રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષક બાદ ગુલ્લીબાજ આચાર્યનો ખુલાસો થયો છે ,
અમદાવાદના નવા વાડજની ગણેશ વિદ્યાલયના આચાર્ય વિદેશ જતાં રહેતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કોઈ પણ જાણકારી વિના આચાર્ય જસ્મીના પટેલ વિદેશ જતાં રહેતા DEOએ તેમને નોટિસ ફટકારી છે. DEOની જાણ બહાર શાળા મંડળ દ્વારા આચર્યાની 137 દિવસની રજા મંજૂર કરી દેવાઈ હતી. ત્યારે હવે DEOએ આચાર્યને નોટિસ ફટકારીને રજા અંગે ખુલાસો માંગો છે.

આપણે જેને ગુરુની ગરિમા આપીએ છીએ, એવા શિક્ષકો જ વિદ્યાર્થીઓના ભવિષ્યના દુશ્મન બનીને બેઠા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકોના અનેક કિસ્સા સામે આવ્યા છે, જેમાં શિક્ષકો શાળામાં 1-2 કે 3 વર્ષથી હાજર જ નથી થયાં. ત્યારે હવે રાજ્યમાં ગુલ્લીબાજ આચાર્યનો ખુલાસો થયો છે.
અમદાવાદના નવા વાડજની ગણેશ વિદ્યાલયના આચાર્ય વિદેશ જતાં રહેતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કોઈ પણ જાણકારી વિના આચાર્ય જસ્મીના પટેલ વિદેશ જતાં રહેતા DEOએ તેમને નોટિસ ફટકારી છે. DEOની જાણ બહાર શાળા મંડળ દ્વારા આચર્યાની 137 દિવસની રજા મંજૂર કરી દેવાઈ હતી. ત્યારે હવે DEOએ આચાર્યને નોટિસ ફટકારીને રજા અંગે ખુલાસો માંગો છે.
આ અંગે હવે 16 ઓગસ્ટે સુનાવણી થવાની છે, જેમાં આચાર્યને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ જો આચાર્ય હાજર નહીં રહે તો ગ્રાન્ટમાં 100 ટકા સુધીનો કાપ કરવા સુધીના પગલાં લેવાની અમદાવાદ DEOએ કાર્યવાહી કરવાની વાત કરી છે. જણાવી દઈએ કે વિદેશ પ્રવાસે જતાં પહેલા DEOનું NOC લેવાનો નિયમ છે. જયારે નવા વાડજની ગણેશ વિદ્યાલયના આચાર્ય જસ્મીના પટેલ DEOની મંજૂરી વિના જ વિદેશ જતા રહ્યા હોવાને કારણે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ DEOએ સૂચના આપી છે કે જો તે રૂબરૂ હાજર નહીં રહે તો 100 ટકા ગ્રાન્ટ કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવી છે, જો કે આ પછી સરકાર એક્શનમાં આવી ગઈ છે. શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના 134 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ, કચ્છ અને રાજકોટના 1-1 શિક્ષક સામે પોલીસ કેસ કરાયો છે.
મહત્ત્વનું છે કે કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઈને વિદેશ ગયા છે. લાંબા સમયથી રજાઓ પર રહેલા શિક્ષકોને બરતરફ કરાયા છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાંથી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ અને 3ના રાજીનામા સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ છે.