રાજયની તમામ યુનિવર્સિટી – કોલેજો પાસેથી ફાયર સેફટીના મુદ્દે રિપોર્ટ મંગાવતો શિક્ષણ વિભાગ ,
રાજકોટમાં ગેમઝોનની ઘટના બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી રાજયની સ્કુલોમાં ફાયર સેફટીને લઈને ચકાસણી શરૂ કરવામાં આવી છે. ફાયર સેફટીની વ્યવસ્થા ન ધરાવતી હોય તેવી સંસ્થાઓ સામે તવાઈ લાવવામાં આવી રહી છે
રાજકોટમાં ગેમઝોનની ઘટના બાદ હવે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફટીની જોગવાઈ છે કે નહી તે અંગે ચકાસણી કરીને આગામી 11મી જૂન સુધીમાં જરૂરી પ્રમાણપત્ર સંબંધીત ઈ-મેઈલ પર મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે. કેવા પ્રકારની સંસ્થા માટે કેવી વ્યવસ્થા રાખવાની રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
રાજકોટમાં ગેમઝોનની ઘટના બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી રાજયની સ્કુલોમાં ફાયર સેફટીને લઈને ચકાસણી શરૂ કરવામાં આવી છે. ફાયર સેફટીની વ્યવસ્થા ન ધરાવતી હોય તેવી સંસ્થાઓ સામે તવાઈ લાવવામાં આવી રહી છે. હવે હાયર એજયુકેશન ડિપાર્ટમેન્ટે પણ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રાજયની તમામ કોલેજો, ગ્રામ વિદ્યાપીઠ, સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરેને એક પરિપત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી છે કે, ફાયર એનઓસી મેળવવામાં આવી છે કે નહી, જો મુદત પુરી થઈ ચુકી હોય તો રીન્યુ કરાવી છે કે નહી તેની ચકાસણી કરવા પણ સૂચના આપવામાં આવી છે. 9 મીટર કે તેનાથી ઓછી ઉંચાઈ ધરાવતી સંસ્થાઓની ઈમારતમાં લઘુતમ ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેની ચકાસણી કોલેજના આચાર્ય, નિયામક અને રજિસ્ટ્રારે કરવાની રહેશે. ફાયર સેફટી એકસપાયર થઈ છે કે નહીં તેની ચકાસણી પણ આજ હોદેદારોએ કરવાની રહેશે.
આ સિવાય જે સંસ્થા 9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી હોય અને જો બેઝમેન્ટ હોય તો તેનું ક્ષેત્રફળ 200 ચો.મી.થી વધુ હોય તો ફાયર અધિકારી પાસેથી ફાયર સેફટી સર્ટિફીકેટ મેળવવાનું રહેશે. દરેક સંસ્થાઓએ પ્રકારનું સર્ટીફીકેટ મેળવીને સરકારી કોલેજ, બિન સરકારી અનુદાનીત કોલેજ, અનુદાનિત ગ્રામ વિદ્યાપીઠ સંસ્થા, અનુદાનિત સંશોધન સંસ્થા અને તમામ યુનિવર્સિટીઓ કઈ જગ્યાએ ઈ-મેઈલ કરવા તેની પણ સૂચના આપવામાં આવી છે.
હાલમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે રાજયમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી અનેક ગ્રામસંસ્થાઓમાં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા જ નથી. કેટલીક સરકારી સંસ્થાઓમાં તો પાયાની સુવિધાઓ જ નથી ત્યારે ફાયર સેફટીની વ્યવસ્થા કેવી રીતે ઉભી કરવી તેની સમસ્યા છે. વિભાગ દ્વારા તવાઈ લાવવામાં આવતાં હવે આ સંસ્થાઓએ ફાયર સેફટીની સુવિધાઓ ઉભી કરવાની ફરજ પડશે.



