ગુજરાત

રાજકોટ અગ્નિકાંડમાં ધરપકડનો આંક વધશે FSL રિપોર્ટની રાહ ,

જુદા - જુદા વિભાગના 90 લોકોના નિવેદનો નોંધાયા બાદ તેને ક્રોસ વેરીફાઈ કરવા કવાયત : આરોપી અધિકારીઓ પાસેથી વધુ દસ્તાવેજો કઢાવવા પ્રયાસ

ટીઆરપી અગ્નિકાંડમાં ગેમઝોનના પાંચ સંચાલક અને 4 અધિકારી સહિત 9 આરોપીની એસીપી ક્રાઈમની ટીમે ધરપકડ કરી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ અગ્નિકાંડના ગુનામાં ગમે ત્યારે ધરપકડનો આંક વધશે. અમુક અધિકારીઓ પર ધરપકડની લટકતી તલવાર છે. બનાવના બીજા કે ત્રીજા દિવસથી આજ સુધી સતત આ અધિકારીઓની પૂછપરછ થઈ છે. જોકે પોલીસ એફએસએલ રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે.

ખાસ તપાસ ટીમ કાગળો ભેગા કરી ધરપકડ કરાયેલ ચાર અધિકારી સિવાય અન્ય ક્યાં-ક્યાં અધિકારીની વહીવટી બેદરકારી છે? તે જાણવા પ્રયાસો કરી રહી છે. કાગળો મજબૂત કરવા એસીપી ક્રાઇમ બસીયાની અધ્યક્ષતામાં કામ કરતી ટીમ રાત-દિવસ એક કરી રહી છે. ટીઆરપી ગેમઝોન સંબંધિત તમામ દસ્તાવેજો મેળવવામાં આવી રહ્યા છે. આ તરફ જુદા – જુદા વિભાગના 90 લોકોના નિવેદનો નોંધાયા બાદ તેને ક્રોસ વેરીફાઈ કરવા કવાયત શરૂ છે. આરોપી અધિકારીઓ પાસેથી વધુ દસ્તાવેજો કઢાવવા પ્રયાસ થઈ રહ્યા છે.

ખાસ તપાસ ટીમે અત્યાર સુધીમાં ટીઆરપી ગેમઝોનના સંચાલક – ભાગીદારો યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, નીતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા જૈન, રાહુલ લલીત રાઠોડ, ધવલ ભરત ઠક્કર અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા તેમજ રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયા, એટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, એટીપીઓ મુકેશ રામજી મકવાણા અને મનપાના ફાયર વિભાગના કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરાની ધરપકડ કરી છે. આ નવેય આરોપી હાલ રિમાન્ડ ઉપર છે.

સૂત્રોએ જણાવ્યું કે આ આરોપીઓ પાસે મોટા ભાગે બનાવ સંબંધિત નિવેદનો લેવાઈ રહ્યા છે અને બનાવ સંબંધિત દસ્તાવેજો અંગે પૂછપરછ કરી આ દસ્તાવેજો રિકવર કરવા પ્રયાસ થયા છે. અગાઉ રવિવારે તપાસ 150 ફૂટ રિંગ રોડની ટ્વીન સ્ટાર બિલ્ડીંગમાં ટીપીઓ સાગઠિયાની ખાનગી ઓફિસ હોવાનું સામે આવતા ખાસ તપાસ ટીમ સાગઠિયાને લઈ આ ઓફિસે પહોંચી હતી. જરૂરી કાગળો કબ્જે કરી ઓફિસને સીલ મારી દીધું હોય તેવું પણ જાણવા મળ્યું છે. આ તરફ જેની ધરપકડ નથી થઈ પણ બનાવના બીજા કે ત્રીજા દિવસથી જે – જે અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે. તેમની સરકારી ઓફિસોમાં અધિકારીઓને સાથે રાખી તપાસ થઈ રહી છે.

સોમવારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાને સાથે રાખી રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલી તેમની ઓફિસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરી હતી જે દ્રશ્યો મીડિયા અહેવાલોમાં પ્રગટ થયા હતા. સૂત્રો એવું જણાવે છે કે, ઠેબાને સાથે રાખી તપાસ કરાવી તેવી જ રીતે અન્ય વિભાગો જેવા કે, માર્ગ મકાન વિભાગ, પીજીવીસીએલ, પોલીસ વિભાગમાં પણ આમ જ અધિકારીને સાથે રાખી તપાસ થઈ હતી.

આ તરફ એફએસએલ વિભાગે બનાવ સ્થળેથી અનેક સેમ્પલો કલેક્ટ કર્યા હતા. જેમાં સ્થળ પર ક્યાં પ્રકારનું જ્વલનશીલ પ્રવાહી હતું? તેની ખાસ તપાસ થવાની છે. ઉપરાંત ગેમ ઝોનનો લોખંડ-સ્ટીલમાંથી બનેલ આખો માચડો આગ લાગ્યા બાદ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.

તો માચડો ધરાશાયી થવા પાછળનું કારણ શું? એ પણ એફએસએલ તપાસ કરી રહ્યું છે. આ સિવાય ગેસનો કોઈ બાટલો ફાટયો હતો? કે શું? તે સવાલના જવાબ પણ હજુ મળ્યા નથી. જેથી આ સમગ્ર પ્રકરણમાં એફએસએલ રિપોર્ટ મોટો ભાગ ભજવશે.

એફએસએલ રિપોર્ટ થકી બનાવના અનેક મહત્વના ફેક્ટ્સ બહાર આવશે. જેથી એસીપી ક્રાઇમની તપાસ ટીમ પણ આ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ તરફ પોલીસ, પીજીવીસીએલ, માર્ગ મકાન વિભાગ, મનપાની ટીપી શાખા, ફાયર વગેરે જુદા – જુદા વિભાગના 90 લોકોના નિવેદનો નોંધાયા બાદ તેને ક્રોસ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. આરોપી અધિકારીઓ પાસેથી વધુ દસ્તાવેજો કઢાવવા પ્રયાસ થઈ રહ્યો છે. કાગળો પરથી જ કેસને વધુ મજબૂત બનાવી કોર્ટમાં રજૂ કરવા પોલીસ મથામણ કરી રહી છે.

અગ્નિકાંડમાં પોલીસની જાહેરાત બાદ પણ નજરે જોનાર કોઈ નાગરિકે પોલીસનો સંપર્ક કર્યો નથી. અગાઉ એસીપી ક્રાઈમએ બનાવ દરમિયાન ટીઆરપી ગેમઝોન અંદર હાજર હોય અથવા બનાવને નજરે જોયો હોય તેવા નાગરિકોને પોલીસ તપાસમાં ઉપયોગી થવા હાંકલ કરી હતી. પણ કોઈ નાગરિક સામે ન આવતા હવે તપાસ ટીમની મહેનત વધી છે.

ગત તા.1 મે ના રોજ ટીઆરપી અગ્નિકાંડના ગુનાની તપાસ કરતા એસીપી ક્રાઈમએ જાહેર અનુરોધ કર્યો હતો કે, આ બનાવ દરમિયાન ટીઆરપી ગેમઝોન અંદર હાજર અને બનાવને નજરે જોનાર નાગરીકોએ નજરે જોયેલ હકિકત ગુનાની તપાસમાં ઉપયોગી થઇ શકે તેમ છે.

જેથી બનાવ બાબતે નજરે જોનાર નાગરીકો એસીપી ક્રાઈમ ભરત બી. બસીયા (મો.નં.9033690990), બી. ડિવિઝન પીઆઈ એસ.એમ.જાડેજા (મો.નં.9714900997), એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા (મો.નં.9825855350), ડીસીપી પોલીસ સ્ટેશન પીએસઆઇ ડી.સી.સાકરીયા (મો.નં.8000040050), ડીસીબી પોલીસ સ્ટેશનના ફોન નં.0281 2444165, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ફોન નં.0281 2563340, અથવા રાજકોટ શહેર પોલીસ કંન્ટ્રલ રૂમ ફોન નં.0281 2457777 (100) ઉપર સંપર્ક કરવા વિનંતી કરી હતી.

જોકે આ એક પણ નંબર પર હજુ સુધી નજરે જોનાર કોઈ નાગરિક અથવા બનાવ વખતે અંદર હાજર હોય અને બચીને નીકળી ગયા હોય તેવા કોઈ વ્યક્તિએ સંપર્ક નથી કર્યો. હાલ પોલીસે ટીઆરપી ગેમઝોનના અમુક કર્મચારીઓ અને ઇજાગ્રસ્તો તેમજ તેમના પરિવારજનોના નિવેદન લીધા છે. પણ પોલીસનો પ્રયત્ન છે કે, એ સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ બચીને નીકળી ગયા હોય, અથવા બનાવ નજરે જોયો હોય તો તે વ્યક્તિ પણ સાક્ષી બને તો વધુ મજબૂત બને અને આરોપીઓને છટકાવાનો કોઈ મોકો ન રહે. જેથી બનાવ દરમિયાન ટીઆરપી ગેમઝોન અંદર હાજર હોય અથવા બનાવને નજરે જોયો હોય તેવા નાગરિકો પોલીસનો સંપર્ક કરે અને આ કરુણ બનાવમાં મૃતકોને ન્યાય અપાવવાની લડાઈમાં સહયોગી થાય તેવો અનુરોધ કરાયો છે.

અગ્નિકાંડ બાદ તુરંત જ રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી હતી. આ સીટમાં અધ્યક્ષ તરીકે સુભાષ ત્રિવેદી (સીઆઇડી ક્રાઈમના વડા) અને સભ્યોમાં બંછાનિધિ પાની (ટેક્નિકલ એજ્યુકેશન કમિશનર), એચ.પી. સંઘવી (ગાંધીનગર ફોરેન્સિક લેબ ડિરેકટર), જે.એન. ખડીયા (અમદાવાદ ચીફ ફાયર ઓફિસર), એમ. બી. દેસાઈ (માર્ગ મકાન ક્વોલિટી કંટ્રોલ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જીનીયર)ની નિમણુંક થઈ હતી.

આ સીટના સભ્યો રાજકોટ પણ આવ્યા હતા. સ્થળ મુલાકાત કરી હતી. પછી ગાંધીનગર ખાતે રાજકોટના જુદા જુદા વિભાગના સ્થાનિક અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી.

ગઈકાલે સુત્રોમાંથી એવી માહિતી વહેતી થઈ હતી કે, બુધવારે એટલે કે આજે આ સીટ રાજકોટ આવશે. તેમને રહેવા માટે સર્કિટ હાઉસમાં વ્યવસ્થા થઈ છે. સીટ રાજકોટ આવી ક્રાઈમ બ્રાંચ કચેરી ખાતે ધરપકડ કરી રાખવામાં આવેલા તમામ સંચાલક આરોપીઓ અને અધિકારી આરોપીઓની પૂછપરછ કરશે અને નિવેદન નોંધશે. જોકે છેલ્લી ઘડીએ આજની સીટના સભ્યોનો કાર્યક્રમ રદ થયો હતો. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, સીટના સભ્યોને રહેવા માટે સર્કિટ હાઉસમાં જે વ્યવસ્થા થઈ હતી તે પણ કેન્સલ કરાવવામાં આવી હતી.

ટીઆરપી ગેમઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજાના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. 28મીએ ધરપકડ બાદ 29મીએ કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરાયો હતો. 8 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા.

આ અગ્નિકાંડમાં 27 લોકોના મોતની સત્તાવાર જાહેરાત થઈ છે. તાલુકા પોલીસ મથકે ગેમઝોનના ભાગીદારો ધવલ ભરતભાઇ ઠકકર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ સામે આ

ઇપીસી 304,308,337, 338, 114 મુજબ ગુનો દાખલ થયેલો. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રકાશચંદ આગના બનાવમાં જ મૃત્યુ પામ્યો હતો.

આરોપી અશોકસિંહે આગોતરા જામીન અરજી મૂકી છે. તેની આવતીકાલે સુનાવણી છે. ગેમઝોનની ભાગીદારીની વાત કરીએ તો મૃતક પ્રકાશ જૈન એકલો 60 ટકાનો ભાગીદાર હતો, જ્યારે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા.

જ્યારે ગેમઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાનો 10 ટકા ભાગ હોવાનું ખુલ્યું હતું. જ્યારે મેનેજર નિતીન જૈન હતો. તા.28મીએ કિરીટસિંહની ધરપકડ બાદ 29મીએ કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ રિમાન્ડ કાલે પૂર્ણ થાય છે. જેથી તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button