ગુજરાતનો ‘વિકાસ ખાડામાં રોડ કે રોડમાં ખાડા રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે.
રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રોડ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી રાહદારીઓની માંગણી છે.
અમદાવાદ શહેરનાં અનેક રોડ વરસાદમાં ધોવાયા છે. અમદાવાદ શહેરનાં ઠક્કર નગર બ્રિજ નીચેનાં રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન છે. ચોમાસા દરમ્યાન ઠક્કર નગર બ્રિજ નીચે ડ્રેનેજની લાઈન માટે ખોદકામ કરાયું હતું. રસ્તા પરનાં મસમોટા ખાડામાં ફસાઈને વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડ ખાબડ રસ્તાને કારણે વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. હાલ AMC દ્વારા રસ્તા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદનાં નરોડા વિસ્તારમાં ખબાર રસ્તાથી રાહદારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ ખાડાથી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશન ખાડા પૂરે છે જે બાદ વરસાદ પડતા ફરી ખાડા પડી જાય છે. નરોડા પાટીયાથી ગેલેક્સી સિનેમા સુધીનો રસ્તો અત્યંત ખરાબ છે. આ રસ્તે ગયા તો કમરનો દુખાવો થયા વગર નહી રહે.

રાજકોટનાં 4 દિવસમાં 29 ઈચ વરસાદની રોડ ધોવાઈ જવા પામ્યા છે. શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. માધાપર ચોકડી પાસે રસ્તા પર મસમોટા ખાડા પડ્યા હતા. જેથી શહેરનાં એન્ટ્રી પોઈન્ટ પર ખાડાથી વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની ખબાર હાલતથી વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે. માર્ગ-મકાન વિભાગનાં અધિકારી રસ્તાનં નિરીક્ષણ કર્યું હતું. તેમજ તાત્કાલીક રસ્તા રિપેર કરવાની અધિકારીએ બાંહેધરી આપી હતી.
ડીસા નજીક આવેલા આખોલ ગામ પાસેના ચાર રસ્તા નજીક દિલ્લીથી માંડી અને કંડલા સુધીના વાહનો ગુજરાતમાં પ્રવેશ કરતાં હોય છે. પરંતુ આ ચાર રસ્તા નજીક તાજેતરમાં થયેલા વરસાદને પગલે એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાના લીધે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તો ક્યારે તેમના વાહનોને પણ મોટું નુકશાન પહોંચી રહ્યું છે જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને ગુજરાતના વિકાસ મોડલની પોલ અહી ખૂલતી નજરે પડી રહી છે.
અમદાવાદના પોશ વિસ્તાર એવા વંદે માતરમથી SG હાઇવે આવવા માટે જગતપુર સુઘી આવવુ પડે છે. પરંતુ આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે જ ખબર નથી પડતી. કારણ કે રસ્તો તો જોવા જ નથી મળતો અને વાહનો પણ સર્પાકારની જેમ ચલાવવાનો વારો આવે છે. જેથી ગાડીઓમાં પણ નુકશાનનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. જ્યારે રોડ સુકાઇ જાય ત્યારે કોર્પોરેશનની ગાડીઓ ઘુળ સાફ કરવા આવે અને રસ્તો ભીનો હોય વરસાદ આવતો હોય તો કોર્પોરેશન થીગડા મારવાની કામગીરી ચાલુ વરસાદે શરૂ કરતી હોય છે. પણ તેનાથી પણ વાહનચાલકોની ગાડીને નુક્સાન થાય છે.




