ભાવુક દ્રશ્યો: ચરણસ્પર્શ માટે ઝુકેલા નીતીશનો મોદીએ હાથ પકડી લીધો નીતીશકુમારે મોદીના ચરણસ્પર્શ કર્યા: કાયમ એનડીએ સાથે જ રહેવાનો કોલ
વિપક્ષે દેશહિતના કોઇ કાર્યો જ કર્યા નથી હવે પછીની ચૂંટણીમાં વિરોધપક્ષને કોઇપણ સીટ નહીં મળે ,

કેન્દ્રમાં નવી સરકારની રચનાની તૈયારી પૂર્વે આજે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલી એનડીએની બેઠકમાં નિર્ણાયક સાથીપક્ષ જેડીયૂના નેતા નીતીશકુમારે આખી ટર્મ એનડીએ સાથે જ રહેવાનો કોલ આપ્યો હતો. તેઓએ વડાપ્રધાન મોદીના ચરણસ્પર્શ કરતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. એનડીએ સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની દરખાસ્તને જેડીયૂ નેતા નીતીશકુમારે પણ સમર્થન આપવા સાથે જાહેર કર્યું હતું કે પોતે અને પોતાની પાર્ટી કાયમ સરકાર સાથે રહેશે. મોદી સાથે કામ કરવાની તક ઘણી સારી વાત છે. તમે (મોદી) રવિવારે વિધિવત શપથ ગ્રહણ કરશો. પરંતુ આ કાર્ય આજે જ થઇ જાય તેવી પોતે ઇચ્છા રાખે છે. તમે જ્યારે શપથ લેશો ત્યારે અમે સાથે જ રહીશું અને તમામ નેતાગીરી હેઠળ સાથે રહીને વિકાસના કામ કરશું.
તેઓએ કહ્યું કે મોદી 10 વર્ષથી વડાપ્રધાન હતા અને ફરી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. પાર્ટી કાયમ તેમની સાથે રહેશે. આ પૂર્વે તેઓ વડાપ્રધાનને ચરણસ્પર્શ કરવા નીચે વળ્યા હતા. જો કે મોદીએ હાથ પકડીને અટકાવીને ગળે લગાડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.
સંબોધનમાં નીતીશકુમારે વિરોધપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું અને એવો આક્ષેપ કર્યો કે વિરોધપક્ષે દેશહિતમાં કોઇ કામ જ કર્યું નથી. પોતે એવું માને છે કે હવે પછીની ચૂંટણીમાં વિપક્ષો કોઇપણ બેઠક જીતી નહીં શકે નવી ટર્મમાં દેશ ખૂબ વિકાસ સાધશે સાથે મળીને રાષ્ટ્રને નવી ઉંચાઇએ પહોંચાડવામાં આવશે.