કેબીનેટ રચના, ખાતાની ફાળવણી સહિતની ચર્ચા માટે ત્રણ સીનીયર સંકલન કરશે વાટાઘાટો શરૂ ટીડીપીની નજર સ્પીકર પદ પર નિતીશકુમારની ત્રણ મોટા ખાતાની ડિમાન્ડ ભાજપ પર જબરૂ દબાણ
નવી સરકાર કેવી રચાશે? સાથીદારોની જવાબદારી શાહ - નડ્ડા - રાજનાથ પર ,

2014માં જયારથી કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યો છે ત્યારથી પહેલી વખત પક્ષને એકલા હાથે સંપૂર્ણ બહુમતી મળી નથી. મેજીક નંબર સુધી પહોંચવા માટે સાથી પક્ષોની જરૂર છે. એનડીએના તમામ સભ્યોએ સરકાર સાથે હોવાનું કહી દીધુ છે. પરંતુ હવે નવી સરકાર કેવી હશે, તેની રૂપરેખા, કેબીનેટની રચના, ખાતાઓની ફાળવણીને લઇને વાતચીત શરૂ થઇ ગઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ તરફથી અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથ સિંહને સાથી પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ટીડીપી અને જેડીયુનો સાથ ભાજપ માટે ખુબ મહત્વનો છે. એવું માનવામાં આવે છે કે, મંત્રી મંડળમાં પોર્ટફોલીયો માટે સાથી દળો પોતપોતાની ઇચ્છા દર્શાવવા લાગ્યા છે. ટીડીપી પાસે 16 અને જેડીયુ પાસે 1ર, એકનાથ શિંદે પાસે 7 અને ચિરાગ પાસવાન પાસે પાંચ સંસદ સભ્ય છે. જેઓ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવવાના છે.
આ મહત્વની એક ઝલક એનડીએની મીટીંગમાં રાખવામાં આવેલી બેઠક વ્યવસ્થા પરથી જોવા મળી હતી. જયાં નરેન્દ્ર મોદીની જમણી તરફ જે.પી.નડ્ડા, અમિત શાહ અને તે બાદ રાજનાથ સિંહ બેઠા હતા. તો ડાબી તરફ ચંદ્રાબાબુ નાયડુ, તે બાદ નિતીશકુમાર અને એકનાથ શિંદે બેઠા હતા.
એનડીએની મીટીંગ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે જો અમે એનડીએનો ભાગ ન હોત તો ચૂંટણી કઇ રીતે લડત ? અમે મળીને ચૂંટણી લડી છે. તમને કેમ શંકા છે એ સમજાતું નથી. તેમણે કહ્યું કે એનડીએની મીટીંગ સારી રહી હતી. ર1 નેતાઓ હાજર હતા.
ભાજપમાંથી મોદી, નડ્ડા, રાજનાથ, શાહ, ટીડીપીમાંથી નાયડુ, જેડીયુના નિતીશકુમાર, રાજીવ રંજનસિંહ, સંજય ઝા, શિવસેનાના એકનાથ શિંદે, જેડીએસના એચ.ડી.કુમારસ્વામી, એલજેપીના ચિરાગ પાસવાન, ‘હમ’ના જીતન રામ માંઝી, જનસેનાના પવન કલ્યાણ, એનસીપીના સુનીલ તતકરે, પ્રફુલ પટેલ, અપના દળના અનુપ્રિયા પટેલ, આરએલડીના જયંત ચૌધરી, યુપીપીએલના પ્રમોદ બોરો, એજીપીના અતુલ બોરો, એસકેએમના આઇ.એસ.સુબા અને એજેએસયુના સુદેશ મહંતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગમાં બેઠક વ્યવસ્થા પરથી સાથી પક્ષોનું મહત્વ દેખાતું હતું. મોદીની જમણી તરફ ભાજપના સીનીયર અને ડાબી તરફ સાથી પક્ષના નેતાઓ હતા. હાલ સાથી પક્ષો કેટલા મંત્રી પદ માંગે છે તેના પર પણ ગરમ ચર્ચા છે. એવું કહેવાય છે કે ટીડીપી લોકસભા સ્પીકર પદ સાથે પ-6 કેબીનેટ પ્રધાન પદ, એક રાજય મંત્રીપદ (નાણા) માંગી શકે છે. એનડીએની મીટીંગમાં ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ, જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, એલજેપી (પાસવાન) પ્રમુખ ચિરાગ પાસવાન સહિત ભાજપ અને સાથી પક્ષોના ર1 નેતાઓ સામેલ થયા હતા. આ પહેલા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં વડાપ્રધાન આવાસમાં કેન્દ્રીય કેબીનેટની બેઠક થઇ હતી અને વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણને મંજૂર કરવામાં આવી હતી.
સુત્રોએ જણાવ્યું હતું કે, કેબીનેટ મીટીંગમાં મોદીએ એવું કહ્યું કે, જનાદેશ મળ્યા બાદ ત્રીજી ટર્મમાં પણ સરકાર પહેલી બે ટર્મની જેમ જ ચાલશે. સાથે જ એવો વિશ્ર્વાસ દર્શાવ્યો કે અગાઉની જેમ જ સરકાર કામ કરતી રહેેશે. સરકારમાં ટીડીપી અને જેડીયુ કેટલાક મહત્વના વિભાગો માંગી શકે છે. કારણ કે સરકારની રચનામાં તેમની મુખ્ય ભૂમિકા છે.