શેર માર્કેટમાં છેલ્લા થોડા દિવસોથી ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઇકાલે બજારમાં તેજી બાદ આજે બજાર ખુલતાની સાથે જ ઘણો ઘટાડો જોવા મળ્યો
રેપો રેટના એલાન પહેલા રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, જાણો સેન્સેક્સ-નિફ્ટી કેટલા અંકે તૂટ્યો
આજે ભારતીય શેરબજારો માટે વૈશ્વિક બજારોમાંથી ખૂબ જ નબળા સંકેતો આવી રહ્યા છે. ગઈકાલે બજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ આજે સેન્સેક્સ 320 પોઈન્ટ ઘટીને 79,147 પર છે તો નિફ્ટી પણ 66 પોઈન્ટના ઘટાડા સાથે 24230 ના સ્તર પર છે.
જાણીતું છે કે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યે RBI ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સમાં બેઠકમાં જણાવશે કે આરબીઆઈ રેપો રેટ 6.5% પર યથાવત રહેશે કે નહીં. આ પહેલા જ આજે શેર બજારની નબળી શરૂઆત થઈ છે અને આજે સૌથી વધુ ઘટાડો આઈટી અને મેટલ શેર્સમાં જોવા મળ્યો હતો, આ સાથે જ ઈન્ફોસિસ, એલટીઆઈ માઇન્ડટ્રી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
જો આપણે બુધવારે સ્થાનિક શેરબજાર વિશે વાત કરીએ તો ગઇકાલે બજારના ઘટાડા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 874.94 પોઈન્ટ્સ અથવા 1.11 ટકા વધીને 79,468.01 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 304.95 પોઈન્ટ્સ અથવા 1.27 ટકા વધીને 24,297.50 પર બંધ થયો હતો.



