રાજ્યમાં યોગ્ય પ્લાનિંગ સાથે ‘વિકાસ’ થાય છે? શંકા દર્શાવતી હાઈકોર્ટ ,
ચાર ઈંચ વરસાદમાં ભયંકર સમસ્યા, ઉપરાંત ટ્રાફિક - દબાણ - રખડતા ઢોર સહિત દરેક મુદ્દે સરકારનો કાન આમળતી હાઈકોર્ટ

નાગરીક બાબતોની સમસ્યા અંગે ચાલી રહેલી એક એરજીમાં રાજ્ય સરકારના બે ઉચ્ચ અધિકારીઓ આજે હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે બંને સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ એમ. કે. દાસ અને અશ્વિનીકુમારને રાજય સરકાર, ટ્રાફિક વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીની નિષ્કાળજી અને ફરજમાં બેદરકારી પરત્વે જાણકારી આપીને નાગરિકોની આ તમામ ફરિયાદો માટે એક રાજયવ્યાપી હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ બનાવવા સૂચન કર્યું છે.
હાઇકોર્ટે યોગ્ય પ્લાનીંગ સાથે વિકાસ કરવા અને નાગિરકોને હાલાકીની ફરિયાદ ના રહે તે પ્રકારે ઉપરોકત સમસ્યાઓનું કાયમી નિરાકરણ લવાય તે જોવા હાજર સરકારના બંને ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી હતી. હાઇકોર્ટે યોગ્ય પ્લાનીંગ સાથે વિકાસ કરવા અને નાગિરકોને હાલાકીની ફરિયાદ ના રહે તે પ્રકારે ઉપરોકત સમસ્યાઓનું કાયમી નિરાકરણ લવાય તે જોવા હાજર સરકારના બંને ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી હતી.
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, કોર્ટમાં આ અદાલતના તિરસ્કારના કેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને કોર્ટને સત્તાવાળાઓ પાસે શું અપેક્ષા છે તે જણાવવા માટે આ બંને અધિકારીઓને કોર્ટ રૂબરૂ બોલાવાયા છે.
કોર્ટે સરકારને સીધી પૃચ્છા કરી હતી કે, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફિક, બિસ્માર રસ્તાઓ, ખાડા-ભુવાઓ, રખડતા ઢોરોના ત્રાસ સહિતની સમસ્યાઓ મુદ્દે સમગ્ર રાજયમાં એક હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ હોવા જોઇએ, જેની પર નાગરિકો ગમે ત્યારે ફરિયાદ કરી શકે અને સત્તાવાળાઓ તેનો તરત જવાબ આપી તાત્કાલિક નિરાકરણ કરે. કોર્ટની આ પૃચ્છાના પ્રત્યુત્તરમાં સરકારપક્ષ તરફથી જણાવાયું કે, આવી હેલ્પલાઇન કે વેબસાઇટ તૈયાર કરવામાં દસેક દિવસ લાગે.
રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિગ-દબાણો મુદ્દે હાઇકોર્ટના વારંવારના હુકમોનું પાલન નહી થતાં અરજદાર મુસ્તાક કાદરી દ્વારા કરાયેલી અદાલતના તિરસ્કારની અરજીમાં આજે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને હાઇકોર્ટના અગાઉના હુકમ મુજબ હાજર રહ્યા હતા.
હાઇકોર્ટની ખંડપીઠે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવાછતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો આવ્યો નથી અને સરકારના, ટ્રાફિક વિભાગના, અમ્યુકોના કે પોલીસ ઓથોરીટીના સત્તાવાળાઓ દ્વારા કોઇ જ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી નથી. છ વર્ષ સુધી કંઇ થયુ નથી, તેથી હવે છ વર્ષ બાદ સોલ્યુશન નહી, અમલીકરણ જ કરવાનું હોય.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 24થી 48 કલાકમાં પડેલા 11 ઇંચ વરસાદમાં બધુ સ્પષ્ટ થઇ ગયુ છે, અગાઉ પણ ગુજરાતમાં આવો વરસાદ પડયો જ છે. તમે યોગ્ય પ્લાનીંગ કરો છો કે કેમ તે પણ શંકા છે..? માત્ર ચાર ઇઁચ વરસાદમાં પણ નાગરિકો ભયંકર હાલાકીમાં મૂકાઇ જાય છે. વાહનો વધ્યા હોય તો રોડ પહોળા કરો., બીજુ યોગ્ય પ્લાનીંગ કરો.
હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, તમારા પ્લાનીંગમાં હજુ ખામી છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં પાણી ભરાવાની બહુ સમસ્યા દેખાતી નથી. વડોદરામાં પણ જૂના વિસ્તારમાં બહુ તકલીફ જણાઇ નથી. જૂના વિસ્તારોમાં પાણી ભરાતુ નથી. રોડ-રસ્તાઓની કાળજીને લઇ હાઇકોર્ટે ટકોર કરી કે, બીટુમીંન અને પાણી એકબીજાના દુશ્મન એટલે વિકસિત રાષ્ટ્રોની જેમ હવે સિમેન્ટ-કોંક્રીટ(આરસીસી)ના રોડ બની રહ્યા છે.
ખંડપીઠે ટકોર કરી હતી કે, ગુજરાત માટે આ વરસાદ કોઇ અસમાન્ય ઘટના નથી, દર વર્ષે કયાંયને કયાંક ભારે વરસાદના લીધે હાલાકી સર્જાય છે. એટલે જ અમે સરકારી અધિકારીઓને હાજર રાખ્યા છે. શહેરોમાં રોડ નિર્માણ કે સમારકામમાં એની ઉંચાઇ વધારી દેતા સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ જતી હોવાની સમસ્યા પણ છે.
હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે છેલ્લા છ સપ્તાહથી અમે રોડ-રસ્તા, ટ્રાફિક, પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદે કંઇ બોલવાનું ટાળી રહ્યા છીએ, દર વખતે એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી સુગર કોટેડ (મીઠી મીઠી) ભાષા બોલે અને અમે જવા દઇએ. પરંતુ આ કામ તો ઓથોરીટીએ સતત કરતા રહેવાનું છે. એના માટે કંઇ કોર્ટે આદેશો ન કરવાના હોય છે. છેલ્લા પાંચ વર્ષથી આદેશોનો અમલ થતો નથી.
રાજય સરકારે કહ્યું હતું કે, રોડના ધોવાણ ઝડપથી ન થાય એ અમે ધ્યાન રાખી રહ્યા છીએ. ડેવલપ દેશોમાં સિમેન્ટના રોડ બની રહ્યા છે. જોકે આપણી અમુક સીમા છે. તેમ છતાંય સિમેન્ટના રોડ બનાવાઇ રહ્યા છે. ત્યારે ખંડપીઠે સવાલ કર્યો હતો કે શું વિકસીત દેશોની જેમ રોડ બનાવવામાં એટલો જ ખર્ચ થશે ? પ્રતિ કિમી તેમનો ખર્ચ અને આપણો ખર્ચ કેટલો છે ?
હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, રોડ નિર્માણ કે ટાઉન પ્લાનિંગ સ્કીમ માટેના શું ધારાધોરણો છે. સામાન્ય સમજ એવી છે કે તમે પાણીને નીકળી જવા માટેની કોઇ જગ્યા રાખી નથી એના કારણે પાણી ભરાય છે. એકવાર પાણી ભરાય તો રોડ ધોવાઇ જવાના. શું એવું શકય છે કે વરસાદી આયોજનો અને રોડ નિર્માણ માટે એવા પ્લાન બનાવવામાં આવે કે જેને સમગ્ર રાજય માટે અમલમાં મુકી શકાય ? કોઇ પ્લાન તો પ્લાનિંગ ઓથોરીટીના મગજમાં હોવા જોઇએ. શું એવો પ્લાન તૈયાર થાય કે જેને સમાનરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં લાગુ કરી શકાય.