હરાવ્યો: ગોહિલ
લોકસભાની ચૂંટણી પરિણામમાં ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના વિજયને આવકારતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત-દેશની જનતાનો નતમસ્તક થઈ આભાર માનતા જણાવ્યું છે કે, ભારતીય જનતા પાટી ચૂંટણી પરિણામ પહેલાના ‘એકઝીટ’ પોલને ‘એકઝેટ’ પોલ સમજીને વર્ત્યો અને અબકી બાર 400 પાર અને પાંચ લાખની લીડના અહંકારે ભાજપને હરાવ્યો છે.
ચૂંટણી પરિણામ અંગે કોંગ્રેસ પ્રમુખ ગોહિલે જણાવ્યું હતું કે, મતદાતાઓએ નકકી કર્યું છે કે, લોકતંત્રમાં નાગરિકો જ મહત્વના હોય છે. કોઈપણ વ્યક્તિ વડાપ્રધાન હોય તો પણ ચૂંટણીમાં તેઓ સામાન્ય ઉમેદવાર જ હોય છે. તેમણે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળ્યું ન હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, ચૂંટણીમાં કોંગ્રેસના 11 બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા.
આમ છતાં કોંગ્રેસ લોકોના સમર્થનથી ચૂંટણી લડી. ગુજરાત અને દેશની જનતાને સલામ છે. કોંગ્રેસના કાર્યકરોએ પાછીપાની ન કરીને ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ખર્ચ કર્યો.
ગેનીબેનના વિજય અંગે તેમણે કહ્યું કે, બનાસની બહેન હવે દેશની બહેન બની છે. હવે બનાસની બહેનનો અવાજ લોકસભામાં ગુંજશે. ગુજરાતમાં સતત 10 વર્ષ સુધી ભાજપનું એકહથ્થું શાસન રહ્યું હતું. હું સ્વીકાર કરું છું કે, 2014 અને 2019માં કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી, પણ દેશની સાથે ગુજરાતની જનતાએ અપેક્ષા રાખી હતી અને લીડ પણ તમામ બેઠક પર મળી છે.
લોકશાહી વ્યવસ્થામાં મને પુરો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, સત્તા પડાવી લેવાનો આ સંઘર્ષ નથી, પરંતુ સેવાની સાધના માટેનો આ પુરુષાર્થ છે. ભાજપના અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાએ કરી છે. લોકતંત્રને જીવંત રાખવાની શરૂઆત બનાસકાંઠાએ કરી છે, આ એક ટ્રેલર છે આગળ પૂરું પિકચર આવશે.
બનાસકાંઠા શરૂઆત કરી છે. પાટણ બહુ ઓછા મતોથી હાર્યા. છેક સુધી લીડમાં રહેલી સીટ છેલ્લે તકલીફમાં આવી અન્ય જગ્યાએ જુના આંકડા કરતા ગ્રાફ ઘણો ઉંચો ગયો છે.
કોંગ્રેસ પ્રમુખે ગઠબંધન અંગે કહ્યું કે, ભાજપનો સાથી પક્ષો સાથેનો વ્યવહાર યોગ્ય ન હતો અને તેમણે શંકા વ્યક્ત કરી કે, મને એવું લાગે છે કે, એનડીએમાં સાથે રહેલા પક્ષો હવે ભાજપ સાથે રહેશે નહીં. ભાજપે પોતાના જ સાથી પક્ષોને બરબાદ કરવાનું કામ કર્યું હતું. અકાલીદળ, નીતીશકુમાર, ચંદ્રાબાબુ નાયડુ સામે ભાજપ નેતાઓ અનાપસનાપ બોલ્યા અને અયોગ્ય વ્યવાર કર્યો હતો.
સાથી પક્ષોને અન્ય ઘટકદળો સાથે જોડાવાનો મોકો મળશે તો તેઓ જોડાઈ શકે છે. દેશના મતદાતાઓએ ભાજપને પૂર્ણ બહુમતનો મેન્ડેટ આપ્યો નથી. મેં અકેલા સબ પે ભારીના નારા લગાવનારાઓ હવે એકલા સરકાર બનાવે.



