ગુજરાત

વડોદરાવાસીઓને નવી આફત, વરસાદ બાદ ઘરમાં ઘુસ્યા મહાકાય મગર, લોકોમાં ભયનો માહોલ

વડોદરામાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હતા. જો કે હવે નદીના પાણી ઓસરતાં મગરો બહાર આવી રહ્યા છે.

વડોદરામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે. વડોદરા શહેરમાં ભારે વરસાદ પાણી નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા હતા અને ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થતા વડોદરામાં પૂર આવી ગયા હતા. જો કે હવે વરસાદે વિરામ લેતા વિશ્વામિત્રીના પાણી ઓસરી રહ્યા છે. ત્યારે પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે મગરો બહાર આવી રહ્યા છે.

પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાવાસીઓ માટે નવી આફત આવી પડી છે. વડોદરામાં અવસર પાર્ટી પ્લોટ સામે રોડ પર મહાકાય મગર આવી ગયો હતો. 10 ફૂટના મગરને ઘુંટણસમા પાણીમાંથી રેસ્કયુ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ફતેહગંજ વિસ્તારમાં રહેણાંક ઘરમાં કદાવર મગર ઘૂસી ગયો હતો. કદાવર મગર પૂરના પાણીમાં તણાઈ આવ્યો હતો. નદીના પ્રવાહ સાથે તણાઈને આવેલો મગર રહેણાંક ઘરમાં ઘૂસી ગયો હતો.

ઘરમાં મગર ઘૂસી આવતા ફતેહગંજ વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો છે. ફતેહગંજ પાસે કામનાથ નગરના મકાનમાં મગર ઘૂસી ગયો હતો. મગરને જોઇને ભયભીત થયેલા લોકો આમતેમ દોડવા લાગ્યા હતા. જો કે વન વિભાગની ટીમે મગરને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગઈકાલ રાતથી લઈ વહેલી સવાર સુધીમાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે. આ તરફ હાલની સ્થિતિએ વડોદરામાં પાણીમાં ફસાયેલા લોકોની મદદ કરાઈ રહી છે. હેલિકોપ્ટરની મદદથી પાણીમાં ફસાયેલા લોકો માટે મદદ પહોંચાડાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે હરણી વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button