ભારત સહિત વિશ્વભરમાં સોનાના ભાવ તેજી , વૈશ્વિક ભાવ 2700 ડોલરને આંબી શકે ,
ભારતીય બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીનાં કોમોડીટી કરન્સી વિભાગનાં ડાયરેકટર નવીન માથુરે પણ ક્હયું કે સોનામાં ટ્રેન્ડ તેજીનો જ બની રહી શકે તેમ છે.

ભારત સહિત વિશ્વભરમાં સોનાના ભાવ તેજીમાં છે.ભારતમાં આવનારા તહેવારો તથા લગ્નની સીઝનમાં સોનાની ડીમાંડમાં મોટો વધારો થવાનો આશાવાદ છે જયારે અમેરિકાની જાણીતી ઈન્વેસ્ટમેન્ટ બેંક અને બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૈકસ દ્વારા આવતા સમયમાં સોનામાં તેજી થવાની શકયતા દર્શાવવામાં આવી છે.
આ રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, હાલના સમયમાં જે માહોલ બની રહ્યો છે તેના જોખમનો સામનો કરવામાં સોનામા રોકાણ કરવાનું જ શ્રેષ્ઠ છે.નજીકનાં ભવિષ્યમાં સોનામાં તેજી થવાની સૌથી વધુ સંભાવના છે. આ રીપોર્ટનાં પગલે સોનામાં રોકાણ-વધારવાનું ઈન્વેસ્ટરોમાં આકર્ષણ ઉભૂ થઈ શકે છે.
‘ગો ફોર ગોલ્ડ’ મથાળા હેઠળનાં રીપોર્ટમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકે એમ કહ્યુ છે કે અમેરીકી ફેડરલ રિઝર્વ તૂર્તમાં વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે જેને પગલે ફરી સોનાના વિદેશી રોકાણ ઠલવવાની સંભાવના છે.સોનામાં રોકાણ પર ભરોસો જાળવી રાખવા તથા તેમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપવાની પણ અસર આપવામાં આવી છે.
જાણકારો જોકે એવો મત દર્શાવે છે કે, અમેરીકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવે તો ડોલર ઈન્ડેકસમાં ઘટાડો શકય છે. આ સંજોગોમાં રૂપિયાના ધોરણે ભારતમાં મોટો ઉછાળો આવવાની સંભાવના ઓછી છે.
ગોલ્ડમેન સૈકસના રિપોર્ટમાં એમ કહેવાયું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 21 ટકાનો વધારો થઈ ચુકયો છે. આવતા નવા વર્ષની શરૂઆતમાં જ આંતર રાષ્ટ્રીય ભાવ 2700 ડોલરને આંબી જાય તેમ છે.
ભારતીય બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીનાં કોમોડીટી કરન્સી વિભાગનાં ડાયરેકટર નવીન માથુરે પણ ક્હયું કે સોનામાં ટ્રેન્ડ તેજીનો જ બની રહી શકે તેમ છે.જોકે, અમેરિકી ફંડ રીઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મુકાવાના સંજોગોમાં ડોલર ટર્મમાં સોનામાં મોટી તેજી થાય તો પણ ભારતમાં તેના જેટલી અસર નહિં થાય કારણ કે આ સ્થિતિમાં ડોલર ઈન્ડેકસ ઘટી શકે અને ડોલર સામે ભારતીય રૂપિયો મજબુત બની શકે.
આમ ડોલર ટર્મમાં જેટલી તેજી થાય તેની સરખામણીએ ભારતમાં સોનામાં ભાવ વધારો ઓછો રહી શકે. રોકાણકારોએ તબકકાવાર ખરીદી કરવી જોઈએ. પોર્ટફોલીયામાં 10-12 ટકા સોનું રાખવુ જોઈએ.
ભારતમાં સરકાર દ્વારા સોનાની આયાત જકાતમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી તાજેતરમાં ભાવ ઘટયા હતા.હવે વૈશ્વિક તેજીનો દોર છે અને વધુ તેજીની આગાહી છે જયારે ભારતમાં પણ સોનાનો ભાવ 80,000 ને આંબી શકે છે.
કેડીયા કોમોડીટીઝના અજય કેડીયાનાં કહેવા પ્રમાણે અમેરિકામાં વ્યાજદરમાં સંભવીત ઘટાડો ચીનની ખરીદી, ભૌગોલીક ટેન્શન, વિવિધ દેશોની બેંકો દ્વારા સોનાની ખરીદી જોવા અનેકવિધ કારણો સોનામાં તેજી થવાનો સંકેત આપે છે. 2008 માં ફંડ રિઝર્વ વ્યાજ ઘટાડયુ જયારે જે રીતે તેજી થઈ તેવી આ વખતે પણ થઈ શકે છે.
2008 માં સોનુ 650 ડોલરના સ્તરે હતું. જે 2011 માં 1920 ડોલરે પહોંચી ગયુ હતું. ભારતમાં પણ ડોલર ટર્મનાં ધોરણે જ ભાવ વધારો થયો હતો. આ વખતે એમ મનાય છે કે ચાલુ વર્ષનાં અંતે કે 2025 ની શરૂઆતમાં ભારતમાં સોનાનો ભાવ 78000 કે 80,000 સુધી પહોંચી શકે છે.
ઈન્ડીયા બુલીયન જવેલર્સ એસોસીએશનનાં સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનાં કહેવા પ્રમાણે ચીનમાં મંદી તથા અમેરીકામાં વ્યાજદર ઘટાડાને ધ્યાને લેતાં સોનામાં નવુ ઈન્વેસ્ટમેન્ટ આવી શકે છે. ગોલ્ડ ઈટીએફમાં વન-વે વૃદ્ધિ સંભવ છે. અમેરીકી ચૂંટણી તથા વ્યાજદર ઘટાડાથી વર્ષના અંત સુધીમાં સોનુ 2680 ડોલર થઈ શકે છે.